ગુજરાતઃ પંડિત દીનદયાળ આવાસ યોજના હેઠળ 73 હજારથી વધુ પરિવારોનું ‘ઘરના ઘર’નું સ્વપ્ન સાકાર થયું
ગાંધીનગરઃ સર્વોદયના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત સરકાર દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(SEBC), આર્થિક પછાત વર્ગ અને વિચરતી વિમુક્ત જાતિના નાગરીકોના કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે. પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના આ દિશામાં એક મહત્વની યોજના સાબિત થઈ રહી છે. આ યોજના હેઠળ વિકસતી જાતિના નાગરીકોને મકાન બાંધકામ માટે સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં વિકસતી જાતિના 73,469 નાગરીકોને પોતાના ‘ઘરના ઘર’નું સ્વપ્ન સાકાર થયું છે. આ યોજનાનો લાભ મેળવવા માટે લક્ષ્યાંક સામે અરજીઓ મળે ત્યાં સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવાની સમય મર્યાદામાં વધારવામાં આવી છે.
આ યોજના હેઠળ લાભાર્થીને આવાસ બાંધકામ માટે રૂ.1.70 લાખની સહાય આપવામાં આવે છે. જેમાં મકાન બાંધવાની નાણાંકીય સહાય ચાર હપ્તામાં ચુકવાય છે. પ્રથમ હપ્તા પેટે રૂ. 30,000 બીજા હપ્તા પેટે રૂ. 80,000 ત્રીજા હપ્તા પેટે રૂ.50,000 જ્યારે ચોથા હપ્તા પેટે આવાસનું બાંધકામ પુર્ણ થયેથી રૂ.10,000 આપવામાં આવે છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતાં નાગરીકોને સહાય તેમના બેંક એકાઉન્ટમાં સીધા DBT મારફતે ચૂકવવામાં આવે છે. સામજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ દ્વારા અમલી પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક નાગરીકો ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરી શકે છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને આર્થિક સહાય, બેંક લોન તથા સબસિડીની સુવિધાઓ આપવામાં આવે છે. તેમના મકાનમાં વીજળી, પાણી, શૌચાલય જેવી મૂળભૂત જરૂરિયાતો પણ આપવામાં આવે છે.
આ યોજના હેઠળ અરજીઓ મંગાવવાની સમય મર્યાદામાં વધારો કરાયો છે તેમાં SEBC વર્ગના ભરૂચ, સુરત, વલસાડ, ગાંધીનગર સહિત કુલ 11 જિલ્લાઓ તથા આર્થિક રીતે પછાત વર્ગના ગાંધીનગર, મહેસાણા, વડોદરા, સુરત સહિત કુલ 11 જિલ્લાઓના નાગરીકો આવાસ માટે અરજી કરી શકે છે. આ ઉપરાંત વિચરતી વિમુક્ત જાતિના અમદાવાદ, ભાવનગર, સાબરકાંઠા, રાજકોટ સહિત કુલ ૨૩ જિલ્લાઓના નાગરીકો આવાસ માટે ઓનલાઈન અરજી કરી શકે છે. પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ગ્રામીણ તથા શહેરી એમ બંને જગ્યાએ વસવાટ કરતા વાર્ષિક રૂ. 6 લાખની આવક મર્યાદા ધરાવતાં નાગરીકો આવાસ માટે અરજી કરી શકે છે. આ યોજના ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ઘર એ માત્ર ચાર દિવાલો નથી, પરંતુ એક પરિવારમાં સુરક્ષા, સન્માન અને સપનાઓનું પ્રતીક છે. આ જ વિચારને આધારે રાજ્ય સરકારે દરેક ગરીબ પરિવારને પોતાના મકાનનું સ્વપ્ન પૂરું કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.
આ યોજના હેઠળ ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં ઘર વગરના પરિવારોને પાકા મકાન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. પહેલા જે પરિવાર ઝૂંપડામાં કે અસ્થાયી છત નીચે રહેતા હતા, તેઓ આજે પાકા, મજબૂત અને સગવડસભર નિવાસમાં પોતાના જીવનને નવી દિશા આપી રહ્યા છે. આજે હજારો પરિવારો આ યોજનાથી લાભાન્વિત થઈને નવા ઘરનો આનંદ માણી રહ્યા છે. બાળકો માટે અભ્યાસ કરવા માટે શાંતિપૂર્ણ વાતાવરણ, મહિલાઓ માટે ઘરનું સન્માન અને વડીલો માટે જીવનના અંતિમ વર્ષોમાં સુરક્ષા આ બધું જ આ યોજનાની આપણી પ્રજાને મોટી ભેટ છે. આ યોજનાની એક વિશેષતા એ છે કે તેમાં ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ના સિદ્ધાંતને સમાવવામાં આવ્યો છે. સમાજના સૌથી અંતિમ નાગરીક સુધી વિકાસનો લાભ પહોંચાડવાની પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીની અંત્યોદયની વિચારસરણી આ યોજનાથી સાર્થક થઈ રહી છે.