ગુજરાત પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા મોંઘાભાવે પુસ્તકો વેચીને તગડો નફો રળવાનું કૌભાંડઃ કોંગ્રેસ
- જુના પુસ્તકોમાં પેજ વધારે, નવામાં પેજ ઓછા છતાં સરખો ભાવ
- 2023માં કાગળ ખરીદીનું કૌભાંડ ઉજાગર કરતા અડધા ભાવે કાગળ ખરીદાયા
- કાગળ અડધા ભાવે કાગળ ખરીદાયા તો પુસ્તકોની કિંમતમાં પણ 50% રાહત મળવી જોઈએ
અમદાવાદઃ રાજ્યમાં ધોરણ 6 થી ધોરણ 12 ના પાઠ્યપુસ્તકોમાં ઘણા પ્રકરણો અથવા તેમાં આવતા યુનિટને ઘટાડી દેવામાં આવ્યા છે. અને NCERT મુજબ પાઠ્ય પુસ્તકો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. તેથી પાઠ્ય પુસ્તક મંડળને કાગળની બચત થઈ હોવા છતાંયે પુસ્તકોની કિંમતમાં ઘટાડો કરાયો નથી. અને મોંઘા ભાવે પાઠ્ય પુસ્તકો વેચીને મંડળ તગડો નફો કરી રહ્યાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા વિભાગના કો કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલે રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ તેના ભ્રષ્ટાચારી નીતિ રીતિ અને છબરડાઓ માટે કુખ્યાત બની ગયું છે. ધોરણ 10 અને 12 ના પરિણામોમાં ઐતિહાસિક રીતે લાખો વિદ્યાર્થીઓ નાપાસ થઈ રહ્યા હતા અને શિક્ષણ બોર્ડ તથા શાળાઓએ તેમની જવાબદારીમાંથી હાથ ખંખેરી દીધા હતા. સરકારને ખબર છે કે ઓછા શિક્ષકો, લિમિટેડ રિસોર્સ અને પાયામાં સુચારુ ભણતર આપી શક્યા નથી અને પાયો મજબૂત કરી શક્યા નથી માટે 2023માં જે ખરાબ પરિણામ આવ્યું ત્યાર બાદ અચાનક ધોરણ 6 થી ધોરણ 12 ના પાઠ્યપુસ્તકોમાં ઘણા પ્રકરણો અથવા તેમાં આવતા યુનિટને ઘટાડી દેવામાં આવ્યા અને પરિપત્ર દ્વારા જણાવવામાં આવ્યું કે, વિદ્યાર્થીઓ પર ભણતરનો ભાર ઘટાડવા માટે ધો. 6 થી ધો. 12 માં Rationalised Content in Textbooks અન્વયે પ્રકરણના કેટલાક મુદ્દાઓ કે સમગ્ર પ્રકરણ દૂર કર્યા છે. અને તે અનુસાર ઘટાડેલ પાઠ્યસામગ્રી મુજબ NCERT એ ધો. 6 થી 12ના પાઠ્યપુસ્તકો પ્રસિદ્ધ કરેલા છે.
2023-24માં પાઠ્યપુસ્તક મંડળે પેપરના 108 રૂપિયા કિલોના ભાવે ટેન્ડર નક્કી કર્યુ હતું. તથા આ ટેન્ડર છેલ્લા 15 વર્ષથી એકની એક જ એજન્સીને ફાળે જતું હતું વળી એ જ પ્રકારના કાગળ અન્ય એજન્સી 87 રૂપિયા કિલો આપવા પણ તૈયાર હતી પરંતુ તે 107 રૂપિયાના ભાવે ખરીદવામાં આવ્યા હતા. આ બાબત હાઈકોર્ટમાં પણ લઈ જવામાં આવી હતી તે સમગ્ર પ્રકરણને કોંગ્રેસ દ્વારા ઉજાગર કરવામા આવ્યું હતું અને તાજેતરના નવા ટેન્ડરમાં આ વર્ષે એટલે કે વર્ષ 2025માં જુન મહિનામાં જે પુસ્તકો વેચવામાં આવશે તેના માટેના કાગળ ખરીદીમાં પાઠ્ય પુસ્તક મંડળમાં મીલોનો ભાવ રૂા.53.50 પ્રતિ કિ.ગ્રા. 70 ગ્રામ વજનવાળી ગુણવત્તાનો પેપર ખરીદેલો છે. આ જોતાં પાઠ્ય પુસ્તક મંડળને ગત વર્ષો કરતાં રૂા.275 કરોડનો ફાયદો થયો છે. તદ્ઉપરાંત "નહી નફો અને નહીં નુકસાન જેનો મુખ્ય ઉદ્દેશ હતો" તે પાઠ્ય પુસ્તક મંડળ પાસે રીઝર્વ ફંડ રૂા. 300 કરોડથી પણ વધુ પડી રહેલ છે.