ગુજરાતઃ ઈકો વિલેજ સુરતના ધજમાં સોલાર પેનલ-રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લાગી
રાજ્યના એક માત્ર ઈકો વિલેજ એવા સુરત જિલ્લામાં આવેલા માંડવીના ધજ ગામમાં વાંસ-લીપણમાંથી બનેલાં 60 ઘરોમાં સોલાર પેનલ-રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લાગી છે. જ્યાં ફોન નેટવર્ક કે ગૂગલ મેપ પણ પહોંચ્યા નથી, જેથી ગામમાં પર્યાવરણ અને પ્રગતિ વચ્ચે તાલમેલ જોવા મળે છે.
સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલું ધજ ગામએ ગુજરાતનું પહેલું ઈકો વિલેજ છે. જ્યાં હજુ સુધી ગૂગલ મેપ પણ પહોંચ્યું નથી. ત્યાં પહોંચ્યા પછી ફોન નેટવર્ક પણ મળતું નથી. ચારેય તરફ જંગલોથી ઘેરાયેલા આ અદકેરા ગામમાં 60 ઘરો છે, જેમાં 250 લોકો રહે છે. તમામ ઘરો દેશી પ્રકૃતિથી બનેલા છે છતાં શહેરીજનોને આકર્ષે છે. ઘરની દીવાલો વાંસ અને માટીના લીપણથી બનેલી છે. છત પર નળિયા હોવાથી આગઝરતી ગરમીમાં પણ ઘરમાં એસી જેવી ઠંડક રહે છે. વરસાદી પાણીના સંગ્રહ માટે તમામ ઘરોમાં અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકી છે. જ્યાં વરસાદના પાણીને ભૂગર્ભમાં ઉતારવા માટે 5 રિચાર્જ વેલ પણ બનાવવામાં આવ્યા છે. સોલારથી ચાલતી સ્ટ્રીટ લાઈટ છે. આ ઉપરાંત તમામ ઘરો પર એક-એક સોલાર પ્લેટ પણ લગાવવામાં આવી છે, જેના કારણે લાઈટ ન હોય ત્યારે 2 બલ્બ ચલાવી શકાય છે. તમામ ઘરમાં ગોબર ગેસની પણ વ્યવસ્થા છે. ઘન કચરાના નિકાલ માટે યુનિટ પણ બનાવવામાં આવ્યાં છે. ગામમાં 270 લોકોની વસ્તી છે, જેમાંથી 22 યુવાનો સરકારી નોકરી કરી રહ્યા છે. આ ગામમાં પ્રાથમિક શાળા, બાળમંદિર અને આંગણવાડી સહિતની તમામ સુવિધાઓ છે.
ગાઢ જંગલની વચ્ચોવચ આવેલું આ ગામ એક સમયે પ્રાથમિક સુવિધાથી વંચિત હતું. ગામમાં અવરજવર કરવા માટે પાકા રસ્તા કે વીજળીની સુવિધા પણ ન હતી. ગ્રામજનો રોજગારી માટે વન્ય પેદાશો પર નિર્ભર રાખતા હતાં. પર્યાવરણ સુધારણા અને પદૂષણ નિયંત્રણનું કામ કરવા ગુજરાત ઈકોલોજી કમિશને ધજ ગામને ઈકો વિલેજ જાહેર કરી પાયાની સુવિધાઓ પૂરી પાડી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સસ્ટેનેબલ ટેકનિક અને સામૂહિક પ્રયાસોથી થયેલા પર્યાવરણ સંરક્ષણના કારણે ધજ ગામમાં પર્યાવરણીય ક્રાંતિ આવી છે.
2016માં ધજ ગામને ઈકો વિલેજ જાહેર કરવામાં આવ્યું હતું. ઇકો વિલેજ તરીકે જાહેર થયા બાદ પર્યાવરણની જાળવણી માટે બાયોગેસ, ભૂગર્ભ જળ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ, સૌર ઊર્જા સંચાલિત સ્ટ્રીટ લાઈટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. ગામના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ પ્રત્યે જાગૃત્ત બને એવા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.