ગુજરાતઃ સાંકડા પુલોના સ્ટ્રકચર્સને પહોળા કરવા 467.50 કરોડ રૂપિયા ફાળવાયા
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉત્તરોત્તર સંગીન બનાવીને લોકોને અને ઉદ્યોગ વ્યાપારને ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન આપવાનો સુચારુ અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં રાજ્યમાં ફોરલેન માર્ગોની સાપેક્ષમાં જે હયાત પુલો અને સ્ટ્રકચર્સ સાંકડા છે તેને પહોળા કરવાના 11 કામો માટે 467.50 કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી છે. તેમણે આ અગાઉ સાંકડા પુલો-સ્ટ્રક્ચર્સને પહોળા કરવા 20 રસ્તાઓના કામો માટે 245.30 કરોડ રૂપિયા મંજૂર કરેલા છે હવે વધુ 11 માર્ગોને પહોળા કરવા 467.50 કરોડ રૂપિયા તેમણે માર્ગ-મકાન વિભાગને ફાળવ્યા છે. આના પરિણામે 11 સ્થળોએ બોટલનેક પરિસ્થિતિનું નિવારણ આવશે તથા વધુ સુવિધાયુક્ત સલામત રસ્તા લોકોને મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉપરાંત અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને ઔદ્યોગિક અને ક્વોરી વિસ્તારોને જોડતા 29 રસ્તાઓના મજબૂતીકરણ, વિસ્તૃતિકરણ અને કાચા માર્ગોથી પાકા માર્ગો બનાવવા 189.90 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
તદ્દઅનુસાર, પાંચ રસ્તાની 7.45 કિ.મી લંબાઈમાં કાચાથી પાકા રસ્તા માટે અંદાજે રૂ. 8.80 કરોડ, 8 માર્ગોની 30.68 કી.મી લંબાઈના મજબૂતીકરણ માટે રૂ. 47.30 કરોડ તેમજ 16 માર્ગોની 88.50 કી.મી. લંબાઈને જરૂરિયાત મુજબ વાઇડનિંગ કરવા આસરે 133.70 કરોડ રૂપિયા ફાળવવા નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ દૂરોગામી નિર્ણયને પરિણામે ક્વોરી મટીરીયલ્સનું પરિવહન સરળ બનશે તેમજ ગ્રામ્ય નાગરિકોને સલામત માર્ગ સુવિધા મળતી થશે. એટલું જ નહીં, ભવિષ્યમાં ઓદ્યોગિક અને ખાણ ખનીજ ક્ષેત્રને લગતા ભારે વાહન વ્યવહારને સારી સુવિધા મળતાં લોજિસ્ટિક્સ યાતાયાત ઝડપી અને સરળ બનતા આ વિસ્તારોના સર્વગ્રાહી વિકાસમાં મોટું બળ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અત્યાર સુધીમાં આવા માર્ગોની જરૂરી સુધારણાના હેતુસર આ નાણાકીય વર્ષમાં 73 કામો માટે 1646.34 કરોડ રૂપિયા મંજૂર કરેલા છે.
(PHOTO-FILE)