ગુજરાતના રેવન્યુ કર્મચારીઓ માસ સીએલ પર જતા કામગીરી ઠપ
- રેવન્યુ કર્મચારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે પ્રતિક હડતાળ પાડી
- મંગળવારે પરશુરામ જ્યંતિની રજા બાદ આજે રેવન્યુ કર્મીઓ માસ સીએલ પર ગયા,
- દસ્તાવેજ સહિતની કામગીરી ખોરવાતા લોકોને પડી હાલાકી
ગાંધીનગર: ગુજરાત સરકારના મહેસુલ વિભાગના કર્મચારીઓએ આજે એક દિવસ માટે સામૂહિક માસ સી.એલ. લઈને કામકાજથી અળગા રહ્યા હતા. મહેસલી કર્મચારીઓના પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા આખરે કર્મચારીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતુ. આ કારણે આજે રાજ્યના તમામ જિલ્લા અને તાલુકા કચેરીઓમાં વહીવટી કામગીરી ઠપ રહી હતી. મહેસુલી કર્મચારીઓની પ્રતિક હડતાળથી સામાન્ય નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ગુજરાતના મહેસુલી કર્મચારીઓએ આજે એક દિવસની માસ સીએલ લઈને હડતાળ પર જતાં વહિવટી કામગીરી ખોરવાઈ ગઈ હતી. ગઈકાલે પરશુરામ જયંતિની રજા બાદ આજે સામૂહિક રજા રાખવામાં આવતા મહેસૂલ વિભાગનું કાર્ય લગભગ સંપૂર્ણપણે અટકી પડ્યું હતુ. અગાઉથી જ અધિકારીઓ અને કર્મચારીઓએ રજા મૂકી હતી, જેના પગલે ખાસ કરીને જમીન સંબંધિત અરજીઓ, અશાંતધારાની અરજી, દસ્તાવેજ નકલ, મિલકત સંબંધિત ઓર્ડરો તેમજ વહીવટી સુનાવણીઓ આજે યોજાઈ ન હતી.
મહેસૂલ કર્મચારી સંઘના સૂત્રોના જણાવ્યા મુજબ, મહેસુલી કર્મચારીઓના પડતર પ્રશ્નોના ઉકેલ માટે છેલ્લા અનેક મહિનાઓથી રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવતી હતી. તેમ છતાં સરકાર તરફથી કોઈ નક્કર પગલાં લેવાતા નથી. તેમના મુખ્ય મુદ્દાઓમાં જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવી, સમયસર બઢતી આપવી, ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવી, તેમજ તાલુકા અને જિલ્લા ફેરબદલીના ન્યાયસંગત નિયમો બનાવવાનો સમાવેશ થાય છે. તલાટીઓએ અગાઉ પણ વિભાગના નિયમોમાં વિસંગતતા અંગે રજૂઆત કરી હતી, જેમાં પ્રમોશન, કામગીરીના ધોરણો અને કર્મચારીઓ વચ્ચે ભેદભાવ જેવા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. ખાસ કરીને, નાયબ મામલતદાર અને ક્લાર્ક ગ્રેડના કર્મચારીઓના પ્રમોશન મુદ્દે ભારે અસંતોષ છે. કર્મચારી મહામંડળે સ્પષ્ટતા કરી છે કે અગાઉ સરકાર દ્વારા પડતર માંગણીઓનો ઉકેલ લાવવાની ખાતરી અપાઈ હતી. છતાં કોઈ નિર્ણય ન લેવાતા આજે માસ સી.એલ. દ્વારા વિરોધ વ્યક્ત કરાયો હતો. આજની હડતાલ પછી પણ જો સરકાર પગલાં નહીં લે તો આગામી સમયમાં રેવન્યૂ વિભાગમાં મોટી હડતાલના સંકેત પણ આપી દેવામાં આવ્યા છે.