ગુજરાતમાં સિઝનનો 108%થી વધુ વરસાદ, 145 જળાશયો હાઈ એલર્ટ પર
ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સિઝન અત્યાર સુધી નોંધપાત્ર રીતે સફળ રહી છે, જેમાં રાજ્યમાં સરેરાશ 108 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કચ્છમાં 135 ટકા જેટલો થયો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 118 ટકા, દક્ષિણ ગુજરાતમાં 112 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 110 ટકા વરસાદ વરસ્યો છે. જોકે, સૌરાષ્ટ્રમાં હજુ પણ 93 ટકા સરેરાશ વરસાદ સાથે થોડી ઓછી ટકાવારી જોવા મળે છે.
રાજ્યના જળાશયોમાં પણ પાણીની ભરપૂર આવક થઈ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ તેની કુલ ક્ષમતાના 93 ટકા જેટલો ભરાઈ ગયો છે. આ ઉપરાંત, રાજ્યના કુલ 206 જળાશયોમાંથી 145 ડેમ હાઈ એલર્ટ પર છે, જે 70 થી 100 ટકા સુધી ભરાયેલા છે. આ પરિસ્થિતિ ખેડૂતો અને નાગરિકો માટે સકારાત્મક સમાચાર છે.
8 કલાકમાં નોંધાયેલા વરસાદની વાત કરીએ તો, સુરત જિલ્લાના કામરેજમાં દોઢ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર અને ખેડામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.