ગુજરાતમાં ચોમાસાની સીઝનનો સરેરાશ 85.73 ટકા વરસાદ પડ્યો, 100 ડેમ હાઈએલર્ટ પર
- સીઝનનો સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં 89.10 ટકા પડ્યો,
- રાજ્યમાં 41 તાલુકામાં સીઝનનો 40 ઈંચથી વધુ વરસાદ પડ્યો,
- રાજ્યના 16 ડેમોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ
ગાંધીનગરઃ ગુજરાતમાં આજે બપોર સુધીમાં 81 તાલુકામાં વરસાદ પડ્યો હતો. રાજ્યમાં ચોમાસાની સીઝન દરમિયાન 85.73 ટકા વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 89 ટકા વરસાદ, કચ્છમાં 85.14 ટકા, સૌરાષ્ટ્રમાં 83.84 ટકા, જ્યારે પૂર્વ-મધ્યમાં 81.03 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં સારા વરસાદને લીધે જળાશયોમાં પાણીની સારી આવક થઈ છે. જેમાં સરદાર સરોવર ડેમ 91.66 ટકા ભરાતા ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 75 ડેમ 100 ટકા ભરાયેલા છે. જ્યારે 70 ડેમ 70 થી 100 ટકા, 25 ડેમ 50 થી 70 ટકા, 20 ડેમ 25 ટકા થી 50 ટકા વચ્ચે અને 16 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં હાલમાં 100 ડેમ હાઈ એલર્ટ, 28 ડેમ એલર્ટ તથા 17 ડેમ વોર્નિંગ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
રાજ્યમાં ચાલુ ચોમાસાની સ્થિતિમાં 01 જૂન 2025થી હમણાં સુધી 5311 નાગરિકોનું સ્થળાંતર અને 1005 પાણીમાં ફસાયેલા વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની એસ.ટી બસોના સફળ આયોજનના પરિણામે નહિવત ટ્રીપો રદ કરીને 14 હજાર થી વધુ રૂટ ઉપર 40 હજારથી વધુ ટ્રીપો પૂર્ણ કરીને વાહન વ્યવહારની સુવિધા નાગરિકોને પહોચાડવામાં આવી છે. ગુજરાતના માછીમારોને તા.28 ઓગસ્ટથી 31 ઓગસ્ટ 2025 સુધી દરિયો નહિ ખેડવા IMD દ્વારા જણાવાયું છે.