ગુજરાતઃ આગામી 6 અને 7 ડિસેમ્બરના રોજ 'રવિ કૃષિ મહોત્સવ-2024' યોજાશે
ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા આગામી 6 અને 7 ડિસેમ્બરના રોજ 'રવિ કૃષિ મહોત્સવ-2024' યોજાશે. ગુજરાતના ખેડૂતોને પ્રવર્તમાન સમયને અનુરૂપ કૃષિ પદ્ધતિઓ, ટેકનોલોજી અને નવતર અભિગમોથી પરિચિત કરાવવાના શુભ આશય સાથે મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરના 246 તાલુકા મથકોએ તાલુકા સ્તરનો રવિ કૃષિ મહોત્સવ યોજાશે. ગુજરાત સરકારના મંત્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ સહિતના વિવિધ પદાધિકારીશ્રીઓ અને ઉચ્ચ અધિકારીશ્રીઓ શુભારંભ કરાવશે. આ રવિ કૃષિ મહોત્સવમાં ગુજરાતના 2.5 લાખથી વધુ ખેડૂતો ભાગ લેશે.
તેમણે જણાવ્યું કે, કૃષિ વૈજ્ઞાનિકો અને તજજ્ઞો ખેડૂતો સાથે સીધો વાર્તાલાપ કરી શકે, તેમની સમસ્યાનું નિવારણ લાવી શકે, યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી શકે, નવી ખેત પદ્ધતિઓથી અવગત કરી શકે તેમજ ખેડૂતોની સમસ્યાઓને આધારે સંશોધનો કરી શકે તેવા શુભ આશય સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ-2005માં કૃષિ મહોત્સવની નવી પરંપરા શરુ કરી હતી. આ પરંપરાને સુપેરે આગળ ધપાવવા રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા 'રવિ કૃષિ મહોત્સવ-2024'નું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમ અંગે વિસ્તૃત સમજ આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, આ 2 દિવસીય મહોત્સવમાં વિવિધ ટેક્નીકલ માર્ગદર્શન સેમીનાર, પ્રાકૃતિક ખેતીનું નિદર્શન, આધુનિક કૃષિ ટેકનોલોજીનું નિદર્શન-પ્રદર્શન, પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત અને પશુ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સાથો-સાથ રાજ્યના પ્રગતીશીલ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર તથા આત્મા બેસ્ટ ફાર્મરના એવોર્ડ પણ આ કાર્યક્રમ દરમિયાન એનાયત કરવામાં આવશે.
આ ઉપરાંત કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકશ્રીઓ દ્રારા પ્રાકૃતિક અને સસ્ટેનેબલ ફાર્મિંગ, ખેતી અને બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન, બાગાયતી પાકો સાથે મિક્સ ફાર્મિંગ, પ્રાકૃતિક ખેતી, પ્રીસીઝન ફાર્મિંગ, કૃષિ અને બાગાયતી પાકોમાં આધુનિક તાંત્રિકતા વિશે માર્ગદર્શન, મિલેટ પાકોમાં મૂલ્યવર્ધન, સફળ પશુપાલન જેવા વિવિધ વિષયો ઉપર ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ, ખેડૂતોને સબંધિત વિસ્તારમાં થતા પાકો અંગે માર્ગદર્શન તથા તેમના પ્રશ્નોનું નિરાકરણ આપવાનું પણ રાજ્ય સરકારે આયોજન કર્યું છે. આ બે દિવસીય મહોત્સવમાં ગુજરાતને કૃષિ ક્ષેત્રે નંબર-1 બનાવવા માટે ચિંતન અને વિવિધ પ્રયાસો કરવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યુ હતું.