For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં 6 કરોડથી વધુ વૃક્ષારોપણ સાથે ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે

04:04 PM Aug 19, 2025 IST | Vinayak Barot
‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં 6 કરોડથી વધુ વૃક્ષારોપણ સાથે ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે
Advertisement
  • ગુજરાતમાં 10 કરોડથી વધુ વૃક્ષારોપણનો લક્ષ્યાંક સિદ્ધ કરાશે,
  • 61 લાખથી વધુ વૃક્ષારોપણ સાથે બનાસકાંઠા જિલ્લો અગ્રેસર,
  • દેશમાં  સૌથી વધુ 32 કરોડ વૃક્ષારોપણ સાથે ઉત્તરપ્રદેશ દેશમાં પ્રથમ ક્રમે

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત ગુજરાતે સમગ્ર દેશમાં તા. 04 જૂનથી 18 ઓગષ્ટ-2025 સુધીમાં ત્રીજા નંબરે સૌથી વધુ 6.05 કરોડથી વધુ વૃક્ષારોપણ કરી રાજ્યના ગ્રીન કવરમાં વધારો કરવા નવો કીર્તિમાન-રેકોર્ડ સ્થાપ્યો છે. જ્યારે વસ્તી-વિસ્તારના સાપેક્ષમાં ઉત્તરપ્રદેશ 32.51 કરોડ વૃક્ષારોપણ સાથે દેશમાં પ્રથમ છે. જ્યારે 08 કરોડ સાથે રાજસ્થાન બીજા ક્રમે છે. આગામી સમયમાં સૌના સાથ સહકારથી આ અભિયાન હેઠળ કુલ 10 કરોડથી વધુ વૃક્ષારોપણનો લક્ષ્યાંક સિદ્ધ કરવાનું ગુજરાત સરકારનું આયોજન છે તેમ, વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું.

Advertisement

પ્રકૃતિની સાથે પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધનમાં દેશમાં ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે. વૃક્ષો થકી પર્યાવરણના જતન માટે વડાપ્રધાન  નરેન્દ્ર મોદી દ્વારા ગત વર્ષ 2024માં ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ તા. 5 જૂન નિમિતે ‘એક પેડ મા કે નામ’ રાષ્ટ્રવ્યાપી અભિયાનનો પ્રથમવાર શુભારંભ કરવામાં આવ્યો હતો. આજે સાચા અર્થમાં ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં આ ‘જન અભિયાન’ પ્રસ્થાપિત થયું છે. ગુજરાતમાં પણ પર્યાવરણની જાળવણી માટે દર વર્ષે  ચોમાસાની ઋતુમાં વિવિધ સ્થળોએ રાજ્ય સરકાર દ્વારા ‘વન મહોત્સવ’નું આયોજન કરવામાં આવે છે તેમ મંત્રીએ ઉમેર્યુ હતું.

વન મંત્રી  મુળુભાઇએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વાવવામાં આવેલા વૃક્ષો આગામી સમયમાં દેશભરની માનવ જીવન-વન્યજીવ સૃષ્ટિના રહેઠાણ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.  આ સાથે ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ જૂન થી ઓગષ્ટ-2025 દરમિયાન આજ સુધીમાં દેશના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મળીને કુલ 62 કરોડથી વધુ વૃક્ષો વાવીને વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વૈશ્વિક સ્તરે પર્યાવરણ ક્ષેત્રે ભારતે નવો રેકોર્ડ સ્થાપ્યો છે.

Advertisement

વન મંત્રી  મુળુભાઈ બેરાએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનના પર્યાવરણલક્ષી ‘એક પેડ મા કે નામ’ અભિયાનનો ગુજરાતમાં સૌ પ્રથમ ગાંધીનગરથી પોતાના માતાના નામે એક વૃક્ષ વાવીને પ્રારંભ કરાવ્યો હતો. આ અભિયાનમાં સહભાગી થઈને ગુજરાતના મંત્રી મંડળના સભ્યશ્રીઓ, ધારાસભ્યઓ, સાંસદ સભ્યો, પદાધિકારીઓ, અધિકારીઓ, શૈક્ષણિક-સ્વૈચ્છિક સંસ્થાઓ અને પર્યાવરણ પ્રેમી નાગરિકોએ પોતાની માતાની યાદમાં એક વૃક્ષ વાવીને તેને ઉછેરવાની કાળજી લઈ રહ્યા છે.

વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી  મુકેશભાઈ પટેલે કહ્યું હતું કે, આ જન અભિયાનના પરિણામ સ્વરૂપે ગુજરાત આજે ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન બાદ સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે છે પરંતુ વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ઉત્તરપ્રદેશ દેશમાં સૌથી વધુ અંદાજે 19.98  કરોડની વસ્તી ઉપરાંત 2.40.928 ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવતું રાજ્ય છે.  જેની તુલનામાં ગુજરાત અંદાજે 6 કરોડથી વધુ વસ્તી તેમજ 1.96.024 ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવે છે તે જોતા ગુજરાત વૃક્ષારોપણમાં દેશના અગ્રેસર રાજ્યોમાંથી એક છે તેમ કહી શકાય. આ સિદ્ધિ સૌ પર્યાવરણ પ્રેમી ગુજરાતીઓને આભારી છે તેમ જણાવી મંત્રીએ આ અભિયાનમાં વધુમાં વધુ પર્યાવરણ પ્રેમી નાગરિકોને સહભાગી થવા આહ્વાન કયું હતું.

વન રાજ્ય મંત્રીએ આ અભિયાન હેઠળ વિવિધ જિલ્લાઓમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં થયેલા વૃક્ષારોપણની વધુ વિગતો આપતાં કહ્યું કે, તા. 18 ઓગષ્ટ-2025ની સ્થિતિએ ગ્રામીણ વિસ્તારમાં 5.56  કરોડ જ્યારે શહેરી વિસ્તારમાં 49 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ કુલ 61 લાખ વૃક્ષારોપણ સાથે રણ-સરહદી વિસ્તારની ઓળખ ધરાવતો બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં પ્રથમ નંબર પર છે. આ સિવાય વૃક્ષારોપણમાં અનુક્રમે તાપી જિલ્લામાં 48 લાખથી વધુ, પંચમહાલમાં 43 લાખથી વધુ, વલસાડમાં 41 લાખથી વધુ, સાબરકાંઠામાં 40 લાખથી વધુ જ્યારે ડાંગમાં 35 લાખથી વધુ એમ કુલ 33 જિલ્લાઓમાં ગ્રામીણ અને શહેરી વિસ્તાર મળીને કુલ 06.5 કરોડથી વધુ વૃક્ષો ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં વાવવામાં આવ્યા છે.

Advertisement
Tags :
Advertisement