હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

19,020 હેક્ટર વિસ્તારમાં મેન્ગ્રૂવ વાવેતર સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે

01:20 PM Mar 01, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ વર્ષ 2023માં કેન્દ્ર સરકાર દ્વારા દરિયાકિનારાનાં રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચેર (મેન્ગ્રૂવ)ના વૃક્ષોના વિસ્તરણ સાથે દરિયાકાંઠાના સમુદાયો અને ઇકોસિસ્ટમ માટે ટકાઉ ભવિષ્યનું નિર્માણ કરવા માટે ‘મિષ્ટી’ (મેન્ગ્રૂવ ઇનિશિયેટિવ ફોર શોરલાઈન હેબિટેટ્સ એન્ડ ટૅન્જિબલ ઇન્કમ્સ) યોજના શરુ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ છેલ્લાં બે વર્ષમાં આશરે 19,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં મેન્ગ્રૂવ વાવેતર સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે.

Advertisement

કેન્દ્ર સરકાર દ્વારા 5 જૂન, 2023ના રોજ પર્યાવરણ દિન નિમિત્તે દરિયાકિનારાનાં રાજ્યો તથા કેન્દ્રશાસિત વિસ્તારોમાં ચેર (મેન્ગ્રૂવ) વાવેતર, મેન્ગ્રૂવ વિસ્તારોનું મૅપિંગ, મેન્ગ્રૂવ વિસ્તારોની ભૌગોલિક તથા હાઇડ્રોલોજી સ્થિતિ ચકાસવી, નર્સરી સ્થાપના, જનજાગૃતિ કાર્યક્રમો, તાલીમ અને સંશોધન, મોનિટરિંગ તથા ઈકો ટૂરિઝમ સ્થળો વિકસાવવાના ઉદ્દેશથી MISHTI યોજના અમલમાં મૂકવામાં આવી હતી.

‘મિષ્ટી’ યોજના હેઠળ છેલ્લાં બે વર્ષમાં ₹76 કરોડથી વધુના ખર્ચે રાજ્યના આશરે 19,020 હેક્ટર વિસ્તારમાં મેન્ગ્રૂવ વાવેતર સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. ગુજરાતમાં મેન્ગ્રૂવ કવરના વિસ્તરણ અંગે વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરાએ જણાવ્યું હતું કે, “મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પર્યાવરણીય સંરક્ષણ અને તેના દ્વારા 'વિકસિત ગુજરાતથી વિકસિત ભારત'ની નેમને સાકાર કરવા માટે ગુજરાત પ્રતિબદ્ધ છે. આ પ્રતિબદ્ધતાના પરિણામે કેન્દ્ર સરકારની ‘મિષ્ટી’ યોજનાના અમલીકરણમાં ગુજરાત અગ્રેસર રાજ્ય બન્યું છે.”

Advertisement

મેન્ગ્રૂવ્સ એ દરિયાકાંઠાના જંગલો છે, જેમાં ખારા પાણીમાં ઊગે તેવા વૃક્ષોનો સમાવેશ થાય છે, જે પોષકતત્વો અને કાંપને ફિલ્ટર કરીને પાણીની ગુણવત્તા સુધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ ઇકોસિસ્ટમ્સ દરિયાઇ જીવસૃષ્ટિને ટેકો આપવા, દરિયાકાંઠાની જમીનને સ્થિર કરવા, ખારાશને વધતી અટકાવવા અને વાવાઝોડાં જેવી કુદરતી આફતોની અસરને ઘટાડવા માટે મહત્વપૂર્ણ છે. એક અંદાજ મુજબ, માછલીઓ અને પક્ષીઓ સહિત લગભગ 1500 પ્રકારના છોડ અને પ્રાણીઓની પ્રજાતિઓ મેન્ગ્રૂવ્સ પર નિર્ભર છે, જેઓ મેન્ગ્રૂવ વૃક્ષો નીચેના છીછરા પાણીનો પ્રજનન નર્સરી તરીકે ઉપયોગ કરે છે. તો વાંદરાઓ, સ્લોથ, વાઘ અને જરખ જેવા મોટા સસ્તન પ્રાણીઓ માટે પણ મેન્ગ્રૂવ મહત્વપૂર્ણ છે. 

મેન્ગ્રૂવ્સ (ચેર)નાં વૃક્ષો દરિયાકાંઠે ધોવાણ અટકાવવા એક ગ્રીન દીવાલનું કામ કરે છે અને તે માછલીઓના બ્રીડિંગ માટે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે એટલે તે સાગરખેડૂ પરિવારોની રોજગારીમાં મહત્ત્વનો ફાળો આપે છે. વાવાઝોડા સમયે દરિયાકાંઠાને બચાવવા તેમજ ખારાશ વધતી અટકાવવામાં પણ ચેરનાં જંગલોનો ખૂબ મહત્ત્વનો ફાળો છે. જે આ વિસ્તારની કૃષિ માટે પણ મહત્ત્વપૂર્ણ છે. ગુજરાતનો 1,650 કિમીનો દરિયાકિનારો મેન્ગ્રૂવ્સ, પરવાળા અને લીલ-શેવાળ જેવા દરિયાઇ ઘાસ સહિત વિવિધ ઇકોસિસ્ટમ્સ માટે એક આદર્શ વાતાવરનું નિર્માણ કરે છે. ‘મિષ્ટી’ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા પાંચ વર્ષમાં આશરે 540 ચો.કિ.મી.માં ચેર વાવેતરના અપાયેલાં લક્ષ્યાંક સામે ગુજરાતે છેલ્લાં બે વર્ષમાં 190 ચો. કિમીથી વધુ વિસ્તારમાં વાવેતર પૂર્ણ કર્યું છે. 

ગુજરાતનું મેન્ગ્રૂવ કવર વ્યૂહાત્મક રીતે રાજ્યના ચાર મુખ્ય વિસ્તારોમાં વહેંચાયેલું છે, જેમાં રાજ્યનો કચ્છ જિલ્લો 799 ચો. કિ.મી મેન્ગ્રૂવ કવર સાથે અગ્રેસર છે. જ્યારે મરીન નેશનલ પાર્ક અને અભયારણ્ય સહિત કચ્છનો અખાત, જામનગર, રાજકોટ (મોરબી), પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જેવા વિસ્તારોને આવરી લઇને 236 ચોરસ કિલોમીટરનો મેન્ગ્રૂવ કવર ધરાવે છે. ખંભાતના અખાત અને ડુમસ-ઉભરાટ વિસ્તારો સહિત રાજ્યનો મધ્ય અને દક્ષિણ ગુજરાત વિસ્તાર કે જેમાં ભાવનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓનો સમાવેશ થાય છે, તે વિસ્તાર 134 ચોરસ કિલોમીટર મેન્ગ્રૂવ કવર ધરાવે છે. આ ઉપરાંત, અમરેલી, જૂનાગઢ અને ગીર-સોમનાથ જેવા જિલ્લાઓને આવરી લેતો રાજ્યનો સૌરાષ્ટ્ર વિસ્તાર પણ સામાન્ય 6 ચોરસ કિલોમીટરનું મેન્ગ્રૂવ કવર ધરાવે છે. 

મેન્ગ્રૂવ વૃક્ષોની ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી ગુજરાત સરકારે છેલ્લા બે દાયકામાં વ્યાપક અભિયાન હાથ ધર્યું છે, જે પર્યાવરણ સંરક્ષણ માટે રાજ્યની દૃઢ પ્રતિબદ્ધતાનો પુરાવો છે. વૃક્ષારોપણના વ્યાપક પ્રયાસો અને સરકારના સમર્થન સાથે રાજ્યના મહત્વપૂર્ણ વિસ્તારોમાં મેન્ગ્રૂવ્સના વ્યૂહાત્મક વિતરણને કારણે માત્ર જૈવવિવિધતાને જ પ્રોત્સાહન નથી મળ્યું, પરંતુ તેનાથી દરિયાકાંઠાની સ્થિતિસ્થાપકતા પણ વધુ મજબૂત બની છે. મેન્ગ્રૂવ સંરક્ષણમાં ગુજરાત સતત અગ્રેસર રહેવા સાથે વિશ્વભરમાં ટકાઉ પર્યાવરણીય સંરક્ષણ માટે એક મોટું ઉદાહરણ સ્થાપિત કરે છે. 

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article