ગુજરાતઃ હાઇવે પર આવેલી 183 જેટલી હોટલો પર દરોડા, રૂ. 4.63 લાખથી વધુનો દંડ કરાયો
અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા સામૂહિક ઝુંબેશરૂપે આજે રાજ્યના અલગ-અલગ હાઇવે પર આવેલી હોટલોની આકસ્મિક ચકાસણી હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ ઝુંબેશ દરમિયાન તોલમાપ તંત્રના નાયબ નિયંત્રક/ મદદનીશ નિયંત્રક તેમજ ઇન્સપેક્ટરો દ્વારા રાજ્યના હાઇવે પર આવેલ હોટલો ખાતે તંત્રના કાયદા અને નિયમોની જોગવાઇઓનો ભંગ કરતા કુલ 183 જેટલી હોટલો સામે કાયદેસરની કાર્યવાહી કરીને અંદાજે કુલ રૂ.4,63,000/- જેટલો દંડ કરવામાં આવ્યો છે, આ અંગે વધુ કાર્યવાહી હાલમાં ચાલુ છે.
આ દરોડામાં તપાસણી દરમિયાન હોટલોમાં પેકેજ ચીજ વસ્તુ અને ઠંડા પીણામાં એમ.આર.પી.થી વધુ ભાવ લેવા,જથ્થામાં ઓછુ આપવુ, વજનકાંટો ન રાખવો, મેનુ કાર્ડમાં ખાદ્ય પદાર્થનો જથ્થો ન દર્શાવવો તેમજ હોટલમાં વપરાતા ઇલેક્ટ્રોનિક વજનકાંટા ચકાસણી મુદ્રાંકન ન કરાવવા જેવી ગેરરીતિઓ સામે આવી છે.
વધુમાં હાઇવે હોટલો પર બહોળા પ્રમાણમાં પોતાની મુસાફરી દરમિયાન ગ્રાહકો ખાદ્ય અને અન્ય ચીજવસ્તુઓની ઉતાવળે ખરીદી કરતા હોય છે. જેમાં ઘણી વખત તેમની પાસેથી વધુ ભાવ લઈને અથવા ઘણી વખત ચીજવસ્તુના વજન/માપમાં પણ છેતરવામાં આવતા હોય છે.
આવા બનાવો ન બને અને ગ્રાહકો પણ પોતાના અધિકારોથી જાગૃત થાય અને છેતરાતા અટકે તેવા ગ્રાહક સુરક્ષાના વિશાળ હેતુથી કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા રાજ્યની હાઇવે હોટલો પર તંત્રના કાયદા / નિયમોની જોગવાઇઓનું પાલન થાય તે માટે આજે આ રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.