For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાત પોલીસે પાસા હેઠળ અટક કરાયેલા 1157 આરોપીઓને કાયદાના પાઠ ભણાવવા

05:25 PM Jan 29, 2025 IST | revoi editor
ગુજરાત પોલીસે પાસા હેઠળ અટક કરાયેલા 1157 આરોપીઓને કાયદાના પાઠ ભણાવવા
Advertisement

ગાંધીનગરઃ ગુજરાત પોલીસ રાજ્યના નાગરિકોની સુરક્ષા અને કલ્યાણ માટે તેમની પ્રતિબદ્ધતા સાથે કાર્ય કરી રહી છે. એક તરફ મહિલા, બાળકો અને વયસ્ક નાગરિકોની સંવેદનશીલ જરૂરિયાતોને અનુરૂપ “સાંત્વના કેન્દ્ર”, “શી ટીમ”, “ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી” અને “તેરા તુજકો અર્પણ” જેવા વિવિધ કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ દ્વારા ગુજરાત પોલીસ સહાનુભૂતિપૂર્વક સહાય પૂરી પાડે છે. બીજી તરફ, ગુજરાત પોલીસ રાજ્યની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા ગુંડા તત્વો અને નિર્દોષ નાગરિકોને પરેશાન કરતા અસામાજિક તત્વો સામે કડક પગલા લેવા તેમજ કાયદાનું ભાન કરાવવા કડક પગલા પણ લઇ રહી છે.

Advertisement

ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે વધુ એક મહત્વપૂર્ણ કાર્યવાહી છેલ્લા કેટલાક સમયથી કરવામાં આવી રહી છે. વર્ષ 2022 થી 2024 દરમિયાન ત્રણ વર્ષમાં પાસા હેઠળ અટક થયેલા 1157 આરોપીઓને ભેગા કરી કાયદાના પાઠ ભણાવવામાં આવ્યા છે. આ પહેલનો હેતુ એવા ગુનેગારો પર નજર રાખવાનો છે જેઓ અગાઉ અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા. તે ઉપરાંત આ રીઢા ગુનેગારોને ફરીથી ગુનાખોરીના માર્ગે જતા અટકાવવાનો છે.

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાથી તાજેતરમાં રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા શહેરમાં આ પ્રકારના આયોજન કરવામાં આવ્યા હતા. જેમા વર્ષ 2022 થી 2024 દરમિયાન પાસા હેઠળ અટક થયેલા કુલ 1157 આરોપીઓને બોલાવવામાં આવ્યા હતા. પોલીસે તેમની સાથે વાતચીત કરીને તેમની વર્તમાન પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવી હતી અને તેમને સ્પષ્ટ શબ્દોમાં સમજાવવામાં આવ્યું હતું કે જો તેઓ ફરીથી ગુનાખોરીમાં સંડોવાયેલા જણાશે તો તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

ગુજરાત પોલીસની આ પહેલ ગુનાખોરીને નિયંત્રણમાં રાખવા અને સમાજમાં શાંતિ અને સુરક્ષા જાળવવાના પ્રયાસમાં મહત્વની બની રહેશે. આ ચારેય શહેરોમાં 1157 પાસા આરોપીઓ પૈકી રાજકોટ શહેરના 73, અમદાવાદ શહેરના 389, સુરત શહેરના 532 અને વડોદરા શહેરના 163 આરોપીઓને પોલીસે ગુનાખોરીના રસ્તે પુન: ન વળવા ગુનેગારો જે ભાષામાં સમજે છે તે કાયદાની ભાષામાં સ્પષ્ટ જરૂરી સમજ આપી હતી.

  • પાસા કાયદા વિશે:

પાસા(પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ), અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા માટેનો કાયદો છે. વારંવાર ગંભીર ગુના આચરનારા વ્યક્તિઓ સામે આ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. ખાસ કરીને બુટલેગરો, ખતરનાક ગુનેગારો, જમીન પચાવી પાડનારાઓ, અનૈતિક વેપારમાં સંડોવાયેલા લોકો, ડ્રગ્સના ગુનેગારો, જુગારધામ ચલાવનારાઓ, સંગ્રહખોરી અને કાળાબજાર કરનારાઓ, સાયબર ક્રાઈમ કરનારાઓ અને વ્યાજખોરો સામે આ કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકે છે.

Advertisement
Tags :
Advertisement