ગુજરાત પોલીસે રૂ. 180.37 કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ મુળ માલિકોને પરત કર્યો
અમદાવાદઃ રાજ્યના નાગરિકોની સલામતી અને તેમની સુવિધાને કેન્દ્રમાં રાખીને ગુજરાત પોલીસે શરૂ કરેલી ‘તેરા તુજકો અર્પણ’ પહેલ રાજ્યભરમાં સુખદ પરિણામો આપી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં બે વર્ષમાં 2802 કાર્યક્રમો યોજી ગુજરાત પોલીસે રૂ. 180.37 કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ મુળ માલિકોને પરત કર્યો છે. એટલુ જ નહિ, મંદિર ચોરીના ગુનાઓમાં 65 કેસ ડિટેક્ટ કરીને 130 આરોપીઓને પકડવામાં આવ્યા છે અને રૂ.1.57 કરોડનો મુદ્દામાલ મુળ માલિકોને પરત કરવામાં પોલીસે સફળતા મેળવી છે.
‘તેરા તુજકો અર્પણ’નો મુખ્ય ઉદ્દેશ છે કે, પોલીસ સ્ટેશનમાં ચોરી, લુંટ સહિતના વિવિધ ગુનાઓમાં રિકવર કે કબજે કરવામાં આવેલા મુદ્દામાલને કોર્ટના માર્ગદર્શન હેઠળ ઝડપથી મુળ માલિકોને પરત કરવો. આ માટે ફરીયાદી અને અરજદારોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર ન પડે અને નાગરિકોનો સમય અને શક્તિનો વ્યય ન થાય. આ કાર્યક્રમ અંતર્ગત લોકો માટે જાહેર કાર્યક્રમ-લોક દરબાર યોજીને મૂળ માલિકોને તેમનો મુદ્દામાલ પરત કરવામાં આવી રહ્યો છે.
બે વર્ષમાં રાજ્યમાં કુલ 2802 ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે, જેમાં રૂ. 180.37 કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ મુળ માલિકોને પરત કરવામાં આવ્યો છે. મંદિરમાં ચોરીની ઘટના લોકોની આસ્થા સાથે જોડાયેલી છે ત્યારે ભગવાનના દાગીના કે મૂર્તિનું જેટલુ મૂલ્ય છે, તેના કરતાં વિશેષ લોકોની આસ્થાનું મૂલ્ય છે. ત્યારે ગુજરાત પોલીસે મંદિર ચોરીના ગુનાઓમાં ૬૫ કેસ ડિટેક્ટ કરીને 130 આરોપીઓને પકડ્યા છે અને આ કાર્યક્રમ અંતર્ગત રૂ. 1.57 કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ પરત કર્યો છે. 'તેરા તુજ કો અર્પણ' કાર્યક્રમ ઓછામાં ઓછા સમયગાળામાં મૂળ માલિકોને તેમની ચોરાયેલી-ખોવાયેલી કે રિકવર/કબજે કરેલી ચિજવસ્તુ પરત મળી રહે તેવા પ્રયત્નની ફલશ્રૃતિ છે.