ગુજરાત પોલીસે ત્રણ મહિનામાં રૂ. 55.07 કરોડનો મુદ્દામાલ મુળ માલિકોને પરત કર્યો
- તેરા તુજકો અર્પણ’ પહેલથી રાજ્યભરમાં સુખદ પરિણામો આવ્યા
- ચોરાયેલી ચિજવસ્તુ પરત મેળવવા પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા નથી પડતા
- લોક દરબાર યોજી મૂળ માલિકોને મુદ્દામાલ પરત કરવામાં આવી રહ્યો છે
ગાંધીનગરઃ રાજ્યના નાગરિકોની સલામતી અને તેમની સુવિધાને કેન્દ્રમાં રાખીને ગુજરાત પોલીસે શરૂ કરેલી ‘તેરા તુજકો અર્પણ’ પહેલ રાજ્યભરમાં સુખદ પરિણામો આપી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં માત્ર ત્રણ મહિનામાં ૨૧૦૮ કાર્યક્રમો યોજી ગુજરાત પોલીસે રૂ.55.07 કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ મુળ માલિકોને પરત કર્યો છે.
તેરા તુજકો અર્પણ અંતર્ગત વર્ષ 2025ના ગુજરાત પોલીસે રાજ્યભરમાં જાન્યુઆરી મહિનામાં 686 કાર્યક્રમો યોજીને રૂ.20.18 કરોડથી વધુ રકમનો મુદ્દામાલ, ફેબ્રુઆરી મહિનામાં 612 કાર્યક્રમો યોજીને રૂ.13.84 કરોડથી વધુ રકમનો મુદ્દામાલ અને માર્ચ મહિનામાં 810 કાર્યક્રમો યોજીને રૂ.21.04 કરોડથી વધુ રકમનો મુદ્દામાલ મુળ માલિકોને પરત કર્યો છે.
પોલીસ સ્ટેશનમાં ચોરી, લુંટ સહિતના વિવિધ ગુનાઓમાં રિકવર કે કબજે કરવામાં આવેલા મુદ્દામાલને કોર્ટના માર્ગદર્શન હેઠળ ઝડપથી મુળ માલિકોને પરત કરવો તથા આ માટે ફરીયાદી અને અરજદારોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર ન પડે અને નાગરિકોનો સમય અને શક્તિનો વ્યય ન થાય એ ‘તેરા તુજકો અર્પણ’નો મુખ્ય ઉદ્દેશ છે. આ કાર્યક્રમ અંતર્ગત લોકો માટે જાહેર કાર્યક્રમ-લોક દરબાર યોજીને મૂળ માલિકોને તેમનો મુદ્દામાલ પરત કરવામાં આવી રહ્યો છે.
'તેરા તુજ કો અર્પણ' ગુજરાત પોલીસની નિષ્ઠા અને નૈતિકતાનું પ્રમાણ છે અને આ કાર્યક્રમ ઓછામાં ઓછા સમયગાળામાં મૂળ માલિકોને તેમની ચોરાયેલી-ખોવાયેલી કે રિકવર/કબજે કરેલી ચિજવસ્તુ પરત મળી રહે તેવા પ્રયત્નની ફલશ્રૃતિ છે.