ગુજરાતઃ MSME ઉદ્યોગ ક્ષેત્રે 21.82 લાખ ઉદ્યમ રજીસ્ટ્રેશન સાથે દેશમાં પાંચમાં ક્રમે
અમદાવાદઃ છેલ્લા અનેક દાયકાઓથી ભારતમાં ગુજરાતની છબી એક વ્યાપારી રાજ્ય તરીકે ઉભરી આવી છે. જેનું મુખ્ય કારણ ગુજરાત સરકારની ઉદ્યોગ ફ્રેન્ડલી નીતિ અને યોજનાઓ છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવા ફ્લેગશીપ કાર્યક્રમોના પરિણામે અનેક મોટા ઉદ્યોગોએ ગુજરાતમાં રોકાણ કર્યું છે, પરંતુ છેલ્લા બે દાયકાથી MSME ક્ષેત્રે પણ ગુજરાત સતત પ્રગતિ કરી રહ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સમર્થ નેતૃત્વ અને ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતના દિશાદર્શન હેઠળ આજે લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત દેશમાં પાંચમાં ક્રમે અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે પ્રથમ ક્રમે છે. મહારાષ્ટ્ર કુલ 50.60 લાખથી MSME એકમોની નોંધણી સાથે દેશમાં પ્રથમ ક્રમાંકે છે. જ્યારે, ગુજરાત ૨૧.૮૨ લાખથી વધુ એકમોના ઉદ્યમ રજીસ્ટ્રેશન સાથે દેશમાં પાંચમા ક્રમે છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ઉદ્યોગ એકમોની નોંધણીમાં પ્રતિવર્ષ સરેરાશ 25 ટકાથી 30 ટકાનો વધારો જોવા મળ્યો છે.
આ ઉપરાંત સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા તેમજ અન્ય બેંકો દ્વારા જે MSME એકમો પાસે ઉદ્યમ રજીસ્ટ્રેશન કરાવવા માટે GST, ITR અને PAN કાર્ડ જેવા પૂરતા ડોક્યુમેન્ટ ઉપલબ્ધ ન હોય, તેવા ઉદ્યોગ એકમોને ‘ઉદ્યમ આસિસ્ટેડ પ્રોગ્રામ’ હેઠળ MSME તરીકે નોંધવામાં આવે છે. સાથે જ, આવા ઉદ્યોગ એકમોને પ્રાયોરીટી સેક્ટર લેન્ડીંગ હેઠળ આવરી લેવામાં આવે છે. જો આવા ઉદ્યોગ એકમોને પણ ધ્યાનમાં લેવામાં આવે તો, ગુજરાતમાં અત્યારે કુલ ૩૨.૫૨ લાખથી વધુ MSME એકમોની નોંધણી થઇ છે.
ગુજરાતમાં નોંધાયેલા આશરે 21.82 લાખથી વધુ MSME એકમો પૈકી 20.89 લાખથી વધુ સૂક્ષ્મ ઉદ્યોગો, 84 હજારથી વધુ લઘુ ઉદ્યોગો તેમજ 8,700 થી વધુ મધ્યમ ઉદ્યોગોનો સમાવેશ થાય છે. ગુજરાતના સાહસિક ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરવા તેમજ MSME એકમોને વધુ સશક્ત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિક નીતિ તેમજ આત્મનિર્ભર યોજના હેઠળ વર્ષ 2023-24 અને 2024-25ના નવેમ્બર સુધીમાં ગુજરાતના કુલ 47 હજારથી વધુ MSME એકમોને રૂ. 2089 કરોડની માતબર સહાય ચૂકવવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશનો વિકાસ ક્રમ ઘણા સૂચકાંકોના આધારે સુનિશ્ચિત કરવામાં આવે છે. ભારતમાં ઓદ્યોગિક વિકાસ ક્ષેત્રે રોજગારી, ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન, માનવ વિકાસ, ઊર્જા કાર્યક્ષમતા અને ઉત્પાદન ક્ષેત્રે ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GSDP) સૂચકાંકોનો સમાવેશ થાય છે. આ માપદંડોના આધારે ગુજરાત દેશના ઉત્પાદનમાં 16 ટકા, GDP માં 8.6 ટકા અને રૂ. 26 ટ્રિલિયનના ફાળા સાથે દેશમાં ત્રીજા ક્રમે છે. આ ઉપરાંત દેશના કુલ નિકાસમાં પણ ગુજરાત 30 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. ગુજરાતની પ્રગતિમાં રાજ્યના MSME એકમોનો ૪૦ ટકાથી વધુ ફાળો છે.