ગુજરાતઃ ચાર વર્ષમાં 2.07 લાખથી વધુને કુંવરબાઈનું મામેરુ યોજનાનો લાભ મળ્યો
અમદાવાદઃ રાજ્યની કુંવરબાઈનું મામેરુ યોજના અંતર્ગત છેલ્લા ચાર વર્ષમાં 2.07 લાખથી વધુ લાભાર્થીઓને 237.58 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે. ગુજરાતમાં કુંવરબાઈનું મામેરુ યોજના અંતર્ગત દીકરીઓના લગ્ન માટે સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ છેલ્લાં ચાર વર્ષમાં નિયત કરેલાં 109166 ના લક્ષ્યાંક સામે કુલ 207881 લાભાર્થીઓને 237.58 કરોડની સહાય ચૂકવવામાં આવી છે તેમ સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું.
મંત્રીએ જણાવ્યું કે વર્ષ 1995માં આ યોજના શરૂ કરવામાં આવી હતી. જેમાં સહાયની રકમમાં વખતોવખત વધારો કરીને હાલ લાભાર્થીદીઠ રૂ. 12 હજારની સહાય આપવામાં આવે છે. આ જ પ્રકારે, સાત ફેરા યોજનામાં પણ રૂ. 12 હજારની સહાય ચૂકવવામાં આવે છે. છેલ્લાં ચાર વર્ષની વિગતો આપતાં રાજ્યમંત્રીએ કહ્યું કે વર્ષ 2020- 21માં 26,604 લાભાર્થીઓને રૂ. 26.60 કરોડ, વર્ષ 2021- 22માં 35065 લાભાર્થીઓને રૂ. 37.69 કરોડ,વર્ષ 2022- 23માં 59592 લાભાર્થીઓને રૂ. 69.68 કરોડ, વર્ષ 2023- 24માં 86620 લાભાર્થીઓને રૂ. 103.61 કરોડ એમ કુલ નિયત કરાયેલા 109166 ના લક્ષ્યાંક સામે 207881 લાભાર્થીઓને 237.58 કરોડની સહાય ચૂકવવામાં આવી હતી.