For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતઃ આરોગ્ય સંસ્થાઓ ખાતે 1.36 લાખથી વધુ સ્ક્રીનીંગ કેમ્પ યોજાયા

11:24 AM Oct 04, 2025 IST | revoi editor
ગુજરાતઃ આરોગ્ય સંસ્થાઓ ખાતે 1 36 લાખથી વધુ સ્ક્રીનીંગ કેમ્પ યોજાયા
Advertisement

ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં ગત તા. 17 સપ્ટેમ્બરથી શરુ થયેલા ‘સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાન”ની સફળતા અંગે માહિતી આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનને રાજ્યના આરોગ્ય વર્કર્સની અથાગ મહેનત અને સમર્પણના પરિણામે જ્વલંત સફળતા પ્રાપ્ત થઇ છે. નાગરિકોની સક્રિય ભાગીદારીથી એક પખવાડિયા સુધી યોજાયેલું આ અભિયાન માત્ર એક સરકારી કાર્યક્રમ ન રહેતા જન ભાગીદારી અભિયાન બન્યું છે.

Advertisement

આરોગ્ય મંત્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, આ અભિયાન હેઠળ રાજ્યભરની અલગ-અલગ આરોગ્ય સંસ્થાઓ ખાતે કુલ 1,36,900થી વધુ સ્ક્રીનીંગ કેમ્પ તથા13,300 થી વધુ સ્પેશ્યાલીસ્ટ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ રાજ્યના આશરે 63.94 લાખથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. જેમાં ગંભીર હૃદય રોગ ધરાવતા 2,919 દર્દીઓ, કિડનીની બીમારી ધરાવતા 2,069 દર્દીઓ, લીવરની બીમારી ધરાવતા 1,442 દર્દીઓ, કેન્સરની બીમારી ધરાવતા 735 દર્દીઓ, મોતિયાની બીમારી ધરાવતા 3,226 દર્દીઓ તેમજ માનસિક રીતે અસ્વસ્થ હોય તેવા 5,152 દર્દીઓની શોધ કરીને તેમણે યોગ્ય સારવાર અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ ઉપરાંત અભિયાન દરમિયાન કુલ 99,166 એક્ષ-રે રીપોર્ટ, 24.87 લાખથી વધુ લેબોરેટરી તપાસ, 3,162 સી.ટી. સ્કેન અને 1,399 એમ.આર.આઇ ટેસ્ટ વિનામૂલ્યે કરાવવામાં આવ્યા હતા. સાથે જ, 1.52 લાખથી વધુ PMJAY/વયવંદના કાર્ડ પણ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. આ અભિયાન શરુ થયું એ દિવસે જ મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે હ્રદય રોગ નિષ્ણાંત, કેન્સર નિષ્ણાંત અને કીડની નિષ્ણાંતો દ્વારા કુલ 4,812 લાભાર્થીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. જેમાં હ્રદય રોગના નિષ્ણાત દ્વારા 327 કેન્સર નિષ્ણાત દ્વારા 187 તથા કિડનીના નિષ્ણાત દ્વારા 68 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

Advertisement

મંત્રી પટેલે કહ્યું હતું કે, એક પખવાડીક અભિયાન દરમિયાન રાજ્યની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો, જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજ હોસ્પિટલો ખાતે રોજ સ્પેશ્યલ વુમેન સ્ક્રીનિંગ ઓપીડીનું આયોજન કરવામાં આવ્યુ હતું. એટલું જ નહિ, તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતેના મેડિકલ કેમ્પોમાં મેડિકલ ચેક-અપ, સ્ક્રીનિંગ, નિદાન, લેબોરેટરી ટેસ્ટ, ડાયગ્નોસ્ટિક ટેસ્ટ તેમજ રેડિયોલોજીકલ ટેસ્ટ નિ:શુલ્ક કરવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં 900 સ્થળોએ બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સ્વૈચ્છિક રક્તદાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લઇ રાજ્યના નાગરીકો દ્વારા કુલ 83,873 યુનિટ રક્તદાન કરવામાં આવ્યું હતું, જે થેલેસેમિયાના દર્દીઓ, ઇમરજન્સી કેસો અને અન્ય જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાન સમાન સાબિત થશે, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, આ અભિયાન હેઠળ સબ સેન્ટરથી લઈને મેડિકલ કોલેજ-હોસ્પિટલ સુધી સ્ત્રીઓ અને બાળકો માટે જુદા-જુદા 14 જેટલા વિષયો પર આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી છે. જેમાં પૂર્વ પ્રસૂતિ અને પ્રસૂતા માતા સંબધિત સેવાઓ, રસીકરણ અને બાળ સ્વાસ્થ્ય, કિશોરી સ્વાસ્થ્ય અંતર્ગત એનીમિયા અને માસિક સ્વચ્છતા, બિન ચેપી રોગો અંતર્ગત બીપી, ડાયાબિટીસ, ઓરલ, સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સરનું સ્ક્રીનિંગ અને સારવાર, સિકલ સેલ રોગ માટેનું સ્ક્રીનિંગ અને સારવાર, ટીબી, માનસિક સ્વાસ્થ્ય, આંખ, ENT અને ડેન્ટલ સંબધિત સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. સાથે જ, મેદસ્વિતા અને અંગદાન અંગે જાગૃતિ, આયુષ સેવાઓને સાંકળીને જેરિયાટ્રિક કેર, આયુષ્યમાન ભારત અને વય વંદના કાર્ડ સંબધિત સેવાઓ અને રક્તદાન શિબિરો જેવી સેવાઓ આપવામાં આવી હતી.

મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય સૂચકાંકોમાં નોંધપાત્ર સુધારો થશે, જે આવનારા સમયમાં એક સશક્ત સમાજનું નિર્માણ કરશે. સાથે જ, આરોગ્ય મંત્રીએ આ અભિયાનની સફળતાનો સંપૂર્ણ શ્રેય ગ્રાસરૂટ સ્તરે કાર્યરત આરોગ્ય વર્કર્સ, આરોગ્ય તજજ્ઞો, મેડીકલ ઓફિસર, કોમ્યુનીટી હેલ્થ ઓફિસર, સ્ટાફ નર્સ, FHW, MPHW અને આશા વર્કર્સને આપ્યો હતો. 

Advertisement
Tags :
Advertisement