ગુજરાતઃ 8 અને 9 ફેબ્રુઆરીએ મિલેટ મહોત્સવ–પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025નું આયોજન
અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આગામી 8 અને 9 ફેબ્રુઆરી, 2025 દરમિયાન રાજ્યમાં ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025’ના કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ બે દિવસીય કાર્યક્રમનો ઉદ્દેશ મિલેટ્સ ઉત્પાદનો તેમજ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાનો છે. આ કાર્યક્રમ 7 મ્યુનિસિપલ કોર્પોરેશન-અમદાવાદ, જામનગર, ગાંધીનગર, વડોદરા, સુરત, ભાવનગર અને રાજકોટમાં યોજાશે.
રાજ્ય સ્તરનો કાર્યક્રમ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત થશે. 8 ફેબ્રુઆરી, 2025એ બપોરે 12.15 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં આ કાર્યક્રમનું ઉદ્દઘાટન કરશે. આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજી પટેલ અને રાજ્યકક્ષાના કૃષિમંત્રી બચુભાઈ ખાબડ પણ ઉપસ્થિત રહેશે.
મિલેટ મહોત્સવમાં 125 રાજ્ય-સ્તરીય અને 75 જિલ્લા કક્ષાના સ્ટોલનું પ્રદર્શન આયોજીત કરાયું છે. જેમાં મિલેટ્સ (જાડું અને બરછટ અનાજ)ના ઉત્પાદનો, પ્રાકૃતિક ખેતી તકનીકો, અને પ્રાકૃતિક કૃષિપેદાશોની એક વિશાળ શ્રેણી પ્રદર્શિત કરાશે. આ પ્રદર્શનમાં, રાજ્ય કક્ષાના 100 અને જિલ્લા કક્ષાના 60 સ્ટોર મિલેટ આધારિત ઉત્પાદનો અને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોને સમર્પિત હશે.
મિલેટ મહોત્સવ 2025નો ઉદ્દેશ્ય પૌષ્ટિક અને આબોહવા અનુકૂળ વિકલ્પ તરીકે મિલેટ્સને પ્રોત્સાહન આપવાનો છે. આ મિલેટ મહોત્સવ ખેડૂતોની આવકમાં વધારો કરશે. મિલેટ્સ પ્રત્યે ગ્રાહકોની જાગરૂકતા વધારી ભારતને મિલેટ્સથી પોષણ સુરક્ષા (ન્યુટ્રિશનલ સિક્યુરિટી) હાંસલ કરવાના લક્ષ્યની વધુ નજીક લઈ જશે.