દેશમાં સ્ટાર્ટઅપ પોલિસીનું સફળ અમલીકરણ કરનાર પ્રથમ રાજ્ય ગુજરાત
- ગુજરાતમાં અત્યાર સુધીમાં 12500થી વધુ સ્ટાર્ટઅપ્સને માન્યતા,
- રાજ્યને સતત 4 વર્ષ સુધી સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં "બેસ્ટ પરફોર્મર" એવોર્ડ એનાયત
- ભારત કુલ 118 યુનિકોર્ન થકી સ્ટાર્ટઅપનું હબ બન્યું
ગાંધીનગરઃ દેશમાં વર્ષ 2016માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશન ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે માટે “સ્ટાર્ટઅપ ઈન્ડિયા”ની પહેલ કરી હતી. પ્રતિભાશાળી કાર્યબળ, ઉદ્યોગસાહસિક, નવીનતાની ભાવના સાથેના ડિજિટલ પરિવર્તને ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવી છે. સ્ટાર્ટઅપ એ તકનીકી પ્રગતિ, રોજગાર સર્જન અને આર્થિક સશક્તિકરણ થકી આત્મનિર્ભરતા હાંસલ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. દેશમાં તા. 8 જાન્યુઆરી 2025 સુધીમાં ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ-DPIIT દ્વારા 1.50 લાખથી વધારે સ્ટાર્ટઅપ્સને માન્યતા આપવામાં આવી છે, જેમાં ગુજરાતમાં 12.779 જેટલા સ્ટાર્ટઅપ્સ નોંધાયા છે. ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં 33 ગણા વધારા સાથે સ્ટાર્ટઅપ્સની સંખ્યા 4200થી વધીને 1.54.719 જેટલી થઈ છે. આ ઉપરાંત ભારત કુલ 118 યુનિકોર્ન થકી સ્ટાર્ટઅપનું હબ બન્યું છે. વધુમાં સ્ટાર્ટઅપ માટેનું ભંડોળ રૂ. 450 બિલિયન ડોલરથી વધુનું થયું છે તથા સહાયક સ્ટાર્ટઅપ નીતિઓ ધરાવતા રાજ્યોની કુલ સંખ્યા 31 જેટલી થઈ છે.
સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અંતર્ગત ડિસેમ્બર 2024 સુધીમાં ગુજરાતના 12500થી વધુ સ્ટાર્ટઅપ્સને માન્યતા મળી હતી. હાલમાં અમદાવાદમાં 5.269 સુરતમાં 1903 વડોદરામાં 1344 રાજકોટમાં 1172 ગાંધીનગરમાં 601 જેટલા સ્ટાર્ટઅપ્સ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં હેલ્થકેર અને લાઇફસાયન્સમાં 1343, આઇટી સેવાઓમાં 1186 તથા કૃષિમાં 819 જેવા ટોચના ક્ષેત્રોનો સમાવેશ થાય છે. ગુજરાત સરકાર દ્વારા “ગુજરાત યંગ આંત્રપ્રિન્યોર્સ વેન્ચર ફંડ” સેટઅપ કરવામાં આવ્યું છે, જેમાં રાજ્ય સરકારે અત્યાર સુધીમાં અંદાજે રૂ. 350 કરોડનો ફાળો આપ્યો છે. દેશના છેવાડાના વિસ્તાર સુધી ઉદ્યોગ સાહસિકો સ્ટાર્ટઅપ થકી આત્મનિર્ભર બને અને મોટા પ્રમાણમાં રોજગારનું સર્જન થાય તે માટે દર વર્ષે તા. 16 જાન્યુઆરીના રોજ “રાષ્ટ્રીય સ્ટાર્ટ અપ દિવસ” ઉજવવામાં આવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુતના નેતૃત્વમાં ગુજરાત પણ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં મહત્વનો ફાળો આપતું રાજ્ય બન્યું છે. જે અંતર્ગત રાજ્યની નોડલ સંસ્થાઓ, ઇન્ક્યુબેટર્સ, એક્સિલરેટર્સ, માર્ગદર્શકો, રોકાણકારો, સરકારી સંસ્થાઓ અને અન્ય સ્ટેકહોલ્ડરો દ્વારા રાજ્યના ઉદ્યોગસાહસિકોને વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. જેના પરિણામે વર્ષ 2017માં ગુજરાતને સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોગ્રામના અસરકારક અમલીકરણ માટે “Prime Minister Award for Excellence in Public Administration in 2017” એવોર્ડ મળ્યો હતો. તદ્ઉપરાંત રાજ્યને સતત 4 વર્ષ એટલે કે 2018, 2019, 2020, 2020-21 અને 2022 સુધી સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં "બેસ્ટ પરફોર્મર" એવોર્ડ પણ મળ્યો હતો.
રાજ્યના યુવાનોને સ્ટાર્ટઅપ ક્ષેત્રે મહત્તમ પ્રોત્સાહન મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા પીપીપી ધોરણે iCreate સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે, જેને વર્ષ 2020માં ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટર માટે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. તાજેતરમાં બેંગ્લોરમાં આયોજિત ગ્લોબલ ક્લીન મોબિલિટી સમિટના ભાગરૂપે iCreateને “ઇમ્પેક્ટ ઇન્ક્યુબેટર ઓફ ધ યર 2024”થી સન્માનિત કરવામાં આવ્યું હતું. iCreate દ્વારા 553થી વધુ સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે. વધુમાં, iCreate એન્જલ ફંડમાંથી રૂ. 100 કરોડનો ઉપયોગ સ્ટાર્ટઅપ્સને વિકસાવવામાં કરવામાં આવી રહ્યો છે.