For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પારંપરિક સંસ્કાર અને સભ્યતા બરકરાર રાખીને અનેક નવતર મેગા પ્રોજેક્ટથી આજે જગતમાં ગુજરાતનો ડંકો વાગી રહ્યો છે યારો...

12:46 PM Apr 25, 2025 IST | revoi editor
પારંપરિક સંસ્કાર અને સભ્યતા બરકરાર રાખીને અનેક નવતર મેગા પ્રોજેક્ટથી આજે જગતમાં ગુજરાતનો ડંકો વાગી રહ્યો છે યારો
Advertisement

અહીં પ્રેમ કેરો સાદ છે, પ્રભુજીનો પ્રસાદ છે, પ્રકૃતિનો વરસાદ છે, બોસ, આ ગુજરાત છે...

Advertisement

દરિયાકાંઠે દીપતી, રણમાં ખીલે રાત,

ભાતીગળ ભોમકા, ગરવી આ ગુજરાત...

Advertisement

પહેલી મે, એટલે ભારતના સમૃદ્ધ અને સંપન્ન રાજ્યોમાં જેની ગૌરવપૂર્વક ગણના થાય છે એવા ગુજરાત રાજ્યનો હેપીવાલો બર્થ ડે. એક લાખ છન્નુ હજાર ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર ધરાવતું ગુજરાત ભારતનું ક્ષેત્રફળની દ્રષ્ટિએ પાંચમું મોટું રાજ્ય છે. જેની ઉત્તરે રાજસ્થાન, દક્ષિણે મહારાષ્ટ્ર, પશ્ચિમે મધ્યપ્રદેશ અને ઉત્તરે આરબ સાગર તથા પાકિસ્તાનનો સિંધ પ્રદેશ આવેલો છે. દેશના ઔદ્યોગિક એકમોથી ધમધમતું આ રાજ્ય કૃષિ, સેવા, પ્રવાસન અને ઑફકોર્સ ઉદ્યોગોથી પુરજોશમાં વિકાસ પામી રહ્યું છે. ગાંધી, સરદાર, મુન્સી, ઠક્કરબાપા, રવિશંકર મહારાજ, નરેન્દ્ર મોદી જેવા સામર્થ્યવાન ગુજરાતીઓએ ન માત્ર ગુજરાત બલ્કે ભારતનો સમસ્ત જગમાં ડંકો વગાડ્યો છે. દયારામ, નરસિંહ, મેઘાણી, મુનશી, કલાપી જેવા સારસ્વતો ગુજરાતની આગવી ઓળખ છે. સોમનાથ, દ્વારકા, પાલીતાણા, અંબાજી, પાવાગઢ, વિરપુર જેવા સ્થાનકોએ ગુજરાતની સાંસ્કૃતિક અને ધાર્મિક છબી પ્રસ્થાપિત કરી છે. કંડલા, વેરાવળ, બેડી બંદર, ઉભરાટ, તિથલ, ગુજરાતના સાગર કિનારે આવેલા મોતીડા છે. સૌરાષ્ટ્રના ફાફડા, સુરતની ઘારી, અમદાવાદની પાણીપુરી, વડોદરાનો લીલો ચેવડો, કચ્છની દાબેલીનું નામ સાંભળતા જ જીભ ઉપર રસની ધાર છૂટે છે. ખમણ, ઢોકળા, થેપલા, મઠીયા, ઘૂઘરા, ખાંડવી ગુજરાતીઓ શાનથી ઝાપટે છે. દેશ વિદેશની સહેલગાહ કરનારા અને ઉદ્યોગ-વેપારથી જગ જીતનારા આ ગુજરાતીઓની વિશ્વભરમાં આગવી ઇમેજ છે.

પરંપરા અને ભાતીગળ ગુજરાત આળસ મળીને બેઠું થયું છે. પારંપરિક સંસ્કાર અને સભ્યતા બરકરાર રાખીને અનેક નવતર મેગા પ્રોજેક્ટથી ગુજરાત ૩૬૦ ડિગ્રીએ બદલાઈ રહ્યું છે. ગુજરાતના કેટલાક ભીમકાય પ્રોજેક્ટની આછેરી ઝલક સાથે ગુજરાતના જન્મદિનને ગુજરાતનું શાનદાર શબ્દચિત્ર આલેખવાનું પ્રત્યેક ગુજરાતીને અવશ્ય ગમે. સૌથી પહેલા વાત કરીએ ગુજરાતના ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટની. આ એરપોર્ટ અમદાવાદ જિલ્લાના ધોલેરા પાસે નવા ગામમાં આકાર લઈ રહ્યું છે. ૧૪૪૬ હેક્ટર વિસ્તારમાં બની રહેલું આ હાઈટેક એરપોર્ટ અમદાવાદથી ૮૦ કિલોમીટર અને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ ૨૦ કિલો મીટરના અંતરે છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૯માં આ પ્રોજેક્ટ માટે સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા. ૩૨૦૦ મીટર લાંબો રન-વે ધરાવતું આ એક અદભુત ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે. રૂપિયા ૧૭૦૬ કરોડ જેટલી કિંમતે ત્રણ ફેઝમાં આ એરપોર્ટ બનવાનું છે. પહેલા ફેઝનું કાર્ય પૂર્ણ થતાં પ્રતિવર્ષ ૧૫ લાખ મુસાફરોની આવન જાવન અને ત્રણેય ફેઝનું કામ પૂર્ણ થઈ જતા પ્રતિ વર્ષ ૫૦ લાખ મુસાફરોને આ એરપોર્ટની આધુનિક સેવાઓનો લાભ મળતો થઈ જશે.

આધુનિક ગુજરાતની ઓળખસમો બીજો મેગા પ્રોજેક્ટ સબમરીન ટુરીઝમ છે. આ પ્રોજેક્ટ માત્ર ગુજરાત જ નહીં બલ્કે સમગ્ર ભારત માટે એક મહત્વકાંક્ષી પરિયોજના છે. આ પ્રોજેક્ટ સાકાર થતા જન સામાન્ય પણ સબમરીનમાં બેસીને સમુદ્રના પેટાળની દુનિયામાં મઝાથી વિહરી શકશે. એટલાન્ટિક સાગરમાં જળ સમાધિ લીધેલા ટાઇટેનિક જહાજને જોવા માટે બનાવાયેલા પ્રવાસન પ્રકલ્પના નકશે કદમ પર ગુજરાતના દ્વારકાના કિનારે આ પરીયોજના આકાર લેવા જઈ રહી છે. સબમરીનમાં બેસીને આરબ સાગરમાં ડૂબકી મારીને ત્રણ સો ફૂટ નીચે જઈને બેટ દ્વારકા સહિત સમુદ્રના પેટાળમાં વસતી દુનિયાનો નજારો ગુજરાતમાં દેશ-વિદેશના સહેલાણીઓ માણી શકશે.

ગુજરાતના પાટનગર નજીક ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સીટી(ગીફ્ટ સીટી) એક વ્યાપારિક શહેર તરીકે ન માત્ર ભારત બલકે વિશ્વ સમસ્તમાં આગવી પહેચાન બની ગયું છે. ગિફ્ટ સિટી સાચા અર્થમાં ભારતના અર્થતંત્રને ગુજરાતની અણમોલ ‘ગિફ્ટ’ છે. ભારતમાં આ પ્રકારનો પહેલો પ્રોજેક્ટ ગુજરાતમાં આકાર પામ્યો છે. આનો હેતુ ભારતમાં ઉભરી રહેલા નેશનલ ઇન્ટરનેશનલ ઉદ્યોગો અને વેપારને જરૂરી આધાર આપીને આર્થિક દ્રષ્ટિએ વિકાસ સાધવાનો છે. ગિફ્ટસિટીથી ગુજરાત કોર્પોરેટ હેવન બની રહ્યું છે. ગિફ્ટસિટીમાં ભારતનો સૌથી મોટો અંડરવોટર એક્વેરિયમ પાર્ક, વોટરસ્પોર્ટ્સ, વર્લ્ડ ક્લાસ રિવરફ્રન્ટ, થીમપાર્ક, મોલ, આર્ટ ગેલેરી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાર્ક, એઆઈ યુનિવર્સિટી, એઆઈ ડેટા સેન્ટર વગેરે ૨૧મી સદીના આકર્ષણો હશે.

ઝડપ અને નિષ્ઠા ગુજરાતીઓના લોહીમાં છે. ભારતની સૌપ્રથમ બુલેટ ટ્રેન હિન્દુસ્તાનના બે મોટા ઉદ્યોગિક નગરો અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડશે. NHRCL દ્વારા ૫૦૮ કિલો મીટરનો કોરીડોર ઝડપથી બની રહ્યો છે. વર્ષ ૨૦૨૬માં સુરત-બીલીમોરા સેક્શન શરૂ થવાનો અંદાજ છે. આ ટ્રેનમાં કુલ બાર સ્ટેશન ઉપરથી મુસાફરો આવન-જાવન કરી શકશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ સંપૂર્ણ રીતે પૂરું થઈ ગયા બાદ અમદાવાદથી મુંબઈ માત્ર બે કલાકમાં પહોંચી શકાશે. સ્વાભાવિક રીતે જ આના પરિણામે વેપાર, પ્રવાસન, અને ઉદ્યોગોને જબરજસ્ત વેગ મળી શકશે. ગુજરાતના સીમાવર્તી વિસ્તાર કચ્છ જિલ્લામાં ૭૨,૬૦૦ હેક્ટર વિસ્તારમાં હાઇબ્રીડ રીન્યુઅલ એનર્જી પાર્ક બનવા જઈ રહ્યો છે. આ પ્રોજેક્ટથી સોલર પેનલ અને વિન્ડ ટરબાઇન દ્વારા ૩૦ ગીગા વોટ ઉર્જા ઉત્પન્ન થશે. આ પ્રોજેક્ટના કારણે એક લાખ જેટલી વધારાની રોજગારી ઊભી થઈ રહી છે. પ્રતિ વર્ષ પાંચ કરોડ ટન કાર્બન ઉત્સર્જનમાં આના પરિણામે ઘટાડો થવાનો છે. ૩૯૬૦ હેક્ટર વિસ્તારમાં હાઇબ્રીડ સોલાર અને ૨૩,૦૦૦ હેક્ટર વિસ્તારમાં વિન્ડ પાવર એમ બે ઝોનમાં આ પાર્ક વેચવામાં આવ્યો છે. ગુજરાતનો આ હાઇબ્રીડ રીન્યુએબલ એનર્જી પાર્ક જગતનો સૌથી મોટો એનર્જી પાર્ક છે.  

અમદાવાદ રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ સંપન્ન થતાં અમદાવાદનું રેલવે સ્ટેશન વર્લ્ડ ક્લાસ આઇકોનિક રેલવે સ્ટેશનમાં પરિવર્તિત થવા જઈ રહ્યું છે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ઉપરાંત ૫૦ હજારની ક્ષમતાવાળુ ફૂટબોલ ગ્રાઉન્ડ, ૧૮ હજાર અને દસ હજારની ક્ષમતાવાળા બે ઈનડોર મેદાન, બાર હજારની ક્ષમતાવાળુ એકવાટિક સેન્ટર, દસ હજારની ક્ષમતાવાળા ટેનિસ કોટ સાથે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ વર્ષ ૨૦૩૬ની ઓલમ્પિક ગેમ્સની દાવેદારી માટે ગુજરાત થનગની રહ્યું છે.

ચાઇનાના શેનઝાન શહેરની જેમ ગુજરાતમાં ધોલેરા સ્માર્ટ સિટી આકાર લઇ રહ્યું છે. વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી સાથે આ શહેર ઝડપથી વિકાસ પામી રહ્યું છે. વિશ્વની ટોપ ક્લાસ કંપનીઓ અહીં આવીને તેમના ઔદ્યોગિક એકમ માટે રોકાણ કરે એ માટેની વિશ્વ કક્ષાની ઉત્તમ સર્વિસ એમને ધોલેરામાં મળી શકે એ પ્રકારનું કાર્યઆયોજન ગુજરાતે અપનાવ્યું છે. આગામી સમયમાં ધોલેરામાં ડિફેન્સ એરક્રાફ્ટનું મેન્યુફેક્ચરિંગ પણ શરૂ થઈ જવાનું છે. ૪૪,૦૦ મેગા વોટનો એક મેગા સોલર પાર્ક ધોલેરામાં વિકસાવવામાં આવી રહ્યો છે. ધોલેરાને એર, રેલ, રોડ અને વોટર કનેક્ટિવિટી આવનારા સમયમાં મળતી થઈ જાય એ દિશામાં જેટ સ્પીડે કામ થઈ રહ્યું છે. જ્યારે આ તમામ સુવિધાઓ સંપન્ન થઈ જશે ત્યારે ધોલેરા સ્માર્ટ સિટી મોડર્ન ઇન્ડિયાનો ચમકતો ચહેરો બની જશે એમાં શંકા નથી. સિંચાઈ, પીવાનું પાણી અને ઔદ્યોગિક વપરાશ માટે ખંભાતની ખાડી ઉપર ૩૦ કિલોમીટરનો બંધ બનતા દસ મિલિયન ક્યુબિક મીટર તાજા પાણીનો સંગ્રહ શક્ય બનશે. આ પાણીનો સંગ્રહ ગુજરાતના વાર્ષિક વરસાદના ૨૫ ટકા જેટલો હશે. નવા બનનારા ડેમ ઉપર દસ લેનનો રોડ પણ બનવાનો છે જેના પરિણામે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનું અંતર ઘણું ઘટી જશે.

ગુજરાત એના સાંસ્કૃતિક સંસ્કારોના આત્મા સાથે આધુનિક કલેવરમાં સુસજ્જ થઈને ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. ગુજરાતના વિકાસમાં ગુજરાતીઓની ફિટનેસ, રિસ્ક ટેકિંગ એબિલિટીની સાથે ગુજરાતીઓની સિંમ્પલીસિટી અને ફાસ્ટ ડિસિઝન મેકિંગની ક્ષમતાનો ઉલ્લેખ કરવો રહ્યો. પેશન, ઓનેસ્ટી અને ડેડીકેશનનો ગુજરાતીઓમાં સરવાળો જોવા મળે છે. સર્જક રોહિત શાહના શબ્દોમાં ગુજરાતની વાત કરીએ તો, ' અહીં પ્રેમ કેરો સાદ છે, પ્રભુજીનો પ્રસાદ છે, પ્રકૃતિનો વરસાદ છે, બોસ, આ ગુજરાત છે. અહીં નર્મદાના નીર છે, માખણ ને પનીર છે, ઉજળું તકદીર છે, યસ, આ ગુજરાત છે.’  

ધબકાર :

સપ્ટેમ્બર તારીખ ૯, ૧૯૫૬ના રોજ અમદાવાદના ખાડિયામાં મળેલી એક સભામાં ઈન્દુલાલ યાજ્ઞિકને મહાગુજરાત જનતા પરિષદના પ્રમુખ નીમવામાં આવતા કાર્યકરોમાં અદભુત નવતર ચેતના જાગી હતી.

Advertisement
Tags :
Advertisement