'મેલેરિયા નિર્મૂલન'માં ગુજરાતનો આખા દેશમાં પ્રથમ કેટેગરીમાં સમાવેશ
ગાંધીનગરઃ ગુજરાત સરકારના મેલેરિયા નિર્મૂલન માટેના અથાગ પ્રયત્નો થકી તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓ સહિત રાજ્યનો મેલેરિયા પોઝિટિવ દર 1,000ની વસ્તીએ 01થી નીચે નોંધાયો છે. જેના પરિણામે ગુજરાતનો સમગ્ર દેશમાં “મેલેરિયા નિર્મૂલન” અંતર્ગત કેટેગરી-2માંથી 1માં સમાવેશ કરવામાં આવ્યો છે.
વર્ષ 2024માં અંદાજે 1.81 કરોડ કરતાં વધુ તાવના દર્દીઓને વિનામૂલ્યે નિદાન અને સારવાર અપાઈ હતી. રાજ્યના તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે મેલેરિયાનું નિદાન અને સારવાર મફત ચાલી રહી છે. ચાલુ વર્ષે 196 ગામોની અંદાજિત 2.0 લાખ કરતાં વધુ વસ્તીમાં જંતુનાશક દવાનો છંટકાવ કરાશે. જૈવિક નિયંત્રણ કામગીરી હેઠળ કુલ 3,863 પોરાભક્ષક માછલી ઉછેર કેન્દ્રો કાર્યરત છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્યમાંથી મેલેરિયા નિર્મૂલન માટે મેલેરિયાનું નિદાન અને સારવાર મફત કરવામાં આવે છે. આરોગ્ય વિભાગ દ્વારા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સથી સઘન પોરાનાશક કામગીરી, પોરાનું લાઈવ ડેમોસ્ટ્રેશન, ફિવર સર્વેલન્સ, બાંધકામ સાઈટની તપાસ, શ્રમિકોના બ્લડ સ્ક્રિનિંગની કામગીર કરાય છે.
રાજ્યમાં વર્ષ 2024 દરમિયાન 233 ગામોની અંદાજિત 2.52 લાખ કરતાં વધુ વસ્તીને જંતુનાશક દવા છંટકાવ હેઠળ આવરી લેવામાં આવી હતી. રાસાયણિક દવાઓથી થતા પ્રદુષણના વિકલ્પ રૂપે જૈવિક નિયંત્રણ કામગીરી હેઠળ રાજ્યમાં કુલ 3,863 પોરાભક્ષક માછલી ઉછેર કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. ગપ્પી અને ગમ્બુશીયા નામની પોરાભક્ષક માછલીઓ તમામ મચ્છર ઉત્પત્તિ સ્થાનો પર મચ્છરોના ઈંડામાંથી બનતા પોરાનું ભક્ષણ કરે છે અને મચ્છરોનો ઉપદ્રવ વધતો નથી. આ ઉપરાંત રાજ્યમાં દર વર્ષે સ્પેશિયલ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સના પ્રિ મોન્સુન-એપ્રિલ માસ, મોન્સુન-જૂન માસ અને પોસ્ટ મોન્સુન-સપ્ટેમ્બર માસ એમ કુલ 3 રાઉન્ડ મેલેરિયા નિયંત્રણ કામગીરી વધુ સઘન બનાવવામાં આવે છે.
વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા મેલેરિયા અંગેની જનજાગૃતિ માટે જાહેર સ્થળોએ કાર્યક્રમો, પ્રદર્શન, પત્રિકાઓનું વિતરણ, ભવાઈ, નાટક, પપેટ શો જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જાહેર સ્થળો પર રેલી, હોર્ડિંગ્સ, બેનર, પોસ્ટર્સ, ભીંતચિત્રો તેમજ ભીંતસુત્રોના માધ્યમથી જાહેરાત અને સંદેશાઓ પ્રસિધ્ધ કરવામાં આવે છે. આ ઉપરાંત શાળાઓ-કોલેજોમાં વાહકજન્ય રોગો સબંધિત કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મચ્છરજન્ય રોગ મેલેરિયાના અસરકારક નિયંત્રણ માટે જનજાગૃતિ કેળવી જનસમુદાયની સક્રિય ભાગીદારી મેળવવાના હેતુસર વર્ષ ૨૦૦૭થી WHO દ્વારા સમગ્ર વિશ્વમાં તા. 25 એપ્રિલના રોજ ‘વિશ્વ મેલેરિયા દિવસ’ ઉજવવામાં આવે છે. ‘વિશ્વ મેલેરિયા દિવસ’ અંતર્ગત ચાલુ વર્ષે WHO દ્વારા “Malaria Ends With Us: Reinvest, Reimagine, Reignite”ની થીમ નક્કી કરવામાં આવી છે.