ગુજરાતઃ આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, શિવાલયોમાં હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યાં
ગાંધીનગરઃ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણરૂપી 30 દિવસીય શિવોત્સવનો આજથી પ્રારંભ થયો છે, જેની પૂર્ણાહુતી તા.21-08-2025 શ્રાવણ વદ અમાસના રોજ થશે. શ્રાવણ માસમાં સોમનાથ ભજન, ભોજન અને ભક્તિનું સંગમ કેન્દ્ર બનશે. દેશ-વિદેશના શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શન કરી ભોળાનાથ શિવજીના જાપમાં લીન થશે.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસને લઈને સોમનાથ આવનારા તેમજ ન આવી શકનારા દર્શનાર્થીઓ માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. સોમનાથ આવનાર પ્રત્યેક શ્રદ્ધાળુને પ્રેમપૂર્ણ આતિથ્ય મળે તેના માટે બહુસ્તરીય વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.
વધારે માત્રામાં આવનારા યાત્રીઓ માટે રહેવા, ભોજન અને દર્શનની ઉત્તમ વ્યવસ્થા થાય તેના માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા તમામ વિભાગોમાં માઇક્રો મેનેજમેન્ટ કરી સુચારુ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. તો ન આવી શકનારા શ્રદ્ધાળુઓ માટે ઓનલાઈન પૂજાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન 10 લાખથી વધુ શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શને પધારતા હોય છે.દર વર્ષે યાત્રીઓની સંખ્યામાં વૃદ્ધિ જોઈને આ વર્ષે ભૂતકાળના તમામ શ્રાવણ કરતા વધુ શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શને પધારવાનો અંદાજો લગાવાઇ રહ્યો છે.