ગુજરાત વિકાસનું 'ગ્રોથ એન્જિન' બન્યુંઃ બલવંતસિંહ રાજપુત
અમદાવાદઃ ગુજરાતને વિકાસનું 'ગ્રોથ એન્જિન' બનાવ્યા બાદ હવે રાજ્ય સરકાર ઔદ્યોગિક વિકાસનો લાભ જિલ્લા અને સ્થાનિક સ્તર સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ છે. આ લક્ષ્ય સાથે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વાયબ્રન્ટ ગુજરાત'ના વિઝનને આગળ ધપાવતા, અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સાબરકાંઠાના હિંમતનગર ખાતે 'વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ' અંતગૅત જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રભારી અને ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુતની અધ્યક્ષતામાં યોજાયેલી આ પરિષદમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, "ગુજરાત અને દેશનો વિકાસ ૨૦૪૭ સુધીમાં સર્વોચ્ચ શિખરે પહોંચાડવા માટે આપણે સૌ કટિબદ્ધ છીએ, અને ઉદ્યોગ ક્ષેત્રે આવનારો જમાનો ઉત્તર ગુજરાતનો છે."
વિવિધ જિલ્લાઓની 'પ્રાદેશિક આકાંક્ષાઓ'ને 'વૈશ્વિક મહત્વાકાંક્ષાઓ' સાથે જોડવાની થીમ પર આધારિત આ પરિષદમાં મંત્રી બલવંતસિંહ રાજપુતે કહ્યું હતું કે છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાતનો વિકાસ અનેક ક્ષેત્રે થયો છે અને ૧૮૦થી વધુ દેશોએ અહીં ઉદ્યોગો સ્થાપ્યા છે, જેના કારણે રોજગારી ક્ષેત્રે આપણે ખૂબ આગળ છીએ. તેમણે ઉમેર્યું કે હવેના યુદ્ધ મિસાઈલોથી નહીં, પરંતુ આર્થિક રીતે થશે, અને ૨૦૪૭ સુધીમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે ગુજરાતને આત્મનિર્ભર બનાવવું અત્યંત જરૂરી છે. આ માટે તેમણે વોકલ ફોર લોકલને પ્રાધાન્ય આપવા જણાવ્યું હતું. તેમણે સ્થાનિક ઉદ્યોગ સાહસિકોને 'રોજગાર ઇચ્છુક નહીં, પરંતુ રોજગારદાતા' બનવાનો લક્ષ્ય સેવવા માટે પ્રેરણા આપી હતી.
મંત્રીએ ગુજરાત સરકારની સરળ અને પારદર્શક નીતિઓની જણાવતા કહ્યું હતું કે, "સિંગલ વિન્ડો સિસ્ટમ થકી ઉદ્યોગ સાહસિકોને તમામ પરવાનગીઓ એક જ જગ્યાએ મળે છે. અરજદાર પોતાની ફાઈલ ક્યાં અધિકારી પાસે છે તે પણ ઓનલાઈન જોઈ શકે છે." તેમણે સેમિકન્ડક્ટર પ્લાન્ટનો ઉલ્લેખ કરતા કહ્યું કે, "જ્યારે વિશ્વના માત્ર પાંચ દેશોમાં સેમિકન્ડક્ટરનું ઉત્પાદન થતું હતું, ત્યારે ભારતમાં ગુજરાત સરકારે આ ટેકનોલોજીના મહત્વને સમજીને માત્ર ૬ દિવસમાં આ પ્લાન્ટ માટે જમીન ફાળવી હતી, જે અમારી 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ' નીતિનું ઉત્તમ ઉદાહરણ છે." સરકારની આ વેપાર અનુકૂળ નીતિઓને કારણે જ ભારત દેશની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે, એમ મંત્રીએ ઉમેર્યું હતું.
ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપે આગામી મહેસાણા ખાતે યોજાનારી પ્રાદેશિક પરિષદનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, સાબરકાંઠા ખેતી આધારિત જિલ્લો હોવાથી 'એગ્રો પ્રોસેસિંગ'ના વિષય પર ધ્યાન કેન્દ્રિત કરીને સ્થાનિક ઉદ્યોગકારોએ આ તકનો લાભ લેવો જોઈએ. તેમણે ઉદ્યોગકારોને B2B અને B2G (બિઝનેસ ટુ ગવર્નમેન્ટ) બેઠકોમાં ભાગ લેવા અને પ્રદર્શનમાં પોતાનો સ્ટોલ લગાવવા પણ અનુરોધ કર્યો હતો.
જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુએ વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદના ફાયદાઓ વિશે વાત કરતા જણાવ્યું કે આ પરિષદથી જિલ્લાના ઉદ્યોગો અને રોજગારીની તકોમાં નોંધપાત્ર વધારો થશે અને આ એક નવું રોકાણ, નેટવર્કિંગ અને વૈશ્વિક બજારો સાથે જોડાણ માટેનું પ્લેટફોર્મ પૂરું પાડશે. આ પ્રસંગે મંત્રી બલવંતસિંહ રાજપુતે સ્થાનિક ઉદ્યોગ સાહસિકો દ્વારા ઊભા કરાયેલા સ્ટોલની મુલાકાત પણ લીધી હતી.
આ કાર્યક્ર્મ બાદ કર્કવૃત રેખા પસાર થાય છે તે સ્થળે નિર્માણ પામેલ સાયન્સ પાર્ક ખાતે વૃક્ષારોપણ કર્યું હતું.આ પરિષદમાં સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા, રાજયસભા સાંસદ રમીલાબેન બારા, હિંમતનગર ધારાસભ્ય વી.ડી. ઝાલા, પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલ, પ્રાંતિજ પ્રાંત આયુષી જૈન, હિંમતનગર પ્રાંત વિમલ ચૌધરી, જિલ્લા અગ્રણી કનુભાઇ પટેલ , જનરલ મેનેજર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મીહીર મકવાણા તેમજ મોટી સંખ્યામાં જિલ્લાના ઉધોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા.