For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગજરાતમાં સિંહ, નીલગાય, વાંદરા, કાળીયાર, દિપડા, સાંભર, વરૂ, ચિંકારા સહિતની વસતી 5.65 લાખ

04:32 PM Feb 27, 2025 IST | revoi editor
ગજરાતમાં સિંહ  નીલગાય  વાંદરા  કાળીયાર  દિપડા  સાંભર  વરૂ   ચિંકારા સહિતની વસતી 5 65 લાખ
Advertisement
  • ગુજરાતમાં વન્ય-જળચર પ્રાણીઓનો સમૃદ્ધ વારસો
  • ગુજરાતમાં એશિયાઈ સિંહની સંખ્યા 674થી વધુ નોંધાઈ
  • રાજ્યના 13 જિલ્લામાં 2217 ચો. કિ.મી.ના વિસ્તારમાં અંદાજે 222 વરૂનો વસવાટ

ગાંધીનગરઃ ઇકોસિસ્ટમ, લુપ્તપ્રાય વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિને બચાવવા અને પર્યાવરણનું જતન કરવા વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે કડક કાયદાઓ, નિયમો અને યોજનાઓ અમલમાં મૂકી છે. જેને મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સુપેરે આગળ ધપાવી રહ્યા છે. જેના ફળરૂપે છેલ્લા દોઢ દાયકાથી વન્ય પ્રાણીઓ માટે ગુજરાત વધુ સુરક્ષિત રાજ્ય બન્યું છે. ગુજરાતમાં એશિયાઈ સિંહ, નીલગાય, વાંદરા, કાળીયાર, દિપડા, સાંભર, ચિંકારા, વરૂ, ઘુડખર, ડોલ્ફિન, સર્પ જેવી વિવિધ પ્રજાતિઓની અંદાજિત 5.65 લાખથી વધુ વસ્તી નોંધાઈ છે, જે ગુજરાતીઓ માટે ગૌરવ સમાન છે.

Advertisement

ગુજરાત સહિત વિશ્વભરમાં દર વર્ષે તા. 3 માર્ચના રોજ “વિશ્વ વન્યજીવન દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત વિશ્વની વન્ય પ્રાણીસૃષ્ટિ અને વનસ્પતિઓ અંગે લોકજાગૃતની સાથે તેમનું સંરક્ષણ-સંવર્ધન થઈ શકે તેવી પ્રવૃતિઓ કરવામાં આવે છે. વન અને પર્યાવરણ મંત્રી  મુળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી  મુકેશ પટેલના માર્ગદર્શનમાં વન વિભાગ સહિત વિવિધ પ્રાણીપ્રેમી સંસ્થાઓ દ્વારા પ્રાણી સંવર્ધન અને સંરક્ષણની પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. જેના પરિણામ સ્વરૂપ રાજ્યમાં છેલ્લે વર્ષ 2020માં થયેલી વન્યજીવ વસ્તી ગણતરી મુજબ એશિયાઈ સિંહની સંખ્યા 674થી વધુ, જ્યારે વસ્તી અંદાજ - ગણતરી વર્ષ 2023 મુજબ નીલગાય 2.24 લાખથી વધુ, વાંદરા બે લાખથી વધુ તેમજ જંગલી સુવર અને ચિત્તલ એક લાખથી વધુ જોવા મળ્યા હતા. આ ઉપરાંત 9170 કાળીયાર,8221  સાંભર, 6208  ચિંકારા, 2299  શિયાળ, 2274 દિપડા, 2272 લોંકડી,1484 વણીયર, 1000થી વધુ ચોશીંગા તેમજ 222 વરૂ રાજ્યમાં નોંધાયા છે.

આ ઉપરાંત ગત વર્ષ 2024માં યોજાયેલી ગણતરી મુજબ 7672  જેટલા ઘુડખર, ભારતીય કોબ્રા, કોમન ક્રેટ, રસેલ્સ અને સો-સ્કેલ્ડ વાયપર જેવા 300થી વધારે ઝેરી સર્પો અને 680 જેટલી ડોલ્ફિન સહિત ગુજરાતમાં કુલ 5.65 લાખથી વધુ પ્રાણીઓ નોંધાયા છે. જે સમગ્ર રાજ્ય માટે વન્યજીવ પ્રાણી સંરક્ષણ ક્ષેત્રે વિશેષ સિદ્ધિ છે.

Advertisement

રાજ્ય સરકારે હર હંમેશ વન્યજીવ અને સમગ્ર પ્રાણીસૃષ્ટીની ચિંતા કરી અને તેમના જતન માટે અનેક પ્રયાસ કર્યા છે. રાજ્યના જંગલોમાં ઘણા દુલર્ભ અને સંવેદનશીલ પ્રાણીઓ જોવા મળે છે, જેમાં ભારતીય વરૂનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં વન વિભાગ અને ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (‘ગીર’) ફાઉન્ડેશન દ્વારા મહત્વની પહેલ થકી વર્ષ ૨૦૨૩માં રાજ્યમાં વરૂ વસ્તી ગણતરી કરવામાં આવી હતી. જેમાં રાજ્યના 13 જિલ્લામાં અંદાજે 222 વરૂ નોંધાયા છે. જેમાં સૌથી વધુ 80 વરૂ ભાવનગર જિલ્લામાં નોંધાયા છે. જ્યારે 39 નર્મદા જિલ્લામાં, 36 બનાસકાંઠામાં, 18 સુરેન્દ્રનગરમાં, 12-12 જામનગર અને મોરબીમાં તેમજ 09 કચ્છ જિલ્લામાં વરૂ જોવા મળ્યા છે. ઉપરાંત પોરબંદર, મહેસાણા, નવસારી, પાટણ, અરવલ્લી અને સુરત જિલ્લામાં પણ વરૂનું અસ્તિત્વ નોંધાયું છે.

દેશમાં એક માત્ર ગુજરાતમાં જોવા મળતા ઘુડખર એ રાજ્યનું ગૌરવ છે. ગુજરાત સરકારના અવિરત પ્રયાસ તેમજ વિવિધ જાગૃતતા અભિયાનોના પરિણામે રાજ્યમાં 7672 જેટલી ઘુડખરની વસ્તીમાં નોંધાઈ છે, એટલે કે અંદાજે 26.14 ટકાનો વધારો થયો છે. ઘુડખર મુખ્યત્વે રાજ્યના 6 જિલ્લાઓમાં જોવા મળે છે, જેમાં 2705  ઘુડખર સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લામાં વસવાટ કરે છે. જ્યારે 1993  ઘુડખર કચ્છ જિલ્લામાં, 1615  પાટણમાં, 710 બનાસકાંઠામાં, 642 મોરબીમાં તેમજ 07 ઘુડખર અમદાવાદ જિલ્લામાં જોવા મળે છે..

ગુજરાત સૌથી લાંબો સમુદ્રી કિનારો ધરાવતો હોવાના લીધે સમૃદ્ધ જળચર પ્રાણી વારસો એટલે કે, અનેક દુર્લભ જળચર પ્રાણીઓ જોવા મળે છે. જેમાં સૌથી સુંદર અને આકર્ષક પ્રાણી છે ‘ડોલ્ફિન’. તાજેતરમાં ગુજરાત વન વિભાગ દ્વારા ગુજરાતમાં ડોલ્ફિનની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. જળચર - વન્ય જીવ સંરક્ષણ અને સંવર્ધનના વિશેષ પ્રયાસોના પરિણામે ગુજરાતના 4087 ચો. કિ.મી.ના દરિયાઈ વિસ્તારમાં અંદાજે 680 ડોલ્ફિન નોંધાઈ છે. સ્વસ્થ ઇકોસિસ્ટમ માટે ડોલ્ફિન ખુબ જ મહત્વનું જળચર પ્રાણી છે. જે સમુદ્રી ઇકોસિસ્ટમમાં સંતુલન સુનિશ્ચિત કરવામાં પણ મદદ કરે છે. ગુજરાતના દરિયા કિનારે જોવા મળતી ડોલ્ફિન દેશ - વિદેશના પ્રવાસીઓ માટે નવું આકર્ષણ કેન્દ્ર બની છે.

Advertisement
Tags :
Advertisement