ગુજરાતમાં ગરમી-ઠંડી મિશ્રિત વાતાવરણ, તાપમાનમાં બે ડિગ્રી સુધી થતી વઘધટ
- નલિયામાં તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો
- ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં માવઠાની આગાહી
- બપોરે ગરમી અને રાત્રે ઠંડી બે ઋતુનો અનુભવ
ગાંધીનગરઃ ગુજરાતમાં હાલ બપોરે ગરમી અને રાત્રે ઠંડી એમ બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જોકે આજે વહેલી પરોઢે સુરત સહિત કેટલાક વિસ્તારોમાં ઠંડા પવનો સાથે ગાઢ ધૂમ્મસ સર્જાયું હતું. હાલ રાજ્યના દરેક શહેરોમાં તાપમાનમાં એકાદ-બે ડિગ્રીની વધઘટ જોવા મળી રહી છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી પાંચ દિવસ ગુજરાતમાં વાતાવરણ શુષ્ક રહેવાની સાથે તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતાઓ નથી પરંતુ, બે ડિગ્રી સુધી તાપમાનમાં વધારો ઘટાડો થઈ શકે છે.
ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી વાતાવરણ અનિશ્ચિત બન્યું છે. એક દિવસ તાપમાનમાં વધારો થાય છે તો બીજા દિવસે તાપમાનમાં તેટલા જ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો આવી જતા તાપમાન સ્થિર બન્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન ફરી એક વખત આ સ્થિતિનું નિર્માણ થયું હતું. જેમાં ફક્ત 24 કલાકમાં નલિયામાં ચાર ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો આવ્યો હતો. આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાયો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 10 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જો કે ગતરોજ નલિયામાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું હતું પરંતુ, છેલ્લા 24 જ કલાકમાં ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો આવ્યો હતો. આ ઉપરાંત રાજ્યના ચાર મહાનગરોમાંથી ફક્ત અમદાવાદ જિલ્લાના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે ગુજરાત પ્રદેશના અન્ય જિલ્લાઓમાં તાપમાનમાં વધારો નોંધાયો હતો.
રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ વાતાવરણમાં તાપમાનના સતત ઉતાર ચડાવથી હવામાન અસ્થિર બન્યું છે. આગામી બે અને ત્રણ ફેબ્રુઆરીના રોજ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. બીજી ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર તથા ગુજરાત પ્રદેશના નવસારી, વલસાડ, દમણ, અને દાદરા નગર હવેલીમાં હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ છે તથા ત્રીજી ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર તથા ઉત્તર ગુજરાતમાં અરવલ્લી મહીસાગર અને દાહોદમાં હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.