ગુજરાત સરકારના વર્ષ 2025-26નું બજેટ માત્ર જાહેરાતો અને દિશાવિહીન છેઃ કોંગ્રેસ
- રોજગાર વધારવા અને મોંઘવારી ઘટાડવા માટે કોઈ નક્કર આયોજન નથી
- બજેટ ગામડા તોડનારું અને ગ્રામ્ય વિકાસ વિરોધી છે
- સમાન કામ-સમાન વેતન અને કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરવા કોઈ પગલાં નહીં
ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા આજે વર્ષ 2025-26નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું એ અંગે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ બજેટ ફક્ત અને ફક્ત જાહેરાતોનું છે, ચીલાચાલુ છે અને દિશાવિહીન છે. રોજગાર આપવા માટે કોઈ નક્કર યોજના નથી, મોંઘવારી ઘટાડવા માટે કોઈ યોગ્ય આયોજન નથી, ખેડૂતોની ઉન્નતિ કરવાનું કે તેમની આવક બમણી કરવાનું કોઈ આયોજન નથી. ગૃહિણીઓ, વૃદ્ધો, વિધવાઓ, સરકારી કર્મચારીઓ કે યુવાનોની આશાઓને પૂર્ણ કરનારૂ બજેટ નથી
કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે આજના બજેટમાં કશું નવું નથી. તે એક ચીલાચાલુ બજેટ છે, જેમાં ગામડાઓની અવગણના કરવામાં આવી છે અને મોંઘવારી મુદ્દે કશું ન કહેવાયું. ગુજરાતની જનતા આશા રાખી રહી હતી કે આ બજેટમાં મોંઘવારીમાં રાહત મળશે, અને 500 રૂપિયા પ્રતિ સિલિન્ડર જેવા અન્ય રાજ્યોમાં છે, તે જાહેરાત થશે. પરંતુ ગૃહિણીઓની આ આશા નિષ્ફળ રહી છે. યુવાનો આશા રાખતા હતા કે ફિક્સ પગાર, આઉટસોર્સિંગ અને સમાન કામ-સમાન વેતનનો પ્રશ્ન ઉકેલાશે, પણ એ પણ નિષ્ફળ રહ્યો છે. હીરા ઉદ્યોગ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે અને રત્ન કલકાર આત્મહત્યા કરી રહ્યા છે, પણ આ ઉદ્યોગ માટે કોઈ આર્થિક પેકેજની જાહેરાત થઈ નથી. બહેનો આશા રાખી રહી હતી કે લાડલી બહેન યોજના લાગુ થશે, અને સરકારી કર્મચારીઓને OPS (ઓલ્ડ પેન્શન સ્કીમ) નો લાભ મળશે, પણ એમનું પણ નિરાશા થઈ છે. વિધવા બહેનો, દિવ્યાંગ લોકો કે જેમને સહાય પેન્શન મળે છે, એમના માટે પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આંગણવાડી, મધ્યાહ્ન ભોજનના કર્મચારીઓ માટે લઘુત્તમ વેતન વિશે કોઈ ઉલ્લેખ નથી.
મહાત્મા ગાંધીના ગ્રામ્ય વિકાસના વિરોધમાં કામ કરતી સરકારના બજેટ મુદ્દે તેમણે જણાવ્યું કે આ બજેટ ગામડાઓ સાથે ભેદભાવ કરતું છે, તેમનું અનુમાન છે કે તે ગામડાઓ તોડે છે. સરકાર 10 વર્ષ પહેલા જે રૂર્બન યોજના લાવી હતી એનો કોઈ ઉલ્લેખ કે પરિણામ જોવા મળતું નથી.
વધુમાં તેમણે જણાવ્યું કે, બજેટનું ભૌગોલિક વિશ્લેષણ કરતાં રાજ્યમાં SC, ST, OBC, માઇનોરિટી વર્ગ 82 % છે, જેથી આ વર્ગોને વસ્તીના પ્રમાણમાં બજેટ ફાળવવું જોઈએ. આ વર્ગ મોટા ભાગે ગ્રામ્ય વિસ્તારમાં વસે છે, અને બજેટ ફાળવણીમાં અન્યાય થયો છે. ગુજરાતના ખેડૂતો માટે કોઈ દેવા માફીની જાહેરાત નથી અને ખેડૂતની આશા નિષ્ફળ રહી છે. આ રીતે, અમિત ચાવડાએ રાજ્ય સરકારના બજેટને કડક શબ્દોમાં વખોડ્યું છે.