મહારાષ્ટ્રના ગવર્નર તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
- રાજ્યપાલએ સંસ્કૃત ભાષામાં લીધા શપથ,
- મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીએ પાઠવી શુભેચ્છાઓ,
- મુંબઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રશેખરે દેવવ્રતજીને રાજ્યપાલ પદના શપથ લેવડાવ્યા
ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તારીખ 15 સપ્ટેમ્બર 2025, સોમવારના રોજ મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. મુંબઈમાં રાજભવનના દરબાર હોલમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં મુંબઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રશેખરે આચાર્ય દેવવ્રતજીને રાજ્યપાલ પદના શપથ લેવડાવ્યા. રાજ્યપાલએ સંસ્કૃત ભાષામાં શપથ ગ્રહણ કરતા ઉપસ્થિત સૌ કોઈમાં સુખદ આશ્ચર્ય ફેલાયું હતું.
શપથ ગ્રહણ બાદ મુખ્ય ન્યાયાધીશ, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્યપાલને પુષ્પગુચ્છ આપીને અભિનંદન પાઠવ્યા. આ પ્રસંગે રાજ્યપાલને ભારતીય નૌસેના તરફથી વિશેષ સન્માન આપવામાં આવ્યું.
શપથ ગ્રહણ સમારોહની શરુઆતમાં રાષ્ટ્રગાન અને રાજ્યગાન સંપન્ન થયા બાદ મહારાષ્ટ્રના મુખ્ય સચિવ રાજેશ કુમાર દ્વારા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ દ્વારા આચાર્ય દેવવ્રતજીને રાજ્યપાલ તરીકે નિયુક્તી અંગે બહાર પડાયેલી અધિસૂચનાનું પઠન કરવામાં આવ્યું. બાદમાં રાજ્યપાલએ સંસ્કૃત ભાષામાં શપથ ગ્રહણ કરી પદભાર સંભાળ્યો હતો. ત્યારબાદ ફરીથી રાષ્ટ્રગાન અને રાજ્યગાન સાથે શપથવિધિ પૂર્ણ થઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણન ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પર ચૂંટાયા હોવાના કારણે આ પદ ખાલી પડ્યું હતુ. જે અનુસંધાને રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને મહારાષ્ટ્રના રાજ્યપાલ પદનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે.
આ શપથ ગ્રહણ સમારોહમાં લેડી ગર્વનર શ્રીમતી દર્શના દેવી સહિત પરિવારના સભ્યો, વિધાન પરિષદના અધ્યક્ષ પ્રો. રામ શિંદે, વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર, વિધાન પરિષદના ઉપાધ્યક્ષ ડૉ. નીલમ ગોરે, કૌશલ વિકાસ મંત્રીશ્રી મંગલપ્રભાત લોઢા, રમતગમત મંત્રી માણિકરાવ કોકાટે, મુખ્યસચિવ રાજેશ કુમાર, પોલીસ મહાસંચાલક રશ્મિ શુક્લા, અધિક મુખ્ય સચિવ મનીષા મ્હૈસકર, રાજ્યપાલના સચિવ ડૉ. પ્રશાંત નારનવરે, ઉપસચિવ એસ. રામમૂર્તિ તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.