ગુજરાતઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અંતરિયાળ ગામોની મુલાકાતે
અમદાવાદઃ આજનો ખેડૂત પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવા ઉદ્દેશથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગ્રામીણ વિસ્તારોની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતોને પ્રોત્સાહન આપી રહ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગુજરાતના દરિયાઈ સીમા ક્ષેત્રના જિલ્લાઓના અંતરિયાળ ગામોની મુલાકાતે છે. આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલા જિલ્લાઓમાં તેઓ લોકોને મળી રહ્યા છે અને ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કરી રહ્યા છે.
આચાર્ય દેવવ્રતજીએ પાંચ દિવસોમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના પાંચ અંતરિયાળ ગામોની મુલાકાત લઈને ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો. ગુજરાતના સરહદી ક્ષેત્રના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને મળતા રહેવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં અનુરોધ કર્યો હતો. જે અનુસંધાને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નિયમિત રીતે ગુજરાતના આંતરીક સીમા ક્ષેત્રના વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે. આ અગાઉ તેમણે કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના સીમા ક્ષેત્રના ગ્રામીણ વિસ્તારોની મુલાકાત લીધી હતી. અત્યારે તેઓ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના દરિયાઈ સીમા ક્ષેત્રના જિલ્લાઓની સાત દિવસની મુલાકાતે છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મિઠોઈ, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના ધંધૂસર, દ્વારકા તાલુકાના ધિણકી, પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ, જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના મરમઠ ગામમાં અને ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા ગામમાં સ્થાનિક ગ્રામજનોને મળીને સંવાદ કર્યો હતો. આ તમામ ગામોમાં તેમણે ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કરીને તેમને પ્રાકૃતિક ખેતીની વિગતવાર સમજણ આપી હતી. પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહન અને પ્રેરણા આપી હતી.