ગુજરાત સરકાર ભાડાપટ્ટા પર આપેલી જમીનોને હવે માલિકી હક્ક આપશે
- રાજ્યના મહેસુલ વિભાગે કર્યો ઠરાવ
- વર્ષોથી વસવાટ કરતા ગરીબોના દબાણો હટાવતી સરકાર મળતિયાઓને ફાયદો કરાવશે
- જંત્રીના 15થી 60 ટકા વસુલીને ભાડાપટ્ટની જમીનો કાયમી કરાશે
ગાંધીનગરઃ ગુજરાતમાં ભાડાપટ્ટાની જમીનના માલિકી હકને લઈ સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. 7 વર્ષથી 30 વર્ષના ગાળાના ભાડાપટ્ટાની જમીનોને માલિકી હક્ક આપવાનો નિર્ણય મહેસુલ વિભાગ દ્વારા લેવાયો છે. જંત્રીના 15 ટકાથી 60 ટકાની વસુલાત સાથે માલીકી હક્ક આપવાનો નિર્ણય કરાયો છે. સોમવારે મહેસુલ વિભાગે વિસ્તૃત ઠરાવ જાહેર કર્યો હતો.
ગુજરાત સરકાર દ્વારા એકબાજુ પૂરજોશમાં સરકારી જમીનો પર વર્ષોથી વસવાટ કરતા ગરીબોના ઝુંપડા તોડવાની બુલડોઝર યોજના ચાલી રહી છે, અને બીજી બાજુ સરકારના કમાઉ દીકરા સમાન મહેસૂલ વિભાગ રેવન્યુ આવકમાં વધારો કરવા ભાડાપટ્ટે આપેલી કિમતી જમીનોને માલિકી હક્ક આપી રહી છે. મહેસુલ વિભાગે કરેલા ઠરાવ મુજબ સીટી સર્વે વિસ્તારના લાંબા અને ટુંકાગાળા માટે ભાડાપટ્ટે આપેલી જમીન માટે હાલના કાયદેસરના ધારક પાસેથી નીચે મુજબ રાહત કિંમત વસુલ લઈ જમીનનો કાયમી નિકાલ કરવાનો રહેશે.
મહેસુલ વિભાગના સૂત્રોના કહેવા મુજબ રાજ્યના સિટી સર્વે એરિયામાં ભાડાપટ્ટાની જમીન કાયમી હકથી ફાળવાશે. મહેસૂલ વિભાગે ભાડાપટ્ટાની જમીન મામલે મોટો નિર્ણય કર્યો છે. જેમાં 7 થી 30 વર્ષના સમયગાળાના ભાડાપટ્ટાની જમીન કાયમી કરવામા આવશે. જંત્રીના 15 થી 60 ટકાની વસૂલાત સાથે કાયમી હક મળશે. આ ઉપરાંત SC, ST, OBCને 20 ટકા રાહત આપવામાં આવશે. કાયમી હકની પ્રક્રિયામાં સ્ટેમ્પ ડ્યૂટી વસૂલાશે નહીં. યોજનાનો લાભ લેવા માટે બે વર્ષની સમયમર્યાદામાં અરજી કરવાની રહેશે. આ માટે કેટલીક શરતો છે, જેનું પાનલ કરવાનું રહેશે.
મહેસુલ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવાયું કે, અમદાવાદ, સુરત અને ભરૂચના સીટી સર્વે વિસ્તારોમાં લાંબાગાળા અને ટુંકાગાળા માટે પટ્ટેથી આપવામાં આવતી જમીનોનો પટ્ટો તાજો કરવા અથવા નિકાલ કરવા મહેસૂલ વિભાગના વંચાણે લીધેલ ક્રમાંક: (1) ના તા.૦6/૦6/2003ના સંકલિત ઠરાવના ફકરા ક્રમાંક 18 અને 19 માં જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ આ જોગવાઈઓના અર્થઘટન તથા તેના અમલીકરણમાં મુશ્કેલી પ્રવર્તતી હતી. આથી, આ સંકલિત કરાવના ફકરા ક્રમાંક- 18, 19 ની જોગવાઈઓ બાબતે વિગતવાર અભ્યાસ કરી તેમાં જરૂરી સૂચનો અને સુધારા માટે ભલામણ આપવાના હેતુસર મહેસૂલ વિભાગના વંચાણે લીધેલ ક્રમાંક: (2) ના તા:૦1/11/2023ના પરિપત્રથી સેટલમેન્ટ કમિશનર અને જમીન રેકર્ડસ નિયામકના અધ્યક્ષસ્થાને ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરવામાં આવેલ. આ સમિતિએ જોગવાઈઓમાં સુધારો કરવા સારું વિવિધ પાસાઓનો વિગતવાર અભ્યાસ કરી તથા તેની યોગ્ય સમીક્ષા કરીને સંપુર્ણ અહેવાલ તા:૦1/૦1/2025ના રોજ સરકારને સુપ્રત કરેલ. આ અહેવાલમાં કરવામાં આવેલ ભલામણો અન્વયે લાંબાગાળા તથા ટુંકાગાળા માટે ભાડાપટ્ટે આપવામાં આવેલ સરકારી પડતર/ખરાબાની જમીન અંગેની જોગવાઈઓમાં સુધારાઓ કરવા અંગેની બાબત સરકારની સક્રિય વિચારણા હેઠળ હતી. ક્રમાંક: 18 અને 19 ની જોગવાઈઓના બદલે હવે નીચે દર્શાવ્યાનુસારની જોગવાઈ અમલમાં મુકવા આથી હરાવવામાં આવે છે.