ગુજરાત સરકારે કમોસમી વરસાદથી થયેલી કૃષિપાકની નુકસાનીનો અંદાજ મંગાવ્યો
- માવઠાને લીધે કેરી સહિત બાગાયતી પાકને પણ નુકસાન થયુ છે
- બાજરી તલ મગ સહિતના પાકને નુકસાન થતાં ખેડુતોની કફોડી બની
- નુકસાનીનો પ્રાથમિક અંદાજમળ્યા બાદ સરકાર સર્વે પણ કરાવે તેવી શક્યતા
ગાંધીનગરઃ ભર ઉનાળે ગુજરાતમાં પડેલા માવઠાએ કૃષિપાકને સારૂએવું નુકસાન પહોચાડ્યુ છે. ઘણા વિસ્તારોમાં ખેતરોમાં ઉભો પાક નષ્ટ થયો છે. બાગાયતી પાકોને પણ નુકસાન સારૂએવું નુકસાન પહોંચ્યુ છે. આ ઉપરાંત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદથી પશુઓના મોત થતાં પશુપાલકોની રોજગારી પર પણ અસર થઈ છે. ત્યારે રાજ્ય સરકારે વરસાદથી થયેલા નુકસાનનો પ્રાથમિક અંદાજ મંગાવ્યો છે. પાક નુકસાની અંગે SDRFના નિયમો મુજબના અંદાજોને આધારે કામગીરી આગળ વધારાશે.
ગુજરાતમાં ભર ઉનાળે કમોસમી વરસાદને કારણે અનાજ, શાકભાજી અને બાગાયતી પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે. વાવાઝોડા અને વરસાદને કારણે આંબાઓ પરથી કેરીઓ ખરી પડી છે, ચીકુના પાકને પણ નુકસાન થયુ છે. ઉપરાંત તલ, મગ સહિતના ધાન્ય પાકો પણ વરસાદમાં ધોવાઈ ગયા હોવાથી ખેડૂતોના મોઢે આવેલો કોળીયો છીનવાઈ ગયો છે. ખેતરોમાં તૈયાર પાક વરસાદના પાણીમાં નષ્ટ થયો છે. ત્યારે ખેડૂતો દ્વારા સરકાર પાસે સરવે કરાવીને સહાય કરવામાં આવે તેવી માગ કરાઈ છે.
વરસાદની સ્થિતિ થોડી શાંત થતાં હવે સરકારે જિલ્લા પ્રમાણે પાક નુકસાનીનો પ્રાથમિક અંદાજ મંગાવ્યો છે. જેમા બાગાયતી અને ખાસ કરીને કેરીના પાકમાં પ્રાથમિક નુકસાનની વિગતો મંગાવાઈ છે. જેમાં SDRFના નિયમો મુજબના અંદાજોને આધારે સરકાર કામગીરી આગળ વધારશે. બીજી તરફ કેટલાક મકાનો અને દુકાનોને પણ નુકસાન પહોંચ્યુ છે. ભારે પવનના કારણે સોલાર પેનલોને પણ નુકસાન પહોંચ્યું છે. તેની વિગતો પણ માગવામાં આવી છે. પ્રાથમિક અંદાજ મળ્યા બાદ નુકાનીનો સરવે કરાવવામાં આવશે,