ગુજરાત સરકારે શહેરોમાં રેન બસેરા માટે ₹ 435.68 ફાળવ્યા
- રેનબસેરાઓમાં દરરોજ10 હજાર લોકો આશરો મેળવે છે
- અમદાવાદ સહિત રાજ્યના 38 શહેરોમાં કાર્યરત છે રેન બસેરા,
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશાં ઘરવિહોણા ગરીબોની ચિંતા કરી છે અને વિવિધ યોજનાઓના લાભો છેવાડાના માનવીઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કર્યું છે. આ જ દિશામાં આગળ વધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર દ્વારા શહેરોમાં મજૂરીકામ માટે આવતા કે શહેરોની જ ફૂટપાથ પર સૂઈ રહેતા ઘરવિહોણા લોકો માટે માથે છતનો આધાર આપવા માટે રેનબસેરાઓ સ્થાપિત કરવામાં આવ્યા છે. હાલમાં રાજ્યના કુલ 38 શહેરોમાં 116 રેનબસેરાઓ કાર્યરત છે, જેમાં દરરોજ આશરે 10,000 ઘરવિહોણા લોકો આશ્રય લઈ રહ્યા છે.
રાજ્ય સરકારે ઘરવિહોણા શહેરીજનોને આશરો આપવા માટે રાજ્યના કુલ 38 શહેરોમાં અત્યારસુધીમાં કુલ 120 રેનબસેરાઓના (શેલ્ટર હોમ) નિર્માણને મંજૂરી આપી છે. રાજ્ય સરકાર દ્વારા આ 120 રેનબસેરાઓ માટે કુલ ₹435.68 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે, જેમાંથી કુલ ₹219 કરોડ સંબંધિત મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાઓને ફાળવી દેવામાં આવ્યા છે. આ શેલ્ટર હોમ 21,426 લોકોના રહેવા માટેની ક્ષમતા ધરાવે છે.
મંજૂર થયેલ 120 શેલ્ટર હોમમાંથી કુલ 87 શેલ્ટર હોમ કાર્યરત થઈ ચૂક્યા છે અને અન્ય બાંધકામના જુદા-જુદા તબક્કામાં છે. ઉપરાંત, સંબંધિત મહાનગરપાલિકાઓ તેમજ નગરપાલિકાઓમાં DAY-NULM અંતર્ગત જ્યાં સુધી શેલ્ટર હોમ ઉપલબ્ધ ન થાય, ત્યાં સુધી કુલ 29 કામચલાઉ શેલ્ટર હોમ કાર્યરત કરવામાં આવ્યા છે. આમ, રાજ્યના કુલ 38 શહેરોમાં હાલમાં 116 શેલ્ટર હોમ કાર્યરત છે અને આ કાર્યરત શેલ્ટર હોમમાં દરરોજ આશરે 10,000 ઘરવિહોણા લોકો આશ્રય લઈ રહ્યા છે.
રાજ્યમાં DAY-NULM અંતર્ગત કાયમી રીતે સ્થપાયેલ કુલ 87 શેલ્ટર હોમ તમામ પાયાની સુવિધાઓથી સજ્જ છે. આ શેલ્ટર હોમમાં રસોડા અને ડાઇનિંગની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ શેલ્ટર હોમમાં આવનાર આશ્રિતોને એક સમયનું (મોટે ભાગે રાત્રિના સમયે) જમવાનું સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વિના મૂલ્યે આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત રાજ્યના મોટા શહેરો તથા નાના શહેરોમાં પણ ગામડાઓ સહિત ઘણા અંતરિયાળ સ્થળોએથી લોકો રોજગારી કે મજૂરીકામ માટે આવતા હોય છે અને તેમાંથી અનેક લોકો ઘરવિહોણા હોય છે, જેઓ ફૂટપાથ પર કે કોઈ અન્ય જાહેર સ્થળોએ રાત પસાર કરતા હોય છે. આવા ઘરવિહોણા લોકોને આશરો આપવા માટે જ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાથે મળીને ‘પંડિત દીનદયાલ અંત્યોદય યોજના–રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (DAY – NULM)’ હેઠળ ઘરવિહોણા લોકોને આશ્રય આપવાનું ભગીરથ કાર્ય કરી રહી છે.
કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતો મંત્રાલય દ્વારા સુવર્ણ જયંતી શહેરી રોજગાર યોજનાને પુનર્ગઠિત કરી દીનદયાલ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (DAY – NULM) તરીકે લાગુ કરવામાં આવી છે અને ગુજરાતમાં આ મિશનનું અમલીકરણ ‘ગુજરાત શહેરી આજીવીકા મિશન (GULM)’ દ્વારા કરવામાં આવી રહ્યું છે. GULM દ્વારા DAY – NULMના વિવિધ ઘટકો પૈકી ‘શહેરી ઘરવિહોણાઓ માટે આશ્રય સ્થાન’ (શેલ્ટર ફોર અર્બન હોમલેસ- SUH) ઘટકનું અમલીકરણ રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને ‘અ’ વર્ગની તેમજ જિલ્લા મુખ્ય મથકોની કુલ 30 નગરપાલિકાઓ સહિત કુલ 38 શહેરોમાં થઈ રહ્યું છે.