ગુજરાત ઠંડીમાં ઠુંઠવાયુ, કચ્છના નલિયામાં 3.2 ડિગ્રી તાપમાન
- ઉત્તર-પૂર્વના ટાઢાબોળ પવનોએ લોકોને ધ્રૂજાવ્યા
- માઉન્ટ આબુમાં માઈનસ-2, બરફની ચાદર છવાઈ
- અમદાવાદ સહિત અન્ય શહેરોના તામપાનમાં પણ થયો ઘટાડો
અમદાવાદઃ ગુજરાતભરમાં કડકડતી ઠંડીએ લોકોને ધ્રૂજાવી દીધા છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ સહિત વિસ્તારોમાં હીમ વર્ષા થતાં અને ઉત્તર-પૂર્વ તરફથી ફુકાતા પવનોને લીધે ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થયો છે. રાત્રિ દરમિયાન લઘુતમ તાપમાનમાં એકાએક ઘટાડો થતાં લોકો કડકડતી ઠંડી અનુભવી રહ્યા છે. દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી તારીખ 12 થી 18 જાન્યુઆરી સુધી રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં માવઠું થવાની પ્રબળ શક્યતાઓ છે. અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો આવશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક છાંટા પણ પડી શકે છે.
ગુજરાતમાં ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. ઉત્તર ભારતના રાજ્યમાં ભારે હિમવર્ષાને કારણે ત્યાંના ઠંડા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે, જેને કારણે છેલ્લા બે દિવસમાં ગુજરાતનું તાપમાન ચારથી પાંચ ડિગ્રી જેટલુ ગગડ્યું છે. વહેલી સવારે ઠંડા પવન ફૂકાતા વધુ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હજુ 48 કલાક વાતાવરણ યથાવત્ રહેવાની સંભાવના છે. બે દિવસ બાદ ફરી બેથી ત્રણ ડિગ્રી તાપમાનના વધારા સાથે ઠંડીમાં રાહત મળશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાત રાજ્યમાં આ સિઝનનું સૌથી ઓછું લઘુતમ તાપમાન નલિયામાં નોંધાયું હતું. કચ્છના નલિયામાં ગત રાત્રિ દરમિયાન 3.4 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત ભુજમાં પણ 9.2 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. ઉત્તર ગુજરાતમાં ડીસા ખાતે 8.8 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ સિવાય રાજ્યનાં ચાર મહાનગરોમાં પણ ઠંડીનું જોર યથાવત્ રહ્યું હતું. જેમાં અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન 12.1 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. તદુપરાંત વડોદરામાં 11.4 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં આ સિઝનનો સૌથી ઓછું 7.3 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 15.5 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના હીલ સ્ટેશન માઉન્ટ આબુ પર કડકડતી ઠંડી પડી રહી છે. ગતરાત્રિએ તાપમાનનો પારો ગગડીને માઈનસ 2 ડિગ્રી થઈ ગયો હતો. ખુલ્લા મેદાનમાં પાણીના ખાબોચીયા અને પાણીના કુંડામાં બરફ જામેલો જોવા મળ્યો હતો. માઉન્ટ આબુમાં કાશ્મીર જેવો માહોલ સર્જાતા સહેલાણીઓ ખુશ જોવા મળ્યા હતા.
હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ ગુજરાતમાં આગામી બેથી ત્રણ દિવસ ઠંડી યથાવત રહેશે. ત્યારપછી ક્રમશ: ઠંડીમાં ઘટાડો થઈ શકે છે. પરંતુ આગામી બે દિવસ ઠંડી સહન કરવી જ પડશે. વહેલી સવારે ઠંડા પવન ફૂંકાતા વધુ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડીથી રક્ષણ મેળવવા માટે લોકો તાપણું કરી રહ્યા છે. ગુજરાતના 7 શહેરોમાં ઠંડીનો પારો 11 ડિગ્રીથી નીચે પહોંચ્યો છે. જ્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના કહેવા મુજબ આગામી તારીખ 12 થી 18 જાન્યુઆરી સુધી રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં માવઠા થવાની પ્રબળ શક્યતાઓ છે. અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો આવશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક છાંટા પણ પડી શકે છે.