ગાંધીનગરઃ મહાકુંભ 2025 માટે નિઃશુલ્ક વોટર એમ્બુલન્સનું પ્રસ્થાન કરાવાયું
અમદાવાદઃ પ્રયાગરાજમાં આગામી દિવસોમાં મહાકુંભનો મેળો યોજાશે. જેને લઈને હાલ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરમિયાન ગાંધીનગર ખાતે સુધાંશુ મહેતા ફાઉન્ડેશનના ફાઉન્ડર સુધાંશુ મહેતાની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં આજે ‘મહાકુંભ-૨૦૨૫ ‘માટે ‘નિ:શુલ્ક વોટર એમ્બ્યુલન્સ’ને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. પ્રયાગરાજ ખાતે આગામી સમયમાં યોજાનાર મહાકુંભ-૨૦૨૫માં આવતા શ્રદ્ધાળુઓ માટે સુધાંશુ મહેતા ફાઉન્ડેશન દ્વારા પ્રયોજિત વોટર એમ્બ્યુલન્સ આશીર્વાદરૂપ સાબિત થશે.
મહાકુંભ-૨૦૨૫નો શુભારંભ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે થવા જઈ રહ્યો છે.આજ રોજ ગાંધીનગર ખાતે સુધાંશુ મહેતા ફાઉન્ડેશન દ્વારા નિ:શુલ્ક વોટર એમ્બુલન્સનું ફ્લેગ-ઓફ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ,ભાજપા ગુજરાત તેમજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી,ભારત સરકાર સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામા આવ્યુ હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, ધારાસભ્ય રીટાબેન પટેલ,મેયર મીરાબેન પટેલ,શહેર પ્રમુખ રૂચિરભાઈ ભટ્ટ સહીત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતના સૌથી મોટો ધાર્મિક મેળા મહાકુંભ મેળામાં દેશ-વિદેશના કરોડો લોકો આવે છે. વર્ષ 2025માં પ્રયાગરાજમાં મહાકુંભ મેળો યોજાવા જઈ રહ્યો છે અને હાલ આ મેળાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ વખતે કુંભ મેળામાં 10 કરોડ શ્રદ્ધાળુઓ આવવાનો અંદાજ છે. દર 12 વર્ષમાં એકવાર મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે.
આ વખતે વર્ષ 2025માં 13 જાન્યુઆરી પોષ પૂર્ણિમાથી શરૂ થઈ રહેલો આ મેળો 26 ફેબ્રુઆરી મહાશિવરાત્રી વ્રત સુધી ચાલશે. મહાકુંભ મેળો પ્રયાગરાજમાં ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતી નદીના કિનારે યોજાશે. આ પહેલા વર્ષ 2013માં પ્રયાગરાજમાં મહાકુંભ મેળો યોજાયો હતો.