For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતઃ 5 મનપા અને 4 નગરપાલિકાઓ માટે રૂ. 710 કરોડની કરી ફાળવણી

12:55 PM Feb 07, 2025 IST | revoi editor
ગુજરાતઃ 5 મનપા અને 4 નગરપાલિકાઓ માટે રૂ  710 કરોડની કરી ફાળવણી
Advertisement

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નવી રચાયેલી મહાનગરપાલિકાઓને વહીવટી ક્ષમતાવર્ધન માટે રૂ. 208 કરોડ સહિત અન્ય પાંચ મહાનગરપાલિકાઓ અને ચાર નગરપાલિકાઓને શહેરી જનસુખાકારીના કામો માટે એક જ દિવસમાં કુલ 710 કરોડ રૂપિયા ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીનો આ નિર્ણય સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે શહેરી જનજીવન સુવિધા વૃદ્ધિ માટે નાણાં ફાળવવાનો એક સ્તુત્ય અભિગમ છે.

Advertisement

વિકાસ કામો માટે રૂ. 502 કરોડ ફાળવવામાં આવ્યા છે

નવરચિત આણંદ મહાનગરપાલિકાને રૂ. 45 કરોડ, મોરબીને રૂ. 80 કરોડ, નડિયાદને રૂ. 21.90 કરોડ, વાપીને રૂ. 21.50 કરોડ, નવસારી અને ગાંધીધામ મહાનગરપાલિકા પ્રત્યેકને રૂ. 20-20 કરોડ મળશે. આ ઉપરાંત, સુરત, રાજકોટ, જામનગર, વડોદરા અને ભાવનગર મહાનગરપાલિકાઓ તથા પાટણ, સિદ્ધપુર, વડગનર અને કડી નગરપાલિકાને આગવી ઓળખના કામો, આંતરમાળખાકીય સુવિધાના કામો, ખાનગી સોસાયટી જનભાગીદારી કામો સહિતના વિકાસ કામો માટે રૂ. 502 કરોડ ફાળવવામાં આવ્યા છે.

Advertisement

વહીવટી ક્ષમતાવર્ધન માટે રૂ. 12 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે

આ નવરચિત મહાનગરપાલિકાઓ નગરજનોની જન સુખાકારી માટેના કામો પણ ફુલ ફ્લેજ્ડ હાથ ધરી શકે તે માટે વહીવટી ક્ષમતાવર્ધન અને સાધન સામગ્રી સહિતની આંતરમાળખાકીય સુવિધા માટે છ મહાનગરપાલિકાઓ માટે 208 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ ફાળવણી અંતર્ગત આણંદ મહાનગરપાલિકામાં સિટી બ્યુટિફિકેશન અને સફાઈ કામગીરી માટે રૂ. 10 કરોડ, વહીવટી ક્ષમતામાં વધારો કરવાના કામો માટે રૂ. 10 કરોડ અને નવા ટાઉનહોલના નિર્માણ માટે રૂ. 25 કરોડ ફાળવવામાં આવ્યા છે. મોરબી મહાનગરપાલિકામાં સિટી બ્યુટિફિકેશન અને સફાઈ કામગીરી માટે રૂ. 12.20 કરોડ, મચ્છુ-2 સિંચાઈ યોજનાની નહેરને કોંક્રિટમાં ફેરવવા માટે રૂ. 55.80 કરોડ અને વહીવટી ક્ષમતાવર્ધન માટે રૂ. 12 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.

નવસારીને રૂ. 10 કરોડ અને ગાંધીધામને રૂ. 10 કરોડની મંજૂરી આપી

નડિયાદ મહાનગરપાલિકામાં વિવિધ સુવિધાઓ સભર સિટી બસ સ્ટેન્ડના નિર્માણ માટે રૂ. 1.89 કરોડ, સિટી બ્યુટિફિકેશન માટે રૂ. 10 કરોડ અને વહીવટી ક્ષમતાવર્ધન માટે રૂ. 10 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. વાપી, નવસારી અને ગાંધીધામ મહાનગરપાલિકામાં વહીવટી ક્ષમતાવર્ધન માટે પ્રત્યેકને રૂ. 10-10 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત વાપીમાં સિટી બ્યુટિફિકેશન અને સફાઈ કામગીરી માટે રૂ. 11.50 કરોડ, નવસારીને રૂ. 10 કરોડ અને ગાંધીધામને રૂ. 10 કરોડની મંજૂરી આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ સુરત, રાજકોટ, વડોદરા અને જામનગર તથા ભાવનગર મહાનગરપાલિકાઓને પણ આગવી ઓળખના કામો, ખાનગી સોસાયટી જનભાગીદારી કામો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કામો માટે નાણાં ફાળવણી કરી છે.

જીવનધોરણમાં સુધારો થાય તેવો અભિગમ રાખીને આ નાણાં ફાળવણી કરી

વડોદરા મહાનગરપાલિકાને વિવિધ કામો માટે રૂ. 26.42 કરોડ, સુરતને રૂ. 147.57 કરોડ, જામનગરને રૂ. 133.22 કરોડ અને રાજકોટને રૂ. 161 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, સિદ્ધપુર નગરપાલિકાને રૂ. 50.79 કરોડ, પાટણ નગરપાલિકાને રૂ. 16.98 કરોડ, વડનગર નગરપાલિકાને રૂ. 1.27 કરોડ અને કડી નગરપાલિકાને રૂ. 39.65 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરો-નગરોમાં વસવાટ કરતા નાગરિકોના જીવનધોરણમાં સુધારો થાય તેવો અભિગમ રાખીને આ નાણાં ફાળવણી કરી છે.

Advertisement
Tags :
Advertisement