ગુજરાતમાં હીટવેવને લીધે વધુ તાપમાનનો અહેસાસ, હવે ગરમીમાં આંશિક ઘટાડો થશે
- અસહ્ય ગરમીને લીધે પશુ-પંખી અને માનવ જીવનને અસર
- મહાનગરોમાં પણ બપોરના ટાણે રોડ-રસ્તા પર ટ્રાફિકમાં ઘટાડો
- મોટાભાગની શાળાઓના સમયમાં ફેરફાર કરાયો
અમદાવાદઃ ગુજરાતમાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો હતો, આજે રાજકોટ સહિત કેટલાક શહેરોમાં ગઈકાલ કરતા તાપમાનમાં એકાદ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. જો કે આ વખતે ગરમીની પેટર્ન એવી છે કે, 40 ડિગ્રી ગરમી હોય તો 43 કે 44 ડિગ્રી ગરમીનો લોકો એહેસાસ કરી રહ્યા છે. બપોરના ટાણે અસહ્ય ગરમીને કારણે ટ્રાફિકમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. પહેલા ગ્રામ્ય વિસ્તારોમાં રાતના સમયે ઠંકક અનુભવાતી હતી, પણ હવે રાતે પણ ગરમ પવન ફુંકાઈ રહ્યો છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે દિવસ તાપમાનમાં એકાથી બે ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.
ગુજરાતમાં લોકો આકરા ઉનાળો અનુભવી રહ્યા છે. ગઈકાલે રાજકોટમાં સીઝનનું રેકોર્ડબ્રેક સૌથી વધુ 45.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ હતુ. રાજકોટમાં 133 વર્ષમાં એપ્રિલનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. અન્ય શહેરોમાં પણ તાપમાન 42થી 43 ડિગ્રી નોંધાયું હતુ. આજે ગુરૂવારે કચ્છ અને રાજકોટમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના કહેવા મુજબ આજથી ત્રણ દિવસ મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે. ત્યારબાદ બેથી ચાર ડિગ્રી તાપમાન વધવાની આગાહી છે. આ સાથે તેમણે જણાવ્યું કે, આજે દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજ અને ગરમ પવન ફૂંકાશે.
હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ક્રોસ થઈ રહ્યું છે. આ સાથે પવનની દિશા બદલાતા હવામાનમાં ઘટાડો નોંધાશે. આ સાથે તેમણે અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. 24 કલાકમાં હવામાનમાં મોટા ફેરફાર થશે અને ગરમીનું પ્રમાણ ઘટી જશે. આ સાથે પવન અને ધૂળનું પ્રમાણ વધશે. ઉત્તર ગુજરાતના ભાગો 40થી 41 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.
આજે અમદાવાદ, અમરેલી, વડોદરા, ચાણસ્મા, ડીસા, દીયોદર, ગાંધીનગર, રાજકોટ, હિંમતનગર ,ભુજ અને પોરબંદર સહિતના 10 થી વઘુ શહેરોમાં ગરમીનો પારો 41થી 42 ડિગ્રી આસપાસ રહ્યો હતો. અમદાવાદ, સુરત, રાજકોટ, પોરબંદર, ભાવનગર, ભુજ, ડીસા અને ગાંધીનગર સહિતના 8 જેટલા શહેરોમાં બપોરના સમયે ગરમ પવન સાથે શહેરીજનો લૂથી હેરાન થઈ ગયા હતા.