ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના પ્રશ્નપત્રના પરિરૂપમાં ફેરફાર કરાશે
- ધોરણ 10 અને 12ના પ્રશ્નપત્રોમાં વિકલ્પ A અને B એમ બે ભાગ રહેશે,
- વિકલ્પ Aમાં ચિત્ર, આલેખ, ગ્રાફ, અને નકશા આધારિત પ્રશ્નોનો સમાવેશ થશે,
- વિદ્યાર્થીઓને ક્ષમતા અનુસાર પ્રશ્નોના જવાબ આપવાની તક મળશે
ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2026થી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાના પ્રશ્નપત્રના પરિરૂપમાં મોટો ફેરફાર કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં પ્રશ્નપત્રને લઈને થતી મૂંઝવણને દૂર કરવાનો છે. ખાસ કરીને સામાન્ય અને દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે હવેથી ધોરણ 10 અને 12ના પ્રશ્નપત્રોમાં વિકલ્પ A અને વિકલ્પ B એમ બે ભાગ રહેશે. વિકલ્પ A સામાન્ય વિદ્યાર્થીઓ માટે રહેશે અને તેમાં ચિત્ર, આલેખ, ગ્રાફ, અને નકશા આધારિત પ્રશ્નોનો સમાવેશ થશે. જ્યારે વિકલ્પ B ખાસ કરીને દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે હશે. આ પ્રશ્નો વિકલ્પ Aમાં આપેલા પ્રશ્નોના બદલે હશે અને દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે.
શિક્ષણ બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ ગત વર્ષે લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષામાં નિયમિત અને દ્રષ્ટિહીન બંને પ્રકારના વિદ્યાર્થીઓને એક જ પ્રશ્નપત્ર આપવામાં આવ્યું હતું. આ પ્રશ્નપત્રમાં દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટેના પ્રશ્નો પણ સમાવવામાં આવ્યા હતા, જે સામાન્ય વિદ્યાર્થીઓ માટે મૂંઝવણનું કારણ બન્યું. ઘણા વિદ્યાર્થીઓએ ભૂલથી દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટેના સરળ પ્રશ્નોના જવાબ લખ્યા હતા, જેના કારણે તેમને પરિણામમાં નુકસાન થયું હતું.
બોર્ડેના સૂત્રોના કહેવા મુજબ આ નવું સ્વરૂપ લાગુ કરવા પાછળનો મુખ્ય હેતુ પરીક્ષાનો માહોલ વધુ ન્યાયસંગત બનાવવાનો છે. આ ફેરફારથી કોઈ પણ વિદ્યાર્થીને ખોટી સમજૂતી નહીં થાય અને દરેકને પોતાની ક્ષમતા અનુસાર પ્રશ્નોના જવાબ આપવાની તક મળશે. બોર્ડ દ્વારા આ નવા નિયમો અને ફેરફારો વિશે વિદ્યાર્થીઓ અને વાલીઓને પૂરતી જાણકારી આપવામાં આવશે.આ નિર્ણયથી વિદ્યાર્થીઓને તેમની તૈયારી કરવામાં અને પરીક્ષામાં યોગ્ય પ્રશ્નોના જવાબ લખવામાં સ્પષ્ટતા મળશે.