કેન્દ્રિય નાણા મંત્રીએ રજુ કરેલા બજેટમાં ગુજરાતને કશુંયે મળ્યું નથીઃ શક્તિસિંહ ગોહિલ
- હીરા ઉદ્યોગ વ્યાપક મંદીમાં સપડાયો છે, છતાં કોઈ જ રાહત ન મળી
- 12 લાખની આવક પર ટેક્સ નહીં તો શરતો શા માટે મુકવામાં આવી?
- ગુજરાતના રેલવે, પોર્ટ અને દરિયા કિનારાના નક્કર વિકાસ માટેની કોઈ વાત બજેટમાં નથી.
અમદાવાદઃ કેન્દ્રીય બજેટ પર પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આજે કેન્દ્રીય બજેટ નાણામંત્રીશ્રીએ સંસદમાં રજૂ કર્યું. એક ગુજરાતી તરીકે મને પણ અપેક્ષા હતી અને તમામ ગુજરાતીઓને અપેક્ષા હતી કે જયારે “મોસાળમાં લગ્ન અને માં પીરસનાર હોય” ત્યારે આપણા ગુજરાત માટેની ખાસ વ્યવસ્થાઓ, ખાસ મદદ જરૂર રહેશે, પરંતુ આપણા માટે કશું જ નથી. હા, બિહારની ચૂંટણી આવે છે એટલે ત્યાં મખાના માટે મખાના બોર્ડ, પટનાના એરપોર્ટથી લઈને વારંવાર બિહાર બિહાર બિહાર આવ્યું છે, પરંતુ ગુજરાતમાં આપણો હીરા ઉદ્યોગ અનેક લોકોને રોજી આપતો ઉદ્યોગ એ મુશ્કેલીમાં છે એને મદદ કરવા માટે કોઈ નક્કર વાત નથી.
તેમણે કેન્દ્રિય બજેટ અંગે પ્રતિક્રિયા આપતા વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ટેક્સટાઇલ ઉદ્યોગમાં અનેક લોકો રોજગારી મેળવી રહ્યા છે. નાયલોન યાર્ન મોંઘુ થાય એવી પરિસ્થિતિ છે, આના વિશે કોઈ વાત નથી. એશિયાનું સૌથી મોટું શીપ બ્રેકીંગ યાર્ડ અલંગમાં છે, એના માટેની કોઈ સ્પેસિફિક વાત નથી. શીપ બિલ્ડીંગની વાત કરવામાં આવી છે, શીપ બ્રેકીંગ ઉદ્યોગ માટે નહીં અને શીપ બિલ્ડીંગ માટે પણ નક્કર રીતે જોઈએ તો કોઈ વસ્તુ નથી. બજેટમાં આવકવેરાને લઈને મોટી જાહેરાતો કરવામાં આવી. 12 લાખ રૂપિયાની આવક પર કોઈ ટેક્સ નથી એમ કહેવામાં આવે છે પણ હકીકત એ છે કે, તેમાં શરતો લાગુ પડશે, ઈન્કમટેક્ષના કાયદામાં 31 એમેન્ડમેન્ટ કરવાની જાહેરાત નાણાંમંત્રીએ કરી છે, જે લાગુ થયા બાદ જ ખબર પડશે કે 12 લાખની આવક ઉપર કેટલો ટેક્સ લાગશે ? જો સરકારની દાનત સાચી હોત તો 12 લાખ રૂપિયા સુધીની આવક કોઈપણ શરત વગર ટેક્સ ફ્રી કરી દેવી જોઈતી હતી. શા માટે શરતો લાગુ કરવામાં આવી ?
તેમણે કહ્યું હતું કે, બજેટમાં ચૂંટણીલક્ષી નહીં પ્રજાહિતની વાત હોવી જોઈએ. બજેટમાં રોજગારી વધારવાની કોઈ નક્કર વાત નથી. આજે યુવાનો સૌથી વધારે પરેશાન છે. ટેલેન્ટેડ યુવાન, મહેનત કરનાર યુવાનો માટે નોકરી નથી. નોકરીઓ વધે એ માટે કોઈ આયોજન બજેટમાં કરવામાં આવેલ નથી. જીએસટીનું ભારણ એટલું છે કે સવારથી રાત સુધી મહેનતકશ વ્યક્તિ કોઈપણ વપરાશની વસ્તુ લે તો એના ઉપર 28-28% ટેક્સ. ખેડૂત ખાતર લે કે ટ્રેક્ટર લે, તો એના પર પણ જીએસટી ટેક્સ, આ ટેક્સ ઘટાડવા માટેની કોઈ વાત કરવામાં આવી નથી. GSTના ભારણથી અને મોંધવારીથી સામાન્ય માણસ પરેશાન છે ત્યારે તેમાં કોઈ રાહત નથી. ગુજરાતના અનેક પ્રશ્નો રેલવે, પોર્ટ અને દરિયા કિનારાના નક્કર વિકાસ માટેની કોઈ વાત બજેટમાં નથી.