ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સની પ્રલિમ અને દ્વિતિય પરીક્ષા 16મી જાન્યુઆરીથી લેવાશે
- ધોરણ 9થી 11ની પ્રિલિમનરી પરીક્ષાની તારીખમાં પણ ફેરફાર નહીં
- JEE મેઈનની પરીક્ષા 22મીથી 31 જાન્યુઆરી દરમિયાન યોજાશે
- અગાઉ શિક્ષકોએ 12 સાયન્સ પ્રિલિમની પરીક્ષા તારીખમાં ફેરફારની માગ કરી હતી
ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ હેઠળની શાળાઓમાં ધોરણ 12ની પ્રિલિમ અને દ્વિતિય પરીક્ષા આગામી તા. 16મી જાન્યુઆરીથી લેવાશે. અગાઉ શાળાના શિક્ષકોએ ધોરણ 12 સાયન્સની પ્રિલિમ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા રજુઆત કરી હતી. જેઇઇ મેઇનની પરીક્ષા તારીખ 22મી, જાન્યુઆરીથી તારીખ 31મી, જાન્યુઆરી સુધી યોજવાની હોવાથી શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સની પ્રિલીમ અને દ્વિતીય પરીક્ષા હવેથી તારીખ 16મી, જાન્યુઆરીથી યોજાશે. જોકે અગાઉ પ્રિલીમ પરીક્ષા તારીખ 20મી, જાન્યુઆરીથી શરૂ થતી હતી. જ્યારે ધોરણ-9, 10 અને 11ની પ્રિલીમ પરીક્ષાની તારીખોમાં કોઇ જ ફેરફાર કરાયો નથી.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાબાની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ-2024-25 દરમિયાન શાળાકિય પ્રવૃત્તિઓની વિગતો દર્શાવતું શૈક્ષણિક કેલેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક કેલેન્ડરમાં ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓની શાળાકક્ષાએ લેવામાં આવતી પ્રિલીમ અને દ્વિતીય પરીક્ષાઓ તારીખ 20મી, જાન્યુઆરીથી તારીખ 28મી, જાન્યુઆરી સુધીમાં લેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે તેની વચ્ચે નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા જેઇઇ મેઇનની પરીક્ષા તારીખ 22મી, જાન્યુઆરીથી તારીખ 31મી, જાન્યુઆરી દરમિયાન યોજવાની હોવાથી હવે.ધોરણ-12 સાયન્સની પ્રલિમ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે.
ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ સહિતના સંગઠનો દ્વારા શિક્ષણ બોર્ડને અગાઉ રજુઆત કરી હતી. અને ધોરણ-12 સાયન્સની પ્રિલિમ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવાની માંગણી કરી હતી. આથી શિક્ષણ બોર્ડ દ્વારા આવેલી રજુઆતોના આધારે શિક્ષણ બોર્ડની કારોબારી સમિતિ સમક્ષ સમગ્ર બાબત મુકવામાં આવી હતી.
આથી શિક્ષણ બોર્ડની કારોબારી સમિતિએ ઠરાવ કરીને નિર્ણય લેવામાં આવ્યો છે કે શિક્ષણ બોર્ડની ધોરણ-12 સાયન્સની પ્રિલીમ પરીક્ષા તારીખ 16મી, જાન્યુઆરીથી તારીખ 21મી, જાન્યુઆરી-2025 સુધીમાં લેવાની રહેશે. જ્યારે ધોરણ-9, 10 અને 11ની પ્રિલિમ કે દ્વિતીય પરીક્ષાની તારીખોમાં શિક્ષણ બોર્ડ દ્વારા કોઇ જ ફેરફાર કરાયો નથી.