ગુજરાત બોર્ડના ધો. 10 અને 12 કોમર્સના પરીક્ષા ફોર્મ 2 ડિસેમ્બર સુધી ભરાશે
- ગુજરાત બોર્ડની તમામ પરીક્ષાઓ ફેબ્રુઆરીમાં યોજાશે,
- 88 લાખ વિદ્યાર્થીઓથી વધુ પરીક્ષા આપશે,
- ગુજકેટની પરીક્ષા 23મી માર્ચે લેવાશે
ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. પરીક્ષાના ફોર્મ ભરવાનો પ્રારંભ થયો છે. ધો.10 અને ધો. 12 સામાન્ય પ્રવાહની મુખ્ય જાહેર પરીક્ષાના ફોર્મ 30 નવેમ્બર સુધી ભરી શકાશે, જ્યારે ધો.12 વિજ્ઞાન પ્રવાહની મુખ્ય જાહેર પરીક્ષાના ફોર્મ 2 ડિસેમ્બર સુધી ભરી શકાશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 સાથે ધો.12 સામાન્ય પ્રવાહ અને ધો.12 વિજ્ઞાન પ્રવાહની મુખ્ય જાહેર પરીક્ષા ફેબ્રુઆરીમાં યોજાશે. ધો. 10 અને 12ની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થઈ 13 માર્ચ સુધી ચાલશે. ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવાને 3 મહિના બાકી રહ્યા છે, ત્યારે બોર્ડ દ્વારા પરીક્ષાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.
ધો.10ની પરીક્ષા માટે સુરતના 48 કેન્દ્રના 358 પરીક્ષા સ્થળની પસંદગી કરાઈ છે.જેમાં 1,10, 280 વિદ્યાર્થીઓ બેસી શકે તે પ્રકારની વ્યવસ્થા કરાઈ છે . તેવી જ રીતે ધો.12 સામાન્ય પ્રવાહમાં 26 કેન્દ્રોની 181 પરીક્ષા સ્થળ પસંદગી કરાઈ છે અને તેમાં 58,860 વિદ્યાર્થીઓ બેસી શકે તેમજ ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં 10 કેન્દ્રોના 81 પરીક્ષા સ્થળ પર 19,100 વિદ્યાર્થીઓ બેસી શકે તે પ્રકારની બેઠક વ્યવસ્થા તૈયાર કરાઈ છે. જો કે, તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવીથી સજ્જ છે. ધો.10 અને ધો. 12 સામાન્ય પ્રવાહની મુખ્ય જાહેર પરીક્ષાના ફોર્મ 30 નવેમ્બર સુધી ભરી શકાશે, જ્યારે ધો.12 વિજ્ઞાન પ્રવાહની મુખ્ય જાહેર પરીક્ષાના ફોર્મ 2 ડિસેમ્બર સુધી ભરી શકાશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઈજનેરી - ફાર્મસીમાં પ્રવેશ માટે લેવાતી ગુજકેટ 23મી માર્ચના રોજ લેવાશે. તા. 13 માર્ચના રોજ શિક્ષણ બોર્ડની પરીક્ષા પુર્ણ થયાના 10 દિવસ બાદ 23 માર્ચના રોજ ગુજકેટ લેવામાં આવશે. ગુજકેટ આ વખતે 112 પરીક્ષા સ્થળ પર 22,500 વિદ્યાર્થીઓ બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા કરાઈ છે.