ગુજરાતના બોર્ડ-નિગમના કર્મચારીઓને 7માં પગારપંચ મુજબ લઘુત્તમ પેન્શન મળશે
- ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણય,
- સાતમા પગારપંચ અનુસાર માસિક લઘુતમ પેન્શન રૂપિયા 9,000 સુનિશ્ચિત કરાયુ,
- 1લી ઓક્ટોબર-2025થી અમલ કરાશે
ગાંધીનગરઃ રાજ્ય સરકારના જાહેર સાહસો, બોર્ડ અને નિગમોમાં કાયમી ધોરણે સમાવિષ્ટ થયેલા કર્મચારીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકારના નાણા વિભાગે એક ઠરાવ પસાર કરીને આ કર્મચારીઓ માટે સાતમા પગારપંચ અનુસાર માસિક લઘુતમ પેન્શન રૂપિયા 9,000 સુનિશ્ચિત કર્યું છે. આ નિર્ણયનો અમલ 1ઓક્ટોબર 2025થી કરવામાં આવશે.
રાજ્ય સરકારમાંથી જાહેર સાહસો (બોર્ડ અને કોર્પોરેશન)માં કાયમી ધોરણે સમાવિષ્ટ થયેલા કર્મચારીઓને લઈને હાલ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારે સાતમા પગાર પંચના અનુસંધાનમાં લઘુત્તમ પેન્શન મળવાની સુવિધા એબ્સોર્બ પેન્શનરોને પણ લાગુ કરવાનો ઠરાવ જાહેર કર્યો છે. આ નિર્ણયના પગલે હજારો પેન્શનરોને ન્યાય મળી રહેશે અને તેમના માસિક આવકમાં વધારો થશે. નાણા વિભાગ દ્વારા જારી કરાયેલા ઠરાવની પ્રસ્તાવનામાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે રાજ્ય સરકારમાંથી જાહેર સાહસોમાં કાયમી ધોરણે સમાવિષ્ટ થયેલા કર્મચારીઓને સાતમા પગારપંચ મુજબ લઘુતમ પેન્શન ચૂકવવા અંગેની બાબત સરકારની સક્રિય વિચારણા હેઠળ હતી. અગાઉ, રાજ્ય સરકારના અન્ય પેન્શનરોને સાતમા પગારપંચનો લાભ આપવામાં આવ્યો હતો અને આ 'એબ્સોર્બ' થયેલા પેન્શનરો માટે અલગથી હુકમ કરવાની જોગવાઈ રાખવામાં આવી હતી.
સૂત્રોના કહેવા મુજબ રાજ્યના વિવિધ કર્મચારી મંડળો તરફથી મળેલી રજૂઆતો તેમજ ભારત સરકાર દ્વારા સમાન પ્રકારના કર્મચારીઓ માટે જાહેર કરાયેલી સૂચનાઓને ધ્યાનમાં લેતા, જે 'એબ્સોર્બ' પેન્શનરો લઘુતમ પેન્શન કરતાં ઓછી રકમ મેળવી રહ્યા હતા, તેમને રાહત આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. સરકારના આ ઠરાવ મુજબ, જે કર્મચારીઓ રાજ્ય સરકારની સેવામાંથી જાહેર સાહસો, બોર્ડ કે કોર્પોરેશનમાં કાયમી રીતે સમાવિષ્ટ થયા છે અને સાતમા પગારપંચના અમલ છતાં માસિક રૂપિયા 9,000 કરતાં ઓછું પેન્શન મેળવી રહ્યા છે, તે તમામને હવે લઘુતમ રૂપિયા 9,000 પેન્શન ચૂકવવામાં આવશે. આ લાભ તારીખ 1 ઓક્ટોબર 2025થી રોકડમાં મળશે, જ્યારે તે પહેલાના સમયગાળા માટે આ લાભની ગણતરી 'નોશનલ' ગણવામાં આવશે