ગુજરાત બોર્ડનું ધોરણ 12 અને ગુજકેટનું પરિણામ કાલે સોમવારે સવારે 10.30 વાગ્યે જાહેર કરાશે
- બોર્ડની વેબસાઈટ gseb.org પર વિદ્યાર્થીઓ પરિણામ મેળવી શકશે
- WhatsApp Number-6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પણ પરિણામ મેળવી શકશે,
- ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ એકસાથે જાહેર કરાશે
અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત ફેબ્રુઆરીમાં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે સવારે 10.30 વાગ્યે જાહેર થશે. આ અંગે શિક્ષણમંત્રી કુબેરસિંહ ડિંડોરે એક્સ પર પોસ્ટ કરી માહિતી આપી હતી.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત ફેબ્રુઆરી 2025માં લેવાયેલી. ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ આવતીકાલે તા 5 મેને સોમવારે સવારે 10:30 વાગ્યે જાહેર થશે. જેની જાહેરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કરી છે. તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ-2025 અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષાનું પરિણામ તા.5/5/2025 ના રોજ સવારે 10:30 કલાકે જાહેર કરવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવાયું છે કે, ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, GUJCET-2025 અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તારીખ 05/05/2025 ના રોજ સવારના 10:30 કલાકે જાહેર કરવામાં આવશે.
વિદ્યાર્થીઓએ પરિણામ મેળવવા માટે બોર્ડની વેબસાઈટ પર પરીક્ષાનો બેઠક ક્રમાંક (Seat Number) Enter કરી મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number-6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પણ પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને SR શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિધ્ધ કરવામાં આવશે તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે.