ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ કાલે ગુરૂવારે જાહેર કરાશે
- ધો. 10નું પરિણામ, વોટ્સએપ નંબર 6357300971 પર પણ જાણી શકાશે
- ધોરણ 10નું પરિણામ બોર્ડની વેબસાઈટ પર સવારે 8 વાગ્યે જાહેર કરાશે
- રાજ્યના શિક્ષણ મંત્રીએ X પર પોસ્ટ કરીને આપી માહિતી
ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના ગત ફેબ્રુઆરીમાં લેવાયેલી ધોરણ 10નું પરિણામ આવતીકાલે તા 8 મે 2025ને ગુરૂવારે સવારે 08:00 કલાકે જાહેર કરાશે. જેની જાહેરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કરી છે. તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલ ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ તા.08/05/2025ના રોજ સવારે 08.00 કલાકે જાહેર કરવામાં આવશે.
શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10ની બોર્ડ પરીક્ષાના પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે. લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓની આતુરતાનો અંત આવ્યો છે, કારણ કે ગુજરાત બોર્ડે ધોરણ 10નું પરિણામ આવતીકાલે 8 મે, 2025ના રોજ જાહેર કરવાની જાહેરાત કરી છે. આ પરિણામ સવારે 8 વાગ્યે સત્તાવાર વેબસાઈટ www.gseb.org પર ઉપલબ્ધ થશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષાઓ 27 ફેબ્રુઆરી, 2025થી 13 માર્ચ, 2025 દરમિયાન યોજાઈ હતી. આ વર્ષે લગભગ 9 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો. પરીક્ષાની ઉત્તરવહીઓની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, અને હવે બોર્ડે પરિણામ જાહેર કરવાની તારીખ પણ જાહેર કરી દીધી છે.
શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, 'ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલ ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ તા.૦૮/૦૫/૨૦૨૫ ના રોજ સવારે ૦૮.૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ http://gseb.org પર પોતાનો બેઠક ક્રમાંક(Seat Number) Enter કરી મેળવી શકશે'