For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાત બોર્ડનું ધોરણ 10 અને 12ની પરિણામ નીટની પરીક્ષા બાદ જાહેર કરાશે

05:51 PM Apr 30, 2025 IST | revoi editor
ગુજરાત બોર્ડનું ધોરણ 10 અને 12ની પરિણામ નીટની પરીક્ષા બાદ જાહેર કરાશે
Advertisement
  • ધોરણ 10 અને 12ની ઉત્તરવહીઓના મૂલ્યાંકનનું કામ પૂર્ણ
  • ડેટા એન્ટ્રીનું કામ પણ પૂર્ણ કરી દેવાયું
  • હવે ટૂક સમયમાં પરિણામ જાહેર કરાશે

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ગત ફેબ્રુઆરીમાં લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કાર્ય પૂર્ણ થઈ ગયા બાદ ડેટા એન્ટ્રીનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. હવે સરકાર તરફથી ગ્રીન સિગ્નલ મળે એટલે પરિણામની તારીખ જાહેર કરવામાં આવશે. જ્યારે બોર્ડના અધિકારીઓના કહેવા મુજબ ધોરણ 10 અને 12ની પરીક્ષાનું પરિણામ NEET યુજીની પરીક્ષા બાદ જાહેર કરવામાં આવશે. આગામી તારીખ 04 મેના રોજ દેશભરમાં NEET યુજીની પરીક્ષા યોજાશે. ત્યારે વિદ્યાર્થીઓ નીટ પહેલા પરિણામના તણાવમાં ન આવે, પરીક્ષા ખરાબ ન થાય તેથી પરિણામ જાહેર કરવામાં વિલંબ થઇ રહ્યો છે. બોર્ડ દ્વારા પરિણામ બનાવવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.

Advertisement

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ગત ફેબ્રુઆરીમાં લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાનું પરિણામ જાહેર થવાની વિદ્યાર્થીઓ અને વાલીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વર્ષે પ્રથમ વખત પરીક્ષા ફેબ્રુઆરીમાં શરૂ થઈ હોવા છતાં, પરિણામમાં વિલંબ થઈ રહ્યો છે, પરંતુ ગુજરાત બોર્ડ 4 મેના રોજ યોજાનારી નીટની પરીક્ષા બાદ પરિણામ જાહેર કરી શકે છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં રાજકોટમાં ધોરણ 10 અને 12ના કુલ 76,312 વિદ્યાર્થીઓ અને સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 3,57,013 વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા માટે નોંધાયા હતા. ધોરણ 10 અને 12 સાયન્સની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી અને ધો.12 કોમર્સની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી લેવાઈ હતી. જિલ્લામાં દરેક પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવીના માધ્યમથી દેખરેખ રખાઈ હતી. બોર્ડ દ્વારા પેપર મૂલ્યાંકન બાદ હવે પરિણામ બનાવવાની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.

ધોરણ 12 સાયન્સ પછી મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથીમાં પ્રવેશ માટે આગામી 4 મેના રોજ નીટ (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) યોજાશે.. હાલમાં ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ નીટની છેલ્લી ઘડીની તૈયારીમાં વ્યસ્ત છે. આવી પરિસ્થિતિમાં, જો ધોરણ 12 સાયન્સની બોર્ડ પરીક્ષા અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવે તો તેની સીધી અસર વિદ્યાર્થીઓની નીટની તૈયારી પર પડી શકે છે. મેડિકલ પ્રવેશ સંપૂર્ણપણે નીટના પરિણામ પર આધારિત હોવાથી, વિદ્યાર્થીઓ નીટ પહેલા બોર્ડના પરિણામના તણાવમાં ન આવે અને તેમની નીટની પરીક્ષા ખરાબ ન થાય તે માટે ધોરણ 12 સાયન્સનું બોર્ડ પરિણામ હવે 4 મે પછી એટલે કે નીટની પરીક્ષા બાદ જાહેર થવાની શક્યતા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement