For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતઃ ભૂપેન્દ્ર પટેલે 7 વિભાગના મહત્વના 32 પ્રોજેક્ટની સમીક્ષા કરી

02:39 PM Jul 31, 2025 IST | revoi editor
ગુજરાતઃ ભૂપેન્દ્ર પટેલે 7 વિભાગના મહત્વના 32 પ્રોજેક્ટની સમીક્ષા કરી
Advertisement

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટની સમીક્ષા બેઠકના ત્રીજા ઉપક્રમમાં રાજ્ય સરકારના વિવિધ 7 વિભાગોના કુલ 1 લાખ 74 હજાર કરોડના 32 પ્રોજેક્ટ્સમાં થયેલી કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં સંબંધિત વિભાગના વરિષ્ઠ સચિવોએ તેમના વિભાગોના હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટમાં અત્યાર સુધી થયેલી કાર્યવાહી અને આગામી આયોજનની વિસ્તૃત વિગતો આપી હતી. મુખ્યમંત્રીએ આ સમીક્ષા દરમિયાન સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનું જે વિઝન આપ્યું છે તેને અનુરૂપ વિકસિત ગુજરાતના નિર્માણ માટે આ બધા જ વિકાસલક્ષી પ્રોજેક્ટ ઇન્ટીગ્રેટેડ એન્ડ હોલિસ્ટિક ડેવલપમેન્ટના દિશાસૂચક છે. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, પ્રોજેક્ટ નિશ્ચિત સમય મર્યાદામાં અને ગુણવત્તાયુક્ત કામો સાથે પૂરાં થાય એટલું જ નહિં, પ્રોજેક્ટમાં થતા વિલંબથી નાણાંકીય ભારણ વધે નહીં તે પણ સુનિશ્ચિત થાય તે જરૂરી છે.

Advertisement

મુખ્યમંત્રીએ મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટમાં જમીન સંપાદનનું વળતર ખેડૂતોને ચૂકવવાની કામગીરી ઓગસ્ટ-2025 સુધીમાં પૂર્ણ કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા હતા. કચ્છના ખાવડામાં આકાર લઈ રહેલા 30 ગીગાવોટના હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કની 64 ટકા કામગીરી પૂર્ણ થઈ છે અને 6862 મેગાવૉટના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ કાર્યરત થયા છે. એટલું જ નહિ, ડિસેમ્બર-2026 સુધીમાં RE પાર્ક પૂર્ણ કરવાના આયોજન સાથે આગળ વધવાની ઊર્જા વિભાગની કામગીરીની સમીક્ષા પણ મુખ્યમંત્રીએ કરી હતી. લોથલમાં ભારત સરકાર દ્વારા નિર્માણાધીન નેશનલ મેરિટમ હેરિટેજ કોમ્પ્લેક્સની પ્રગતિ સંદર્ભમાં આ સમીક્ષા બેઠકમાં બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકારે 400 એકર જમીન ફાળવણી, પાણી પુરવઠાની પાઇપલાઇન, વીજ પુરવઠાની ટ્રાન્સમિશન લાઈન અને સરગવાડાથી પ્રોજેક્ટ સાઈટ સુધીનો રસ્તો ચાર-માર્ગીય કરવાની કાર્યવાહી પૂર્ણ કરી છે. આ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બસ મથક, પોલીસ સ્ટેશન, સ્ટેટ પેવેલિયનની કામગીરી પ્રગતિમાં છે તથા ટુરિઝમ સરકીટનું આયોજન પ્રારંભિક તબક્કે છે તેની વિગતો આપવામાં આવી હતી.

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ફેઈઝ 1 થી 6 અન્વયે વાસણા બેરેજથી લઈને ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન સુધીની તબક્કાવાર હાથ ધરાનારી કામગીરીની વિગતો સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના અધ્યક્ષ શ્રી આઈ.પી.ગૌતમે આપી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સુરતમાં નિર્માણ થઈ રહેલા ડ્રીમ સિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સહિતનો જે માસ્ટર પ્લાન રાજ્ય સરકારમાં સબમિટ કરવામાં આવ્યો છે તે સંદર્ભમાં આ બેઠકમાં ચર્ચા-પરામર્શ કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં શ્રમ અને રોજગાર વિભાગના પ્રોજેક્ટની સમીક્ષા દરમિયાન કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સિટીના બાંધકામ અને તેને સંલગ્ન બાબતોની સમીક્ષા કરીને મુખ્યમંત્રીએ સમગ્ર કામગીરી ત્વરાએ પૂર્ણ કરી દેવા સૂચન કર્યું હતું.

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બધા જ હાઈ પ્રાયોરિટી પ્રોજેક્ટ્સમાં ક્વોલિટી એસ્યોરન્સને તથા ટાઈમલાઈનને અગ્રતા આપવાની સંબંધિત સચિવોને જરૂરી સૂચનાઓ આપી હતી.મુખ્ય સચિવ પંકજ જોશી, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, પ્રોજેક્ટ્સ સંબંધિત વિભાગોના અધિક મુખ્ય સચિવઓ, મુખ્યમંત્રીના સલાહકાર એસ.એસ.રાઠૌર, વિભાગોના અગ્ર સચિવઓ અને મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ મતી અવંતિકા સિંઘ તથા સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ સમીક્ષા બેઠકમાં સહભાગી થયા હતા.

Advertisement
Tags :
Advertisement