ગુજરાત ATSએ પાકિસ્તાન સાથે સંપર્ક ધરાવતા બે જાસુસોને ગોવા અને દમણથી દબોચી લીધા
- બન્ને જાસુસો સંવેદનશીલ વિસ્તારોની માહિતી પાકિસ્તાન પહોંચાડતા હતા
- નિવૃત્ત આર્મી સુબેદાર અજયકુમાર અને મહિલા એજન્ટ રાશમની પાલની ધરપકડ
- મહિલા એજન્ટ દ્વારા સૈનાના જવાનોને ફસાવાતા હતા
અમદાવાદઃ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોર્ડ (ATS) એ પાકિસ્તાનને સંવેદશીલ વિસ્તારોની માહિતી પહોંચાડતા બે જાસુસોને દબોચી લઈને જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ગોવાથી રશ્મિન રવીન્દ્ર પાલ નામની મહિલા અને દમણમાંથી એ.કે. સિંહ નામની વ્યક્તિની એટીએસએ ધરપકડ કરી છે. ATS દ્વારા બન્ને આરોપીઓની પૂછતાછ કરવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ ટેક્નિકલ અને ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સના આધારે પાકિસ્તાન ઇન્ટેલિજન્સ એજન્સી (PIO) દ્વારા સંચાલિત એક મોટા દેશ વિરોધી જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશનમાં ગુજરાત ATSએ ગોવામાંથી એક નિવૃત્ત આર્મી સુબેદાર અજયકુમાર સુરેન્દ્રસિંહ અને દમણમાંથી એક મહિલા એજન્ટ રાશમની રવિન્દ્ર પાલની ધરપકડ કરી છે.
એટીએસ દ્વારા પ્રાથમિક તપાસમાં એવી હકિકતો મળી છે કે, પીઆઈઓ (પાકિસ્તાન ઇન્ટેલિજન્સ એજન્સી) હેન્ડલરો સોશિયલ મીડિયા પર ખોટી ઓળખનો ઉપયોગ કરીને ભારતીય સુરક્ષા દળોના જવાનોને ફસાવતા હતા. પીઆઈઓએ અંકિતા શર્માના ખોટા નામ હેઠળ નિવૃત્ત આર્મી સુબેદાર અજયકુમાર સિંહ સાથે 2022માં તેમના દીમાપુર પોસ્ટીંગ દરમિયાન સંપર્ક કર્યો હતો. અજયકુમારે પીઆઈઓને આર્મીના યુનિટ, પોસ્ટિંગ, મુવમેન્ટ, અધિકારીઓની બદલીઓ વગેરે જેવી સંવેદનશીલ માહિતી નાણાકીય લાભના બદલામાં શેર કરી હતી. પાકિસ્તાન ઇન્ટેલિજન્સ એજન્સીએ અજયકુમારના મોબાઇલમાં ટ્રોઝન માલવેર ફાઇલ પણ મોકલી હતી. આ માલવેર ઇન્સ્ટોલ થવાથી પાકિસ્તાન ઇન્ટેલિજન્સ એજન્સીના હેન્ડલરો વોટ્સએપ વગર પણ તેના ડેટાનો સીધો એક્સેસ મેળવી શકે તેમ હતા.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, દમણ ખાતે રહેતી રાશમની રવિન્દ્ર પાલ આ નેટવર્કમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતી હતી. તે પાકિસ્તાની હેન્ડલરો અબ્દુલ સત્તાર અને ખાલીદ માટે એક મહત્ત્વપૂર્ણ માધ્યમ તરીકે કામ કરતી હતી. નાણાકીય લાભના બદલામાં, રાશમનીને 'પ્રિયા ઠાકુર' નામની ખોટી ઓળખ બનાવીને ભારતીય આર્મીના જવાનો સાથે મિત્રતા કરવા અને ગુપ્ત માહિતી મેળવવાની સૂચના આપવામાં આવી હતી. હેન્ડલરોએ રાશમનીને આર્મીની અમુક યુનિટ્સના યુદ્ધ અભ્યાસ અને મુવમેંટ અંગે ખાસ તપાસ કરવા જણાવ્યું હતું.
એટીએસની તપાસમાં આરોપીઓના મોબાઈલમાંથી આંતરરાષ્ટ્રીય નંબરોથી વોટ્સએપ કોલ અને નાણાકીય વ્યવહારોની વિગતો મળી આવી છે. IP એડ્રેસની ચકાસણીમાં મોટો ઘટસ્ફોટ થયો છે કે આ જાસૂસી નેટવર્કના મુખ્ય હેન્ડલરો પાકિસ્તાનથી ઓપરેટ કરતા હતા (મુલ્તાન, સરગોધા અને લાહોર).
ગુજરાત એટીએસની ટીમે અન્ય રાજ્યની એજન્સીઓની મદદથી 3-12-2025ના રોજ આ બંને આરોપીઓ સામે કલમ 61 અને 148 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાવતરામાં સંડોવાયેલા અન્ય ઇસમો સામે પણ વધુ તપાસ ચાલુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત ATSએ છેલ્લા 4 મહિનામાં 7 લોકોને દેશવિરોધી પ્રવૃત્તિ કરતાં તત્વોને ઝડપી લીધા છે, જેમાં 7 નવેમ્બર, 2025એ અમદાવાદની રેકી કરનાર 3 આતંકવાદી આઝાદ શેખ, ડૉ. અહેમદ મોહ્યુદ્દીન સૈયદ જીલાની અને મોહમ્મદ સુહેલ તથા 4 મહિના પહેલાં અલકાયદા સાથે જોડાયેલા ચાર લોકોની ધરપકડ કરી હતી. આ ચારમાં બે વ્યક્તિ ગુજરાતની અમદાવાદ અને મોડાસાની છે, જ્યારે બે વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનું સામે આવ્યું હતું.