For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાત પંચાયતી વિકાસમાં મોખરે: PAI ઇન્ડેક્સમાં દેશમાં પ્રથમ ક્રમ

06:34 PM Apr 09, 2025 IST | revoi editor
ગુજરાત પંચાયતી વિકાસમાં મોખરે  pai ઇન્ડેક્સમાં દેશમાં પ્રથમ ક્રમ
Advertisement

ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હંમેશાં દેશના ગ્રામ્ય વિસ્તારોના વિકાસ પર ભાર મૂક્યો છે. દેશના તમામ ગામડાંઓ સ્વચ્છ અને આધુનિક બને અને છેવાડાના માનવી સુધી વિકાસના લાભો પહોંચે તે દિશામાં તેમના પ્રયાસો રહ્યા છે, જેની શરૂઆત તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કરી હતી. મુખ્યમંત્રી તરીકેના નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન ગુજરાતના ગામડાઓના વિકાસની યાત્રા શરૂ થઈ હતી અને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે ફરી એકવાર ગ્રામીણ સ્તરે વિકાસ અને ટકાઉ શાસન પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરી છે.

Advertisement

ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રથમ પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ (PAI) 2022-23માં ગુજરાત ફરી એકવાર ટોચના રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ આ ઇન્ડેક્સ હેઠળ, દેશના 29 રાજ્યોની 2.16 લાખ ગ્રામપંચાયતોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતની 346 ગ્રામપંચાયતોને ‘ફ્રન્ટ રનર’ કેટેગરીમાં સ્થાન આપવામાં આવ્યું છે, જે દેશમાં સૌથી વધુ છે.

આ સિદ્ધિ સાથે ગુજરાત દેશના અન્ય રાજ્યો માટે એક રાષ્ટ્રીય માપદંડ સ્થાપિત કરે છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગ્રામીણ પરિવર્તન પ્રત્યેની રાજ્યની મજબૂત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

Advertisement

પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ (PAI) એ ભારત સરકાર દ્વારા ડેટા-આધારિત શાસન સંચાલિત કરવા તેમજ ગ્રામ્ય સ્તરે 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) એટલે કે ટકાઉ વિકાસ લક્ષ્યાંકો હાંસલ કરવાને પ્રોત્સાહન આપવા માટેની એક સીમાચિહ્નરૂપ પહેલ છે. આ ઇન્ડેક્સ હેઠળ મૂલ્યાંકન માટે, ગરીબીમાં ઘટાડો, આરોગ્ય, શિક્ષણ, પર્યાપ્ત પાણી પુરવઠો, સ્વચ્છ પર્યાવરણ, માળખાગત સુવિધા, સામાજિક ન્યાય, શાસન અને મહિલા સશક્તિકરણ જેવા નવ મહત્વપૂર્ણ થીમોમાં 435 જેટલા યુનિક સ્થાનિક સૂચકાંકોનો ઉપયોગ કરવામાં આવે છે.

PAI માં ગુજરાતનું શાનદાર પ્રદર્શન રાજ્યના સમાવિષ્ટ અને ટકાઉ ગ્રામીણ વિકાસના મોડેલને ઉજાગર કરે છે, જેમાં ગ્રામ પંચાયતોને આત્મનિર્ભર અને ભવિષ્ય માટે તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ટોચનું પ્રદર્શન કરનાર રાજ્યોની યાદીમાં ગુજરાત પછી તેલંગણા (270 ગ્રામપંચાયતો) બીજા સ્થાને અને ત્રિપુરા (42 ગ્રામપંચાયતો) ત્રીજા સ્થાને છે.

મૂલ્યાંકન કરવામાં આવેલ કુલ 2.16 લાખ ગ્રામપંચાયતોમાં,

•    699 ગ્રામપંચાયતોને ‘ફ્રન્ટ રનર’ તરીકે સ્થાન આપવામાં આવ્યું (સ્કોર 75-90)
•    77,298 ગ્રામપંચાયતોને પર્ફોર્મર તરીકે સ્થાન આપવામાં આવ્યું (સ્કોર 60-75)
•    1,32,392 ગ્રામપંચાયતોને મહત્વાકાંક્ષી તરીકે સ્થાન આપવામાં આવ્યું (સ્કોર 40-60)
•    5896 ગ્રામપંચાયતોને શિખાઉ તરીકે સ્થાન આપવામાં આવ્યું (સ્કોર 40 થી ઓછો)

 SDG ને સુસંગત નવ  થીમોમાં નીચેનાનો સમાવેશ થાય છે:

1. ગરીબીમુક્ત અને આજીવિકામાં વધારો કરનારી પંચાયત
2. સ્વસ્થ અને તંદુરસ્ત પંચાયત
3. બાળકોને અનુકૂળ પંચાયત
4. પર્યાપ્ત પાણી પુરવઠો ધરાવતી પંચાયત
5. સ્વચ્છ અને હરિત પંચાયત
6. સ્વ-નિર્ભર માળખાગત સુવિધાઓ ધરાવતી પંચાયત
7. સામાજિક ન્યાય અને સામાજિક સુરક્ષા સાથેની પંચાયત
8. સુશાસન ધરાવતી પંચાયત
9. મહિલાઓને અનુકૂળ પંચાયત

પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ પાયાના સ્તરે વિકાસલક્ષી અંતરોની ઓળખ કરવા અને દરેક પંચાયત પુરાવા-આધારિત, લક્ષિત નીતિગત હસ્તક્ષેપો દ્વારા ટકાઉ વિકાસ લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધે તે સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ સાધન બનશે તેવી અપેક્ષા છે.

Advertisement
Tags :
Advertisement