નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસર, રાજ્યનું જાહેર દેવું ઘટીને 15.34 ટકા થયુ
ગાંધીનગરઃ રાજ્યવિત્તીય ખાદ્યને નિયંત્રિત કરવામાં ગુજરાત સફળ બન્યું છે. રાજ્યમાં વર્ષ 2000-01 માં જાહેર દેવું GSDPના 23.86 ટકા હતુ. જે ઉત્તરોત્તર ઘટીને વર્ષ 2023-24ના સુધારેલા અંદાજ મુજબ 15.34 ટકા થયું છે.
નાણાકીય વ્યવસ્થાપનમાં છેલ્લા બે દાયકાથી સમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. ગુજરાત દેશનું રોલ મોડલ તેમજ આર્થિક એન્જિન રહ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને નાણા મંત્રી કનુભાઈ દેસાઈના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા વિકાસલક્ષી ખર્ચ નિયત મર્યાદામાં રહીને જ કરવામાં આવ્યા. ગુજરાત સરકાર દ્વારા ઉંચો વૃદ્ધિદર હાંસલ કરવા માટે મૂડી ખર્ચમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતું જાહેર દેવું રાજ્યના વિકાસને વધુ વેગવંતુ બનાવવા તેમજ મૂડી ખર્ચ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. નાણાકીય વર્ષ 2022-23ની સરખામણીમાં, નાણાકીય વર્ષ 2023-24માં 65 ટકાનો અને નાણાકીય વર્ષ 2024-25માં 40 ટકાનો મૂડી ખર્ચમાં વધારો કરવામાં આવ્યો છે તેમ, નાણા વિભાગની યાદીમાં જણાવાયું છે.
વધુમાં, વર્ષ 2005માં ગુજરાત નાણાકીય જવાબદારી અધિનિયમને રાજય સરકારે અમલી બનાવ્યો છે. જે અન્વયે રાજયના ઘરગથ્થુ ઉત્પાદનના પ્રમાણમાં જાહેર દેવું 27.10 ટકાથી નીચે રહેવું જોઇએ. વર્ષ 2000-01માં તે સમયનું જાહેર દેવું GSDP ના 23.86 ટકા હતું. જેમાં ઉત્તરોત્તર ઘટાડો લાવીને નાણાકીય વર્ષ 2023-24ના સુધારેલા અંદાજોમાં 15.34ટકા તેમજ નાણાકીય વર્ષ 2024-25ના અંદાજોમાં 15.27 ટકા સૂચવવામાં આવ્યું છે. રાજ્યના અસરકારક નાણાકીય સંચાલનના પરિણામે, COVID-19ના વર્ષને બાદ કરતા, આ પ્રમાણ સતત ઘટતું રહ્યું છે. GSDPના પ્રમાણમાં જાહેરદેવાના ગુણોત્તર મુજબ ગુજરાત સમગ્ર દેશમાં બીજા સૌથી નીચા સ્થાને છે જે રાજ્ય સરકારનું યોગ્ય નાણાકીય વ્યવસ્થાપન દર્શાવે છે.