ગુજરાતઃ બે મહિનામાં એસટી બસની 24 લાખથી વધારે ટ્રીપમાં 9 કરોડ પ્રવાસીઓએ કરી મુસાફરી
ગાંધીનગરઃ કુદરતી આપદા જેમ કે ભારે વરસાદ પૂર જેવી પરિસ્થિતિઓમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ-GSRTCની બસ મુસાફરોને સમયસર અને સલામત રીતે પોતાના ગંતવ્ય સ્થળે પહોંચાડવા માટે કટિબદ્ધ રહી છે. હાલ ચાલુ વર્ષે ચોમાસાની ઋતુમાં તા.1 જૂન 2025થી લઈને અત્યારસુધી એટલે કે, 30 જૂલાઈ 2025 સુધીમાં રાજ્યના 125 એસ.ટી ડેપોમાંથી 24 લાખથી વધુ ટ્રીપો પૂર્ણ કરીને 9 કરોડથી વધુ મુસાફરોને નિગમની બસો દ્વારા તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોચાડ્યા છે.
રાજ્યમાં જૂન માસમાં ભારે વરસાદ દરમિયાન સૌરાષ્ટ્રના ભાવનગર અને બોટાદ જિલ્લાની ફક્ત 1.40% ટ્રીપો રદ થઇ હતી. જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત અને તાપી જિલ્લાની 1.60% ટ્રીપો રદ કરવામાં આવી હતી. જુલાઈ માસમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં થયેલ ભારે વરસાદથી 0.64% ટ્રીપો રદ કરવામાં આવી હતી. આ રદ થયેલ ટ્રીપો માત્ર ત્રણ દિવસમાં નિગમે પુન: કાર્યરત કરી હતી.
નાગરિકોને બસ સ્ટેશન અને ડેપોથી લઈને પોતાની મુસાફરી પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની હાલાકી ન રહે તે બાબતની ચિંતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી કરી રહ્યા છે. જેના ભાગરૂપે ગુજરાતમાં એસ.ટી નિગમની સ્લીપર, વોલ્વો, મિનીબસ સહિતની અન્ય બસો આજે ટેક્નોલોજીયુક્ત અને BS-6 પ્રકારની છે. પર્યાવરણને નુકશાન ન થાય તે માટે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનર શીપ ધોરણે 50 મીની ઇલેક્ટ્રિક બસો તેમજ નિગમની 05 ડબલ ડેકર બસ મળીને કુલ 55 ઇલેક્ટ્રિક બસો હાલ ગુજરાતમાં કાર્યરત છે.
ગુજરાત એસ.ટી. નિગમ માત્ર વાહન ચલાવવાનું કામ નથી કરતું, પરંતુ તે રાજ્યના નાગરિકોની જીવનશૈલીનું એક અવિભાજ્ય અંગ બની ગયું છે. નિગમની બસો દૈનિક સરેરાશ 32 લાખ કિલોમીટરનું અંતર કાપી, અંદાજે 37000 જેટલી ટ્રીપો દ્વારા 27 લાખથી વધુ મુસાફરોને પરિવહન સેવાઓ રાજ્યના નાગરિકોને આપી રહી છે. આ ઉપરાંત નિગમ દ્વારા દૈનિક 4.42 લાખ જેટલી ગ્રામીણ વિદ્યાર્થીનીઓને 100% ફ્રી વિનામૂલ્યે મુસાફરી કરવાની સુવિધા આપવામાં આવે છે. આમ દૈનિક 5.50 લાખ વિદ્યાર્થીઓને 82.50%ના રાહત દરે મુસાફરી કરાવવાનો લાભ આપવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓ, દૈનિક નોકરિયાત વર્ગ અને અન્ય મુસાફરોને પડતી મુશ્કેલીઓ માટે નિગમ સતત કાર્યરત રહી અસરકારક આયોજન કરી રહી છે. દર વર્ષે ચોમાસામાં એસ.ટી. નિગમના ડ્રાઇવર, કંડક્ટર તથા મિકેનિકલ સ્ટાફ દ્વારા વાહનોની તકનિકી તપાસ તથા માર્ગોની સ્થિતિને ધ્યાને લઈ રાજ્યમાં કાર્યરત એસ.ટી બસોની ટ્રીપોનું આયોજન તૈયાર કરવામાં આવે છે.