ગુજરાતઃ ભારે વરસાદને પગલે NDRF અને SDRF ની 32 ટીમો ડિપ્લોય કરાઈ
અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદને કારણે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. નદીઓના પાણી કાંઠા ઓળંગીને ગામડાંઓ તરફ વહી રહ્યાં છે. દરમિયાન રાજ્યના મુખ્ય સચિવ દ્વારા આજે જિલ્લા કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ મારફતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ સાથે જયંતી રવિ અને રાહત કમિશનર પણ હાજર રહ્યા હતા. જિલ્લાવાર હાલની પરિસ્થિતિની સમીક્ષા કરીને તાત્કાલિક પગલાં લેવા સૂચનાઓ આપવામાં આવી છે.
રાજ્ય સરકારે પૂરગ્રસ્ત વિસ્તારોમાં NDRFની 12 ટીમો અને SDRFની 20 ટીમો ડિપ્લોય કરી છે. લોકોને અનાવશ્યક બહાર ન નીકળવા અનુરોધ કરવામાં આવ્યો છે. તળાવ અને નદી કિનારા પાસે રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરાઈ છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને વરસાદની આગાહી પ્રમાણે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આવતીકાલે, તા. ૭ સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ તથા પાટણ, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર અને અરવલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા જણાવ્યું છે કે પૂર પરિસ્થિતિમાં લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ તંત્ર સજ્જ છે અને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.