ગુજરાતમાં જીએસટીની વર્ષ 2024-25ની આવક 1.36.748 કરોડથી વધુ
- ગુજરાતમાં GST કરદાતાની સંખ્યામાં 145 ટકાનો વધારો થયો,
- છેલ્લાં 8 વર્ષમાં કરદાતાઓની સંખ્યા વધીને 12.66 લાખને વટાવી ગઈ,
- જીએસટીની ગત વર્ષ કરતા રૂ. 11.579 કરોડ વધુ આવક
ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા વર્ષોમાં જીએસટી કરદાતોઓમાં ક્રમશઃ વધારો થતા જીએસટીની આવક પણ વધતા જાય છે. રાજ્યમાં વર્ષ 2024-25માં રૂ. 1,36,748 કરોડની જીએસટીની આવક થઈ છે. જે ગત વર્ષ કરતા રૂ. 11,579 કરોડ વધુ છે. છેલ્લા 8 વર્ષમાં ભારતીય અર્થતંત્રમાં ગુજરાતનું યોગદાન નોંધપાત્ર રીતે વધ્યું છે. જીએસટીએ ગુજરાતને વધુ પારદર્શક, કાર્યક્ષમ અને ગતિશીલ અર્થતંત્ર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
ગુજરાતમાં વર્ષો પહેલા વેટ (VAT), CST, ઓક્ટ્રોય, એન્ટ્રી ટેક્સ, સર્વિસ ટેક્સ અને કેન્દ્રીય આબકારી જકાત જેવા ઘણા બધા કર (ટેક્સ) અમલમાં હતા. આ સિસ્ટમ ખૂબ જ જટીલ હતી, જેનાથી વેપારીઓને ટેક્સ ભરવામાં અનેક મુશ્કેલીઓ થતી હતી. ખાસ કરીને, વિવિધ રાજ્યોના અલગ-અલગ ટેક્સ રેટ અને નિયમો ઉપરાંત 'ટેક્સ પર ટેક્સ' (કેસ્કેડિંગ ઇફેક્ટ)ને કારણે વસ્તુઓ મોંઘી બનતી હતી અને વેપારમાં અવરોધો આવતા હતા. ગુજરાત જેવા નિકાસલક્ષી અને વેપાર-આધારિત રાજ્ય માટે આ પડકાર વધુ વિકટ હતો. આ પડકારનો સામનો કરવા અને દેશની અર્થવ્યવસ્થાને નવી દિશા આપવા માટે તા. 1લી જુલાઈ, 2017 ના રોજ ભારતમાં ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગુ કરવામાં આવ્યો હતો.
દેશભરમાં જીએસટીનો અમલ થતાં અન્ય કરને નાબૂદ કરવામાં આવ્યા હતા. "એક રાષ્ટ્ર, એક કર"ના સિદ્ધાંત સાથે જીએસટીએ કર પ્રણાલીને સરળ બનાવી, કરચોરી ઘટાડી અને વ્યાપાર કરવામાં સરળતા લાવવાનો માર્ગ મોકળો કર્યો છે. જોકે પેટ્રોલ-ડિઝલનો હજુ જીએસટીમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. તેના લીધે વાહનચાલકોને વધુ કર ચુકવવો પડી રહ્યો છે.
જીએસટી લાગુ થતા વેપારીઓ અને ગ્રાહકો માટે કરની ગણતરી અને તેને ભરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બની છે. આ ઐતિહાસિક કર સુધારણાના કારણે છેલ્લા 8 વર્ષમાં ભારતીય અર્થતંત્રમાં ગુજરાતનું યોગદાન નોંધપાત્ર રીતે વધ્યું છે. ગુજરાતમાં વર્ષ 2024-25માં રૂ.1.36.748 કરોડની જીએસટીની આવક થઈ છે, જે ગત વર્ષ કરતા રૂ. 11.579 કરોડ વધુ છે. SGST-IGSTના માધ્યમથી રાજ્યને વર્ષ 2024-25માં રૂ. 73.200 કરોડની આવક થઈ હતી
જીએસટી લાગુ થયા બાદ ગુજરાતમાં પ્રતિવર્ષ નવા કરદાતાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. 8 વર્ષ પહેલા જીએસટી લાગુ થયો ત્યારે રાજ્યમાં 5.15 લાખથી વધુ કરદાતાઓ હતા, જેની સામે આજે વર્ષ 2024-25માં 145 ટકાના વધારા સાથે રાજ્યમાં કરદાતાઓની સંખ્યા 12.46 લાખને પણ પાર કરી ચૂકી છે, જે બમણાથી પણ વધુ છે.આટલું જ નહિ, રાજ્યને મળતી SGST અને IGSTની આવકમાં પણ ગુજરાતે મોખરાનું સ્થાન જાળવી રાખ્યું છે. વર્ષ 2024-25માં SGST અને IGSTના માધ્યમથી રાજ્યને કુલ રૂ. 73,200 કરોડની મહેસૂલી આવક થઈ છે, જે ગત વર્ષ કરતા રૂ. 8,752 કરોડ વધુ છે.